બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને રીડેવલપ થઈ રહેલા અમદાવાદ સ્ટેશનની રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે કરી સમીક્ષા : અમદાવાદના વટવામાં મેગા ટર્મિનલ બનશે
					
					
બુલેટ ટ્રેનના સ્ટેશનની છત પર પતંગોની ડિઝાઇન બનશે
દેશના સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અમદાવાદમાં બની રહેલા બુલેટ ટ્રેનના સ્ટેશનની છત પર સેંકડો પતંગોની ડિઝાઇન બનશે. એટલું જ નહીં, અમદાવાદના વટવામાં મેગા ટર્મિનલ વિકસાવવાની જાહેરાત ગઈ કાલે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કરી હતી.
અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે અમદાવાદ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશનના પુનર્વિકાસ અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘અમદાવાદ સ્ટેશન ખાતે ૧૬ માળનું આધુનિક બિલ્ડિંગ બની રહ્યું છે. અમદાવાદમાં હાઈ સ્પીડ રેલવે સ્ટેશનનું કામ લગભગ પૂરું થવા આવ્યું છે. બુલેટ ટ્રેન સ્ટેશન અને અમદાવાદ રેલવે સ્ટેશનને એકીકૃત સ્વરૂપે વિકસાવવામાં આવી રહ્યાં છે જેથી મુસાફરોને સરળ સ્થળાંતરની સુવિધા મળી રહેશે. અમદાવાદ સ્ટેશનને ત્રણ વધારાનાં પ્લૅટફૉર્મ મળશે જેથી ટ્રેનોની સંચાલનક્ષમતા વધશે. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, કલકત્તા સહિત દેશનાં મુખ્ય ૨૦ સ્ટેશનોમાંથી નવી ટ્રેનોની માગ વધુ આવે છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરતથી પણ વધુ માગ આવી રહી છે. આ વધતી માગને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંચાલનક્ષમતાને વધારવા માટે અમદાવાદના વટવામાં મેગા ટર્મિનલ વિકસાવવામાં આવશે. એમાં ૧૦ પિટ લાઇનો બનાવવામાં આવશે. એના માધ્યમથી અંદાજે ૪૫ ટ્રેનોની ક્ષમતા વધશે. એથી ૧૫૦ જેટલી ટ્રેનોનું સંચાલન શક્ય બનશે.’
ADVERTISEMENT
સ્ટેશન પર સીદી સૈયદની જાળી
અમદાવાદના બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઇન શહેરની સમૃદ્ધિ, સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરથી પ્રેરિત છે. સ્ટેશનની છત અને બહારના ભાગે સેંકડો પતંગોને એક સુંદર કૅન્વસના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવી રહી છે, જ્યારે કૅનપી પૅટર્ન પ્રખ્યાત સીદી સૈયદની જાળીની કોતરણીવાળી ડિઝાઇનથી પ્રેરિત છે.

અમદાવાદમાં બની રહેલું બુલેટ ટ્રેનનું સ્ટેશન અને પુનર્વિકાસ પામી રહેલું અમદાવાદનું રેલવે-સ્ટેશન
કેવી હશે સુવિધાઓ?
અમદાવાદના રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૧૦, ૧૧ અને ૧૨ પર બુલેટ ટ્રેનનું સ્ટેશન બની રહ્યું છે. બુલેટ ટ્રેનના સ્ટેશનમાં બે પ્લૅટફૉર્મ હશે. સ્ટેશન પર વેઇટિંગ લાઉન્જ, રેસ્ટ રૂમ તથા કાર, બસ, રિક્ષા માટે પાર્કિંગ અને પિક-અપ તેમ જ ડ્રૉપ-ઑફની વ્યવસ્થા હશે. બુલેટ ટ્રેનનું સ્ટેશન કાળુપુર મેટ્રો રેલવે સ્ટેશન સાથે જોડાયેલું હશે જેથી મુસાફરોને બુલેટ ટ્રેનમાંથી શહેરના બીજા વિસ્તારોમાં મેટ્રોથી જવું હશે તો એની કનેક્ટિવિટી મળી રહેશે. આ ઉપરાંત બુલેટ ટ્રેન સ્ટેશનમાંથી અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લૅટફૉર્મ નંબર ૧થી ૯ સુધી જઈ શકાય એવી કનેક્ટિવિટી બનશે.
		        	
		         
        

