૪૪૬૨.૮૧ કરોડ રૂપિયાની ધીરુભાઈ અંબાણી નૉલેજ સિટીની ૧૩૨ એકર જમીન EDએ જપ્ત કરી
					
					
અનિલ અંબાણી
અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે બૅન્ક સાથેની છેતરપિંડીના કેસના એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ નવી મુંબઈમાં ધીરુભાઈ અંબાણી નૉલેજ સિટી (DAKC)ની અંદર ૧૩૨ એકરથી વધુ જમીન જપ્ત કરી છે, જેની કિંમત ૪૪૬૨.૮૧ કરોડ રૂપિયા છે.
આ બાબતોના જાણકારોના કહેવા મુજબ આ કાર્યવાહી સાથે ગ્રુપની કથિત લોન છેતરપિંડીના સંદર્ભમાં જપ્ત કરાયેલી સંપત્તિનું કુલ મૂલ્ય ૭૫૦૦ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. EDની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ દ્વારા કરવામાં આવેલી આ જપ્તી પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA), ૨૦૦૨ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી. રિલાયન્સ કમ્યુનિકેશન્સ લિમિટેડ (RCom) અને અન્ય અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG)ની કંપનીઓ દ્વારા બૅન્ક-લોનના કથિત ડાઇવર્ઝન અને દુરુપયોગની ચાલુ તપાસને અનુસરતાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ EDએ RCom, રિલાયન્સ કમર્શિયલ ફાઇનૅન્સ લિમિટેડ અને રિલાયન્સ હોમ ફાઇનૅન્સ લિમિટેડને સંડોવતા કેસોમાં ૩૦૮૩ કરોડ રૂપિયાથી વધુની ૪૨ મિલકતો જપ્ત કરી હતી.
		        	
		         
        

