નવરાત્રિનું પર્વ ઉત્સાહભર્યા વાતાવરણમાં ઊજવાઈ રહ્યું છે. આ પર્વ પૂરું થતાં દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન થશે ત્યારે અમદાવાદમાં મુસ્લિમ સમાજના ૪૦ કારીગરો રાવણનાં વિશાળકાય પૂતળાંઓ બનાવવામાં કાર્યરત છે.
અમદાવાદમાં રાવણનાં વિશાળકાય પૂતળાં બનાવી રહેલા કારીગરો. તસવીર : જનક પટેલ.
નવરાત્રિનું પર્વ ઉત્સાહભર્યા વાતાવરણમાં ઊજવાઈ રહ્યું છે. આ પર્વ પૂરું થતાં દશેરાના દિવસે રાવણના પૂતળાનું દહન થશે ત્યારે અમદાવાદમાં મુસ્લિમ સમાજના ૪૦ કારીગરો રાવણનાં વિશાળકાય પૂતળાંઓ બનાવવામાં કાર્યરત છે.
અમદાવાદના રામોલ વિસ્તારમાં દશેરાની તૈયારીના ભાગરૂપે કારીગરો રાવણનાં પૂતળાં બનાવી રહ્યા છે. રાવણનાં પૂતળાં બનાવતા મેકર મોહસિન ખાને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉત્તર પ્રદેશથી ૪૦ માણસોની ટીમ અમદાવાદ આવી છે અને દશેરાના દિવસે રાવણદહન થાય છે એ રાવણનાં પૂતળાં અમે બનાવી રહ્યા છીએ. રામોલ વિસ્તારમાં અમારું કારખાનું છે ત્યાં રાવણના પૂતળાં બનાવીએ છીએ. દશેરાનો દિવસ નજીક આવી ગયો છે એટલે રાતદિવસ મહેનત કરીએ છીએ. દશેરા આવે એ અગાઉ ૪૦ દિવસ પહેલાં જ અમે રાવણનાં પૂતળાં બનાવવાનું કામ ચાલુ કરી દઈએ છીએ. હાલમાં ૫૧, ૬૧ અને ૭૧ ફુટનાં ૪૦ રાવણનાં પૂતળાં બનાવવાનું કામ ચાલી રહ્યું છે. અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, આણંદ, નડિયાદ, દ્વારકા, લાલપુર સહિતનાં શહેરોમાં રાવણનાં પૂતળાં બનાવવાનું કામ મળ્યું છે. અમે વર્ષોથી રાવણનાં પૂતળાં બનાવીએ છીએ અને હિન્દુભાઈઓ એનું દહન કરીને અસત્ય પર સત્યનો વિજયોત્સવ ઊજવીને ઉત્સવ મનાવે છે.’