Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > તમે પર્ફેક્ટ ઇમોજી વાપરો છો કે નહીં?

તમે પર્ફેક્ટ ઇમોજી વાપરો છો કે નહીં?

Published : 17 July, 2026 12:40 PM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

રિસર્ચ કહે છે કે જે લોકો ચૅટિંગમાં એકદમ સચોટ ઇમોજી યુઝ કરી જાણે છે તેમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ સારી હોય છે. આવા લોકો પોતાની લાગણીઓ એક્સપ્રેસ કરવામાં અને સામી વ્યક્તિના દિલની વાત સમજવામાં બહુ પાકા હોય છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


 રિસર્ચ કહે છે કે જે લોકો ચૅટિંગમાં એકદમ સચોટ ઇમોજી યુઝ કરી જાણે છે તેમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ સારી હોય છે. આવા લોકો પોતાની લાગણીઓ એક્સપ્રેસ કરવામાં અને સામી વ્યક્તિના દિલની વાત સમજવામાં બહુ પાકા હોય છે. ઇમોજી હવે અભિવ્યક્તિનું એક આગવું માધ્યમ બની ગયું છે અને આજે વર્લ્ડ ઇમોજી ડે છે ત્યારે ઇમોજીનો ઉપયોગ કરનારા અને ન કરનારાઓની પર્સનાલિટીને નિષ્ણાત પાસેથી ડીકોડ કરવાની કોશિશ કરીએ

શું તમે જાણો છો કે જે લોકો પોતાના ડિજિટલ મેસેજિસમાં દિલ ખોલીને ઇમોજી વાપરે છે તેમની ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ સારી હોય છે. આવા લોકો સ્વભાવે એકદમ નમ્ર, પ્રેમાળ અને સામેવાળાની લાગણીઓની કદર કરનારા હોય છે. રિસર્ચ તો એવું પણ કહે છે કે ચૅટિંગ દરમ્યાન વારંવાર ઇમોજી વાપરતા લોકો સામી વ્યક્તિ સાથે વધુ મધુર, આત્મીય અને હૂંફાળો સંબંધ કેળવવાનો પ્રયત્ન કરે છે જેથી તેમની વાતચીત ક્યારેય નીરસ કે બોરિંગ ન લાગે. આજે વર્લ્ડ ઇમોજી ડેના દિવસે સાઇકોલૉજિસ્ટ તેજલ કારિયા પાસેથી સમજીએ કે ડિજિટલ વાતચીતમાં વપરાતાં આ નાનકડાં ઇમોજિસ આપણી લાગણીઓ, આપણા વ્યક્તિત્વ અને આપણા સંબંધો વિશેના કયા-કયા રાઝ ખોલે છે?



ઇમોજી અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ


સૌથી પહેલાં સમજીએ ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે પોતાની લાગણીઓને બરાબર ઓળખવાની, એને સમજવાની અને એને યોગ્ય રીતે નિયંત્રિત કે વ્યક્ત કરવાની ક્ષમતા. આપણે વૉટ્સઍપ કે સોશ્યલ મીડિયા પર જે ઇમોજી વાપરીએ છીએ એ આપણી લાગણીઓ એક્સપ્રેસ કરવાની રીત અને સામી વ્યક્તિ પ્રત્યેની સંવેદનશીલતાનો સંકેત આપે છે. જોકે માત્ર ઇમોજી જોઈને જ કોઈ વ્યક્તિની ઇમોશનલ ઇન્ટેલિજન્સનું સર્ટિફિકેટ ન આપી શકાય, પણ એનાથી સામી વ્યક્તિ પ્રત્યેની તેની સમજણ ચોક્કસ દેખાઈ આવે છે.

આ ત્રણ પાસાં જોવા મળે


ઇમોજીનો સમજપૂર્વક ઉપયોગ ઘણી વાર ઇમોશનલ ઇન્ટેલિજન્સનાં ૩ મહત્ત્વનાં પાસાં સાથે જોડાયેલો જોવા મળે છે.

