જનરલી એક્સ્ટ્રામૅરિટલ અફેર સાંભળીને આપણા મગજમાં એવું આવે કે સંબંધિત બે વ્યક્તિ વચ્ચે શારીરિક સંબંધો હશે, પણ દરેક વખતે એવું હોય એ જરૂરી નથી. ઘણા એક્સ્ટ્રામૅરિટલ અફેરમાં બે વ્યક્તિ ફક્ત એકબીજાની ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરતી હોય એવું પણ બને
પ્રતીકાત્મક તસવીર
એક્સ્ટ્રામૅરિટલ અફેર એટલે કે લગ્નબાહ્ય સંબંધોનું ચલણ વિદેશની જેમ ભારતમાં પણ એટલું જ વધી રહ્યું છે. એનાં અનેક કારણો છે. ઘણી વાર પરિવારના લોકો તેમનાં સંતાનોનાં લગ્ન તેમની મરજી વિરુદ્ધ કરી દે ત્યારે એક્સ્ટ્રામૅરિટલ અફેર થતાં હોય છે. એ સિવાય કામના સ્ટ્રેસ વચ્ચે પરણેલા લોકો જીવનસાથીને સમય ન આપે ત્યારે લગ્નબાહ્ય સંબંધો થઈ જતા હોય છે. જે દંપતીના જીવનમાં રોમાંચ અને ઉત્સાહની કમી હોય એ પછી બહારથી ખુશી શોધવા માટે એક્સ્ટ્રામૅરિટલ અફેર કરી લેતા હોય છે. લગ્નજીવનમાં શારીરિક સંબંધોની કમી હોય તો પણ લગ્નબાહ્ય સંબંધો બંધાઈ જતા હોય છે. ઘણાં કપલ્સ એવાં હોય જેઓ એકબીજાને સમજી શકતાં ન હોય તો એ લોકો તેમની ભાવનાત્મક જરૂરિયાતો પૂરી કરવા માટે એક્સટ્રામૅરિટલ અફેર તરફ ધકેલાઈ જતાં હોય છે. પૈસાની તંગી વચ્ચે પોતાની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા માટે એક્સ્ટ્રામૅરિટલ અફેર થતાં હોય છે.
એક્સ્ટ્રામૅરિટલ અફેરના પણ ઘણા પ્રકાર હોય
ADVERTISEMENT
ઇમોશનલ અફેર : આ અફેર સામાન્ય રીતે એવી વ્યક્તિ સાથે થાય છે જેમની સાથે દિવસનો મોટા ભાગનો સમય પસાર થતો હોય. ખાસ કરીને ઑફિસમાં કલીગ સાથે. આ પ્રકારના અફેરમાં વ્યક્તિ પોતાનાં વિચારો, લાગણી પોતાના પાર્ટનર સાથે શૅર કરવાને બદલે બીજી વ્યક્તિ સાથે શૅર કરે જેની સાથે તેનું ઇમોશનલ અફેર છે. એમાં તેઓ એવી અંગત વાતો પણ શૅર કરે જે ખરેખર તેમણે તેમના પાર્ટનર જોડે કરવી જોઈએ. ઇમોશનલ અફેરમાંથી ઘણી વાર વ્યક્તિ ફિઝિકલ અફેર તરફ આગળ વધી જાય એની શક્યતા વધુ હોય છે.
રોમૅન્ટિક અફેર : આ પ્રકારના અફેરમાં વ્યક્તિને પોતાના જીવનસાથી સિવાય અન્ય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થઈ જાય છે. એ લોકો આકર્ષણને પ્રેમ સમજી બેસે છે. આ પ્રકારના રોમૅન્ટિક રિલેશન ફક્ત ફ્લર્ટિંગ કરવા સુધી સીમિત હોઈ શકે અથવા તો એમાં ઇમોશનલી અને ફિઝિકલી વધુ ગંભીરતા હોય એવું પણ બને.
સાઇબર અફેર - ટેક્નૉલૉજી અને સોશ્યલ મીડિયાના જમાનામાં આ પ્રકારના અફેરનું પ્રમાણ વધી રહ્યું છે. આમાં બે વ્યક્તિઓ વચ્ચે એવા કોઈ શારીરિક સંબંધો ન હોય પણ તેઓ ઑનલાઇન એકબીજા સાથે સેક્સની વાતો કરતી હોય, પોતાના ન્યુડ ફોટોઝ મોકલતી હોય.
રિવેન્જ અફેર - આ અફેર બદલો લેવાની ભાવના સાથે થતાં હોય છે. જેમ કે કોઈ વ્યક્તિને ખબર પડે કે તેના પાર્ટનરે તેની સાથે ચીટિંગ કરી છે તો એનો બદલો લેવા માટે તે પણ બીજી વ્યક્તિ સાથે અફેર કરે છે. આવું કરીને એ વ્યક્તિ તેના પાર્ટનરને દગો આપવાથી કેટલી પીડા થાય છે એનો અનુભવ કરાવવા માગતી હોય છે.
એક્ઝિટ સ્ટ્રૅટેજી અફેર - કોઈ વ્યક્તિ લગ્નજીવન કે રિલેશનશિપને ખતમ કરવા ઇચ્છતી હોય. આને લઈને પોતાના પાર્ટનર સાથે ડાયરેક્ટ વાત કરવા ન ઇચ્છતી હોય કે કોઈ સ્પષ્ટતા આપવા ન ઇચ્છતી હોય ત્યારે આ પ્રકારનું અફેર કરે છે, જેથી આ અફેર વિશે જાણીને પાર્ટનર જાતે જ છોડી દે.

