મનથી હળવા થવા માટે પહાડની ટોચ પર જઈને એકાંતમાં જોરથી ચીસ પાડવાના દિવસો હવે ગયા. હવે તમે તમારા બેડરૂમમાં બેસીને પણ જોરથી રાડ પાડીને હળવા થઈ શકો છો. એ માટે આજકાલ સાઉન્ડ ઍબ્સૉર્બિંગ મટીરિયલથી બનેલાં વિશેષ ઓશીકાં પણ આવે છે.
પ્રતીકાત્મક તસવીર
ભણતરની ચિંતા, પારિવારિક સમસ્યા, રિલેશનશિપ પ્રૉબ્લેમ, નોકરીનું સ્ટ્રેસ આ બધી જ વસ્તુને કારણે મનમાં ગૂંગળામણનો અનુભવ થાય તો મોઢું ઓશીકાથી દબાવી જોરથી ચીસ પાડીને હળવા થઈ જાઓ. આજકાલ આ સ્ક્રીમ થેરપીને સોશ્યલ મીડિયા પર અટેન્શન મળી રહ્યું છે. ખાસ કરીને આજના જે યુવાનો છે તેઓ આને ખૂબ કામની વસ્તુ ગણાવી રહ્યા છે.
સ્ક્રીમ થેરપી વિશે નિષ્ણાતોનું કહેવું છે કે જોરથી ચીસ પાડવાથી એન્ડૉર્ફિન રિલીઝ થાય છે જે નૅચરલ પેઇનકિલર અને મૂડબૂસ્ટર છે. રાડ પાડવાથી સ્ટ્રેસ, ગુસ્સો, ફ્રસ્ટ્રેશનને કારણે મનમાં જે ભાવનાઓ જન્મી હોય એ બધી બહાર નીકળી જાય છે. એટલે આપણે બધાએ જ એ વસ્તુનો અનુભવ કર્યો હશે કે જોરથી ચીસ પાડી લીધા પછી મનનો બોજો હળવો થઈ ગયો હોય એવું લાગે છે.
એમાં પણ આજકાલ ચીસો પાડવા માટે વિશેષ ઓશીકાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે. એને સ્ક્રીમ પિલો તરીકે ઓળખવામાં આવે છે. એની ખાસિયત એ છે કે એ સ્પેશ્યલ સાઉન્ડ ઍબ્સૉર્બિંગ મટીરિયલથી બનેલા હોય છે. એની આડમાં તમે જોરથી ચીસ પાડો તો તમારો અવાજ બહાર જતો નથી અથવા તો ધીમો પડી જાય છે. આવાં ઓશીકાં આસપાસના લોકોને ડિસ્ટર્બ ન થાય એવી રીતે વ્યક્તિને તેનું ફ્રસ્ટ્રેશન અને ઇમોશન્સ ચીસ પાડીને દૂર કરવાની સગવડ આપે છે. એવી જ રીતે જે વ્યક્તિ ચિંતિત કે હેરાન છે તેને પણ તેનું દુખ એકાંતમાં હળવું કરવા માટેની પ્રાઇવસી આપે છે.
આ સ્ક્રીમ થેરપી એક હદ સુધી જ કામ આવી શકે છે. તમારું ફ્રસ્ટ્રેશન કે સ્ટ્રેસ ટેમ્પરરી છે અને તમને એ કાઢીને હળવા થવું હોય તો કોઈક વાર આ ટ્રાય કરો તો વાંધો નહીં. જો તમને રોજનું સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાઇટી રહેતી હોય તો તમારે ફિઝિકલ ઍક્ટિવિટી જેમ કે યોગ-કસરત કરવાં જોઈએ અથવા મનગમતી પ્રવૃત્તિ જેમ કે મ્યુઝિક, આર્ટ, ડાન્સ, વાંચન, લેખનમાં મન પરોવવું જોઈએ. એમ છતાં જો તમને સારું ફીલ ન થતું હોય તો એક્સપર્ટની મદદ લેવી જોઈએ.