૧. લાગણીઓને સાચી રીતે ઓળખવી : ઇમોશનલ ઇન્ટેલિજન્સનો પહેલો બેઝિક નિયમ એ છે કે આપણને ખુદને ખબર હોવી જોઈએ કે આપણા દિલમાં કઈ લાગણી ચાલી રહી છે અને સામેવાળાને એ કેવી રીતે કન્વે કરવી. જેમનામાં આ સેન્સ જોરદાર હોય તેઓ ખુશી, આભાર, પ્રેમ કે ઉત્સાહ વચ્ચેનો ઝીણો તફાવત બરાબર પારખી શકે છે. ધારો કે કોઈએ તમારું અટકેલું કામ કરી આપ્યું અને તમે માત્ર થૅન્ક યુ કે આભાર લખીને સંતોષ નથી માનતા, પણ સાથે હાથ જોડવાનું કે એક મસ્ત સ્માઇલવાળું ઇમોજી અટૅચ કરો છો તો આ નાનકડી ચૉઇસ તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સ છતી કરે છે, જે બતાવે છે કે તમે સાચા દિલથી અને હૂંફ સાથે ક્રેડિટ આપી રહ્યા છો.

૨. સંબંધોમાં મીઠાશ અને હૂંફ જાળવવી : આપણે જ્યારે ચૅટિંગ કરીએ છીએ ત્યારે સામેની વ્યક્તિ આપણો ચહેરો જોઈ શકતી નથી કે આપણો અવાજ સાંભળી શકતી નથી. એટલે જ ઘણી વાર સીધેસીધાં લખેલાં વાક્યો લોકોને રૂડ લાગી શકે છે. જોકે તમે જો ખરેખર ઇમોશનલી ઇન્ટેલિજન્ટ હશો તો મેસેજ સેન્ડ કરતાં પહેલાં એક સેકન્ડ વિચારશો કે સામેવાળાના કાનમાં આ શબ્દો કેવા વાગશે. તમે કોઈને મોકલો, હું અત્યારે વ્યસ્ત છું વાંચીને સામેવાળો કદાચ ઑફેન્ડ થઈ જાય કે કેવો તોછડો જવાબ આપ્યો, પણ જો તમે આ જ વાક્ય પાછળ એક નાનકડું સ્માઇલી મૂકી દો તો સામેવાળો તરત સમજી જશે કે ભાઈ ગુસ્સામાં નથી પણ ખરેખર કામમાં બિઝી છે.

૩. સામી વ્યક્તિનું દુઃખ કે લાગણી સમજવી : આપણે જ્યારે સામેવાળાનો મૂડ જોઈને ઇમોજી વાપરીએ છીએ ત્યારે એ આપણી સહાનુભૂતિ દર્શાવે છે. તમારો કોઈ મિત્ર મુશ્કેલીમાં હોય અને તમે તેને ખાલી એટલું લખો કે ચિંતા ન કર, બધું સારું થઈ જશે, એના કરતાં જો તેની સાથે એક હૂંફ આપતું કે સાથ આપતું યોગ્ય ઇમોજી મૂકો તો તેને વધુ સારું લાગશે. ક્યારેક શબ્દો કરતાં આ એક નાનું ઇમોજી પણ મોટો ટેકો બની જાય છે, કારણ કે એનાથી મિત્રને એવો અહેસાસ થાય છે કે તમે મુશ્કેલ સમયમાં તેની સાથે ઊભા છો.

તો શું ઇમોજી ન વાપરનારા ઓછા લાગણીશીલ હોય?

