ઇલેક્શન-ઍક્શન: અન્ય રાજ્યોની ચૂંટણીમાં સફળ નીવડેલી મહિલાઓને કૅશ ટ્રાન્સફરની નીતિ બિહારમાં જુદા રૂપરંગે લાગુ, બિહારમાં નરેન્દ્ર મોદીએ ૭૫ લાખ મહિલાઓના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા દસ-દસ હજાર
બિહારમાં મહિલા મતદારો : ૩.૩૯ કરોડ મતદારોમાં લાભાર્થીની ટકાવારી – બાવીસ ટકા (૭૫ લાખ)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજનાનો ગઈ કાલે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લઈને ૭૫ લાખ મહિલાઓના અકાઉન્ટમાં ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
નરેન્દ્ર મોદીએ આ યોજનાને એક મોટું અને મહત્ત્વપૂર્ણ પગલું ગણાવતાં કહ્યું હતું કે જ્યારે કોઈ બહેન કે બેટી પોતાનો રોજગાર કે સ્વરોજગાર કરે છે ત્યારે તેમનાં સપનાંઓને પાંખો લાગી જાય છે, સમાજમાં તેમનું સન્માન વધી જાય છે.
ADVERTISEMENT
બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આ યોજનાને બિહારની મહિલાની આર્થિક આઝાદી માટેનું ઐતિહાસિક પગલું ગણાવી હતી.
બિહારમાં ચૂંટણી પહેલાં આ યોજનાના આરંભને મહિલા મતદારોને રીઝવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. બિહારમાં કુલ ૩.૩૯ કરોડ મહિલા મતદારો છે, એમાંથી ૭૫ લાખ જેટલી મહિલાઓના અકાઉન્ટમાં સીધા ૧૦,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર થયા છે, જે કુલ મહિલા મતદારોનો બાવીસ ટકા હિસ્સો છે.

