દરેક રંગનો પોતાનો મહિમા છે, પોતાનો મિજાજ છે. મેઘધનુષના સાત રંગો એના આકર્ષક દેખાવ સાથે દરેક રંગની વિશિષ્ટ ક્વૉલિટી અને રંગશાસ્ત્ર અનુસાર સ્પેસિફિક પ્રભાવને કારણે પણ લોકપ્રિય છે. હવે ધારો કે આ દરેક રંગની જુદી-જુદી ક્વૉલિટી માણસ પોતાનામાં પણ સમાવી લે તો
પ્રતીકાત્મક તસવીર
દરેક રંગનો પોતાનો મહિમા છે, પોતાનો મિજાજ છે. મેઘધનુષના સાત રંગો એના આકર્ષક દેખાવ સાથે દરેક રંગની વિશિષ્ટ ક્વૉલિટી અને રંગશાસ્ત્ર અનુસાર સ્પેસિફિક પ્રભાવને કારણે પણ લોકપ્રિય છે. હવે ધારો કે આ દરેક રંગની જુદી-જુદી ક્વૉલિટી માણસ પોતાનામાં પણ સમાવી લે તો? કાવ્યાત્મક લાગતી આ વાતને પ્રૅક્ટિકલી પણ અપનાવી શકાય એમ છે અને આપણા જીવનને મેઘધનુષના સાત રંગોના ગુણોથી વધુ રંગીન બનાવી શકાય છે. તમારા જીવનમાં મિસ્ટર અથવા મિસ રેઇન્બો તરીકે કોને સ્થાન આપશો એ જાણી લો.
મેઘધનુષની સુંદરતા મન મોહી લેનારી છે. જોકે મેઘધનુષનું અસ્તિત્વ એના રંગોને કારણે છે. એનું સૌંદર્ય પણ એના રંગોને કારણે છે અને એનું માહાત્મ્ય પણ એના રંગોને કારણે છે. કલર થેરપીનું વિજ્ઞાન હવે ઘણું આગળ નીકળી ગયું છે અને વિવિધ રંગોને આધારે વિવિધ વ્યક્તિમાં રહેલી ખાસિયતોને પારખી શકે એવા કૅમેરા પણ આવી ગયા છે ત્યારે મેઘધનુષના સાત રંગોની જુદી-જુદી વ્યક્તિના મન પર અને વ્યક્તિત્વ પર અસર પડતી હોય છે એવું પણ નિષ્ણાતો માને છે. રંગોથી હીલિંગ થાય છે અને વ્યક્તિ રોગમુક્ત થવાની દિશામાં સક્રિય થતી હોવાની વાતો પણ જગજાહેર છે ત્યારે દરેક રંગ જો એક વ્યક્તિ સ્વરૂપે હોય તો અથવા તો મેઘધનુષના સાતેય રંગોના ગુણો વ્યક્તિના જીવનમાં સમાઈ જાય તો... જેમ કે ઊર્જાવાન અને એનર્જીથી ભરપૂર સનશાઇન કલર ગણાતા પીળા રંગના ગુણોને આત્મસાત્ કરનારી કોઈ વ્યક્તિ આપણી પાસે હોય તો... પ્રેમ અને શૌર્યનું પ્રતીક ગણાતા લાલ રંગના ગુણો સાથેની વ્યક્તિ આપણા પડખે હોય તો... આજે સાઇકોથેરપિસ્ટ અને કાઉન્સેલર શીતલ મહેતા પાસેથી જાણીએ કે સાત રંગના કયા ગુણો ધરાવતા લોકો આપણા સર્કલનો હિસ્સો હોવા જ જોઈએ...
૧ : લાલ
લાલ રંગ પૅશન, સાહસ અને જીવનઊર્જાનો રંગ છે. તમે જોયા હશે એવા કેટલાક લોકો જેઓ હંમેશાં ઉત્સાહિત હોય. પ્રત્યેક ક્ષણ તેમની અંદર કુછ કરીએ, કુછ કરીએની ધૂન સવાર હોય. પ્રેમ સાથે જોડાયેલું પૅશન લાલ રંગને રીપ્રેઝન્ટ કરે છે. મિત્ર અને જીવનસાથીના રૂપમાં મિસ્ટર રેડ અથવા મિસ રેડ તમારી લાઇફમાં હોવાં જ જોઈએ જે તમારામાં પૅશનને ઘટવા ન દે, તમને ડરપોક અને નમાલા થવા ન દે.
૨ : નારંગી
રચનાત્મકતા આ રંગની ખાસિયત. તમે જોજો કેટલાક લોકો એવા હોય જેઓ પાસે બધું જ ખૂટે પણ આઇડિયાઝ ક્યારેય ન ખૂટે. દરેક પરિસ્થતિમાં નવું શું થાય એ તેમનાથી બહેતર કોઈ કહી ન શકે. તેમની સાથે હો એટલે તમારામાં પણ ઇનોવેશનનો કીડો સળવળવા માંડે. તેમની હાજરી માત્રથી કે તેમની સાથે વાત કરવા માત્રથી તમે પણ આઇડિયાઝને જન્મ આપવા માંડો. બીજી ક્વૉલિટીની વાત કરવી હોય તો આ રંગના ગુણોમાં પ્લેફુલનેસ એટલે કે રમતિયાળપણું આવે. હાસ્ય અને રમૂજથી તમારી અંદરના વાતાવરણને જે હળવુંફૂલ રાખી શકે એવા મિસ્ટર ઑરેન્જ અથવા મિસ ઑરેન્જ તમારી લાઇફમાં છે કે નહીં એ ચેક કરી લેવું અને ન હોય તો તેના માટે જગ્યા કરવી અને તેમને શોધી લેવા. તમારા ગ્રોથ માટે તેમનું તમારી સાથે હોવું જરૂરી છે.
૩ : પીળો
યલો કલર ઇમૅજિન કરો એટલે તમને પેલા મંદ-મંદ હસતા પીળા સ્માઇલીથી લઈને બેવડ વળીને દાંત કાઢતા ઇમોજિસ પણ યાદ આવશે. જીવનમાં આવા લોકો પણ જરૂરી છે જેઓ આનંદ અને ઉત્સાહથી છલોછલ હોય. જેમની પાસેથી તમને જૉયફુલનેસ અને ઑપ્ટિમિઝમ એટલે કે હકારાત્મકતા બાય ડિફૉલ્ટ મળે, જેમને તમે હરખપદૂડા કહી શકો અને જે પોતે તો દેદીપ્યમાન પર્સનાલિટી ધરાવતા હોય જ પણ તમને પણ અજવાળવાનું કામ કરે. તમારા જીવનના કોઈ પણ લક્ષ્યને પામવા માટે તમને આવા પૉઝિટિવ એનર્જીથી ભરેલા અને પૉઝિટિવિટી છલકાવતા મિસ્ટર અથવા મિસ યલો વિના ચાલે એમ નથી એ વાત ભૂલતા નહીં. ઘણી વાર તમારા ઘરનું નાનું બાળક પણ તમને એ જૉય અને પૉઝિટિવિટી આપી જતું હોય છે.
૪ : લીલો
ગ્રીન ગ્રોથનો કલર છે. પ્રકૃતિનો રંગ છે. તમને તમારાથી મેળવી આપે, હાર્મની સાથે તમને ગ્રો કરવા માટે જે મોટિવેશન બનતા હોય એવા લોકો ગ્રીન રંગની કૅટેગરીમાં મૂકી શકાય. તમારા ગુરુ, સ્કૉલર્સ, તમારા કરતાં વધુ હોશિયાર લોકો ગ્રીન કલરની કૅટેગરીમાં આવે. તમને અપલિફ્ટ કરવાનું આ લોકો સહજ કરી દેતા હોય છે એટલે તમારા જીવનમાં એવા લોકો છે જેના હોવાથી તમારા જીવનમાં વિકાસનું વાવેતર થતું હોય? જાતને પૂછી લેજો આ સવાલ.
૫ : વાદળી
શાંતિ, વિશ્વાસ, પ્રામાણિકતાનું પ્રતીક ગણાતો વાદળી રંગ તમને આકાશ આપે છે. તમારામાં રહેલી સંકુચિતતાને શોષીને તમને વ્યાપક બનવામાં મદદ કરે. તમે વિશાળતા કેળવો, તમારા સ્વભાવમાં સહુનો વિકાસ થાય એવો ભાવ જાગે અને તમે સહુને સાથે લઈને આગળ વધવાની દિશામાં સક્રિય થાઓ એ પ્રકારની ક્વૉલિટી તમારામાં બહાર લાવવાની ક્ષમતા આ મિસ્ટર અથવા મિસ સ્કાય બ્લુમાં હોય છે. આ રંગ ધરાવતી વ્યક્તિ તમને ઊંચાઈ આપશે. તમને તમારી જાત માટે વિશ્વાસ જગાવશે. સામાન્ય રીતે જેને પોતાની જાત પર ભરોસો ન હોય એ બીજા પર પણ ક્યારેય ભરોસો નથી કરી શકતા. સ્કાય બ્લુ વ્યક્તિ તમને તમારામાં ભરોસો કરાવતાં શીખવશે.
૬ : ભૂરો
તમે કંઈ કહો એની પહેલાં તે સમજી જાય એટલું તમને જાણનારી વ્યક્તિ, તમારા હૃદયની આરપાર જોઈ શકનારી વ્યક્તિ, પારાવાર વિવેકબુદ્ધિ ધરાવતી અને સાથે તમારા પર અપાર શ્રદ્ધા ધરાવનારી વ્યક્તિ એટલે આ મિસ્ટર અથવા મિસ ઇન્ડિગો. ભૂરા રંગની ખાસિયત છે જે તમને આધ્યાત્મિકતા આપશે તો સાથે તમને તમારી ભાષામાં શીખવવાની દિશામાં પણ મદદરૂપ થશે. તમારા માટે આ લોકો સાઇકોલૉજિસ્ટ, કાઉન્સેલર, હીલર, માઇન્ડરીડર એમ મલ્ટિપલ રોલમાં હશે. તમે બાળકની જેમ ટૅન્ટ્રમ થ્રો કરતા હશો તો તમારી સામે બાળક બની જશે અને તમને સમજાવશે. તમે નિરાશાવાદી બનીને વાત કરતા હશો ત્યારે તમને એ મૂડમાં સમજાય એવી રીતે વાત કરશે. આ એવા લોકો છે જે મલ્ટિપલ રોલ-પ્લે માટે સક્ષમ હોય. મિત્ર, લાઇફ-પાર્ટનર, કઝિન્સ અથવા વેલવિશર એમ કોઈ પણ રૂપમાં તમારી સાથે મિસ્ટર અથવા મિસ ઇન્ડિગોનું હોવું અતિજરૂરી છે. ચકાસી લો કે તમારા સર્કલમાં એવી કોઈ વ્યક્તિ છે?
૭ : જાંબલી
જાંબલી કલર એટલે તેને તમે તમારા સોલમેટ્સ કહી શકો. તમારો લાઇફ-પાર્ટનર જ તમારો સોલમેટ હોય એ જરૂરી નથી. મિત્ર, ભાઈ, પિતા, માતા, ગુરુ જેવા કોઈ પણ સ્વરૂપમાં સોલમેટ હોઈ શકે. તમારી સાથે સતત ન પણ હોય અને છતાં તમે તકલીફમાં હો ત્યારે ક્યાંયથી પણ તમારી પાસે આવીને તમારી મદદ કરીને પાછા પોતાનામાં મસ્ત થઈ જનારા આ લોકોને તમારી પાસેથી કોઈ જ અપેક્ષા નથી. તમે કંઈ પણ કરો અને કંઈ ન કરો એને આ લોકો આધીન નથી હોતા. તેમને માત્ર તમારા હિતમાં રસ છે. તમારા જીવનની એન્જલ જેવી વ્યક્તિ, જે ક્યારેય ફેડ નહીં થાય. જેને તમે મદદ માટે ન પોકારો તો પણ તમારા માટે વણકહ્યે જે હાજર રહે એવી વ્યક્તિ. તમને સંભાળી લેવા એ જ તેમનું લક્ષ્ય. જાતને પૂછો કે તમારા જીવનમાં છે આવું કોઈ મિસ્ટર અથવા મિસ વાયલેટ?
તમે બનો સંપૂર્ણ મેઘધનુષ
જસ્ટ ઇમૅજિન કરો કે મેઘધનુષમાં સાત રંગોને બદલે એક જ રંગ હોત તો... માત્ર લાલ રંગ અથવા માત્ર પીળો રંગ તો શું એ સુંદર લાગતું હોય? મેઘધનુષની બ્યુટી એના સાતેય રંગના સાથને કારણે છે. આપણા જીવનમાં સાત રંગની ક્વૉલિટી ધરાવતા લોકો હોવા જોઈએ એની વાત તો આપણે કરી, પરંતુ આપણે કોઈના જીવનનું મેઘધનુષ બની શક્યા છીએ કે નહીં એ પણ જાતને પૂછવા જેવો પ્રશ્ન છે. અને જરૂરી નથી કે એક જ વ્યક્તિ માટે એ સાતેય રંગો હોય. દરેક વ્યક્તિ જુદા-જુદા સમયે જુદી-જુદી વ્યક્તિના જીવનમાં જુદા-જુદા રંગ ભરવાનું કામ કરી શકતી હોય છે. ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ શીતલ મહેતા કહે છે, ‘તમારે જો મેઘધનુષ જેવા સુંદર દેખાવું હોય તો પૉઝિટિવલી તમારી આસપાસના લોકોની જરૂરિયાતને અનુસરીને વિવિધ રંગોને ભરવાનું કામ કરવું પડે. ક્યારેક તમારા પરિવારના સભ્યને આશાના કિરણની જરૂર લાગે ત્યારે તમે એ પીળો રંગ બનીને તેમને એ સનશાઇન પૂરી પાડો. ક્યારેક કોઈને હળવાશ અને ઠંડકની જરૂર હોય અને તમે પોતે જ લીલા રંગની એ ક્વૉલિટીને તમારા વ્યવહાર થકી પૂરી પાડો. ક્યારેક આધ્યાત્મિક ઉન્નતિનો જાંબલી રંગ બનીને પડખે જતા રહો. તમે પણ અઢળક લોકોના જીવનમાં મેઘધનુષના રંગો બનીને બીજાના જીવનને સુખી અને તમારા પોતાના જીવનને સુંદર બનાવી જ શકો છો.’