જો કોઈ વ્યક્તિ મેસેજ કરતી વખતે ઇમોજીનો બહુ ઓછો ઉપયોગ કરે છે અથવા બિલકુલ નથી કરતી એનો અર્થ એવો બિલકુલ નથી કે તેના દિલમાં કોઈ લાગણી કે પ્રેમ નથી. દરેક વ્યક્તિની વાત કરવાની અને પોતાની વાત સમજાવવાની રીત અલગ-અલગ હોય છે. કેટલાક લોકો સ્વભાવે એકદમ સીધા અને પ્રોફેશનલ હોય છે એટલે તેઓ મેસેજમાં ટૂંકી અને મુદ્દાની વાત કરવાનું જ પસંદ કરે છે; જ્યારે કેટલાક લોકો એવા હોય છે જેઓ મેસેજમાં ભલે લાગણી ન બતાવે પણ રૂબરૂ મુલાકાતમાં, ફોન પર વાત કરતી વખતે અથવા પોતાના વર્તન દ્વારા બહુ સરસ રીતે પ્રેમ અને આદર વ્યક્ત કરી શકતા હોય છે. આ પાછળ ઘણાં જુદાં-જુદાં કારણો પણ હોઈ શકે છે. આજની પેઢી ઇમોજીથી ટેવાયેલી છે, જ્યારે મોટી ઉંમરના લોકો શબ્દોથી વાત કરવામાં વધુ માને છે. જે લોકો સતત ઑફિસના કે બિઝનેસના વાતાવરણમાં કામ કરતા હોય તેમને ફક્ત ઔપચારિક અને સીધા મેસેજ લખવાની આદત પડી ગઈ હોય છે. જે લોકો ડિજિટલ વાતચીતમાં ઓછાં ઇમોજી વાપરે છે તેમને ઓછા સંવેદનશીલ, ઓછા પ્રેમાળ કે ઓછા ઇમોશનલ ઇન્ટેલિજન્ટ માની લેવાની ભૂલ ન કરવી જોઈએ.

ઇમોજી અને આપણો સ્વભાવ વચ્ચે શું સંબંધ છે?

આપણે મેસેજમાં જે ઇમોજી વાપરીએ છીએ એ માત્ર લાગણીઓ બતાવવા પૂરતાં મર્યાદિત નથી. ઘણા પર્સનાલિટી રિસર્ચ એવું કહે છે કે વ્યક્તિ કેવાં ઇમોજી વાપરે છે એના પરથી તેના સ્વભાવ અને વ્યક્તિત્વનાં કેટલાંક લક્ષણો જાણી શકાય છે. જોકે માત્ર ઇમોજી જોઈને જ કોઈનું  વ્યક્તિત્વ નક્કી ન થાય, પણ એનાથી વ્યક્તિના સ્વભાવનો એક અંદાજ ચોક્કસ મળે છે. વ્યક્તિત્વના આ જોડાણને આપણે ૩ સરળ વાતોથી સમજી શકીએ.

૧. મળતાવડો સ્વભાવ : આ લક્ષણ એ બતાવે છે કે વ્યક્તિ સ્વભાવે કેટલી નમ્ર છે, બીજાને કેટલો સહકાર આપે છે અને સામી વ્યક્તિની લાગણીઓની કેટલી કદર કરે છે. રિસર્ચ પ્રમાણે જે લોકો સ્વભાવે વધુ મળતાવડા અને પ્રેમાળ હોય છે તેઓ સામેવાળી વ્યક્તિ સાથે સંબંધોમાં હૂંફ અને મીઠાશ જાળવી રાખવા માટે મેસેજમાં ઇમોજીનો ઉપયોગ વધુ કરે છે.

૨. ખુલ્લા મનનો કે શાંત સ્વભાવ : જેઓ સોશ્યલ રહેવાનું પસંદ કરે છે અને પોતાની લાગણીઓ બધાની સામે ખુલ્લેઆમ વ્યક્ત કરી શકે છે તેઓ ચૅટિંગ કરતી વખતે પણ ઇમોજીનો ભરપૂર ઉપયોગ કરે છે. જેઓ થોડા શાંત હોય છે અને પોતાનામાં મસ્ત રહે છે તેઓ ડિજિટલ વાતચીતમાં ઇમોજીનો ઓછો ઉપયોગ કરે છે એવું કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે. 
1જે લોકોનું મન એકદમ ખુલ્લું હોય છે અને જેઓ નવી વસ્તુઓ કે નવા અનુભવો અજમાવવા માટે હંમેશાં તૈયાર રહે છે તેઓ મેસેજ કરતી વખતે પણ અવનવાં અને કલાત્મક ઇમોજીનો ઉપયોગ કરવામાં બહુ કમ્ફર્ટેબલ હોય છે.

ઇમોજીનાં કેટલાંક નેગેટિવ પાસાં

ઇમોજી વાતચીતને સરળ અને મજેદાર બનાવે છે, પરંતુ એનો અતિરેક કેટલીક વાર સમસ્યા ઊભી કરી શકે છે.

ગેરસમજ થવાનું જોખમ : દરેક વ્યક્તિ ઇમોજીનો અર્થ પોતાની રીતે સમજી શકે છે. તમે જે ઇમોજી સારા અર્થમાં મોકલો છો એનો સામેવાળી વ્યક્તિ અલગ અર્થ કાઢી શકે છે.
વાતચીતની ઊંડાઈમાં ઘટાડો : કેટલીક વાર વધુ પડતાં ઇમોજીનો ઉપયોગ કરવાથી વ્યક્તિ એવું માનવા લાગે છે કે માત્ર ઇમોજીથી જ લાગણી વ્યક્ત થઈ જશે. પરિણામે વિગતવાર વાતચીત ઓછી થઈ શકે છે.

પ્રોફેશનલ વાતચીતમાં સંદર્ભનું મહત્ત્વ : ઑફિસના કામકાજ, કૉર્પોરેટ કે બિઝનેસ મેસેજમાં ઇમોજીનો ઉપયોગ કરતી વખતે સંદર્ભ સમજવો જરૂરી છે. યોગ્ય જગ્યાએ વપરાયેલું ઇમોજી વાતચીતને સરળ બનાવી શકે છે, પરંતુ વધુ પડતા અથવા અયોગ્ય ઇમોજીથી મેસેજની ગંભીરતા ઓછી થઈ શકે છે અને ક્યારેક અનપ્રોફેશનલ છાપ પણ પડી શકે છે.
અસલી લાગણી છુપાઈ જવી : ક્યારેક લોકો મુશ્કેલ લાગણીઓને છુપાવવા માટે પણ ઇમોજીનો સહારો લે છે. હસતો ચહેરો હંમેશાં વ્યક્તિ ખરેખર ખુશ છે એવું દર્શાવતો નથી.
જનરેશન ગૅપ : એક પેઢી માટે ઇમોજી લાગણી વ્યક્ત કરવાની સરળ ભાષા છે, જ્યારે બીજી પેઢી માટે શબ્દો અને રૂબરૂ વાતચીત વધુ મહત્ત્વની હોઈ શકે છે.
વાતચીત કરવા માટે ઇમોજી એક બહુ સરસ માધ્યમ છે; પણ સામે કઈ વ્યક્તિ છે, આપણો સંબંધ કેવો છે અને કેવો માહોલ છે આ બધું સમજીને જ એનો ઉપયોગ 
કરવો જોઈએ.

વર્લ્ડ ઇમોજી ડે કેમ?

દર વર્ષે ૧૭ જુલાઈએ વર્લ્ડ ઇમોજી ડે ઊજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ ડિજિટલ વાતચીતમાં ઇમોજીના મહત્ત્વને સમજાવવાનો અને ભાષાની મર્યાદા વગર લાગણીઓ વ્યક્ત કરવાની આ વૈશ્વિક ભાષાની ઉજવણી કરવાનો છે. ઇમોજી આજે માત્ર મેસેજને સુંદર બનાવવાનું સાધન નથી રહ્યું, દુનિયાભરના લોકો વચ્ચે લાગણીઓ અને વિચારોને સરળતાથી પહોંચાડવાનું માધ્યમ પણ બની ગયું છે.

આજકાલ લોકો મેસેજમાં નાનાં-નાનાં ઇમોજી મોકલીને પણ પોતાના સંબંધોમાં જીવંતતા, આત્મીયતા અને જોડાણ જાળવી રાખવાનો સ્માર્ટ પ્રયાસ કરે છે. જેને સોશ્યલ મેઇન્ટેનન્સ બિહેવિયર કહેવાય છે.

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2026 12:40 PM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK