કેમ કે બપોરે સાડાબાર વાગ્યા સુધી જ મંદિરમાં દર્શન થઈ શકશે
ડ્રોન-શોએ સરજ્યું કૌતુક
મુંબઈથી ઘણા માઈભક્તો પૂનમ ભરવા શક્તિપીઠ અંબાજી જાય છે ત્યારે જો આ વખતે ભાદરવી પૂનમે અંબાજીમાં દર્શન કરવા જતા હો તો સમયસર પહોંચી જજો, કેમ કે ચંદ્રગ્રહણના કારણે માઈભક્તો માટે અંબાજી મંદિરની અંદર જઈને દર્શન કરવા માટે મંદિર બપોરે સાડાબાર વાગ્યા સુધી જ ખુલ્લું રહેશે.
શ્રી આરાસુરી અંબાજી માતાજી દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન અને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર મિહિર પટેલે કહ્યું હતું કે ‘ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી એ દિવસે બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી માઈભક્તો મંદિરમાં દર્શન કરી શકશે તેમ જ ધજા ચડાવી શકશે. એ પછી દર્શન કરી શકાશે નહીં કે ધજા પણ નહીં ચડાવી શકાય. જોકે સાંજે પાંચ વાગ્યા સુધી માઈભક્તો જાળીમાંથી દર્શન કરી શકશે. સાંજે પાંચ વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.’
ADVERTISEMENT
ડ્રોન-શોએ સરજ્યું કૌતુક
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પહેલી વાર આધ્યાત્મિકતા અને આધુનિકતાનો સમન્વય કરીને રાતે ડ્રોન-શો યોજાયો હતો. ૪૦૦ ડ્રોન દ્વારા અંબાજી મંદિર પર આકાશમાં રોશનીનો નજારો સરજાયો હતો. રંગીન લાઇટોથી સજ્જ એકસાથે ૪૦૦ ડ્રોન ઉડાડ્યાં હતાં. ‘જય અંબે’નું લખાણ, વિશાળ ઘંટ, ત્રિશૂળ, ધજા અને ૐ સહિતનાં શક્તિનાં પ્રતીકો તેમ જ અંબાજી મંદિર, ગુજરાતનો નકશો તેમ જ ભાદરવી પૂનમ મહામેળાના લખાણનું ફોર્મેશન રચ્યું હતું.
અંબાજીમાં આશીર્વાદરૂપ બની અનાઉન્સમેન્ટ
અંબાજીની ફરતે પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં થતી અનાઉન્સમેન્ટ વિખૂટા પડેલા યાત્રીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ભાદરવી પૂનમના મેળામાં લાખ્ખો માઈભક્તો આવી રહ્યા છે ત્યારે ઘણા કિસ્સામાં સ્વજનો કે મિત્રો એકબીજાથી છૂટા પડી જાય છે અને તેમને શોધવા માંડે છે. વિખૂટા પડી ગયેલા યાત્રીઓ માટે વહીવટી તંત્ર દ્વારા મુખ્ય કન્ટ્રોલ રૂમ બનાવાઈ છે. વિખૂટા પડેલા યાત્રીઓનાં નામ અહીં આપવામાં આવે તો તેમના નામથી અનાઉન્સમેન્ટ થાય છે અને તેઓ ક્યાં છે એની માહિતી આપવામાં આવે છે. આ અનાઉન્સમેન્ટ પાંચ કિલોમીટરના વિસ્તાર સુધી સ્પીકર પરથી સાંભળી શકાય છે. છેલ્લા પાંચ દિવસમાં ૨૭૨૦થી વધુ માઈભક્તો તેમના પરિવાર કે મિત્રોથી વિખૂટા થઈ ગયા બાદ અનાઉન્સમેન્ટ દ્વારા તેમના પરિવાર કે મિત્રોને જાણ કરીને મળાવી દીધા હતા.
મેળામાં વિખૂટાં પડેલાં બાળકોનું થયું પુનર્મિલન
મેળામાં આવતાં બાળકોને આઇકાર્ડ બનાવીને પહેરાવી દેવામાં આવે છે જેમાં તેમનું નામ-સરનામું અને વાલીનો ફોન-નંબર લખવામાં આવે છે. મેળાના પાંચ દિવસ દરમ્યાન ૮૨ બાળકો પરિવારથી વિખૂટાં પડી ગયાં હતાં તેમ જ કેટલાંક બાળકો ખોવાઈ ગયાં હતાં તેમને શોધીને કે મળી આવેલાં બાળકોને તેમના પેરન્ટ્સ સાથે મિલન કરાવતાં ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. અંબાજીમાં ઘોડિયાઘર પણ ખોલવામાં આવ્યું છે જ્યાં માતાઓ પોતાના બાળકને લઈને આવે અને ફીડિંગ કરાવે છે અને આરામ કરી શકે છે. બાળકો માટે અહીં રમકડાં પણ મુકાયાં છે.
૩૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નમાવ્યું શીશ
અંબાજીમાં ઘોડિયાઘરમાં બાળકો સાથે માતા અને સ્વયંસેવક બહેનો.
ભાદરવી પૂનમનો મહામેળો એના અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યો છે ત્યારે છેલ્લા પાંચ દિવસમાં ૩૦,૦૧,૦૧૩ માઈભક્તોએ અંબાજી પહોંચીને મંદિરમાં માતાજીના દ્વારે શ્રદ્ધાપૂર્વક શીશ નમાવીને દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગઈ કાલ સુધીમાં અંબાજી મંદિર પર ૨૧૫૫ ધજાઓ માઈભક્તોએ લહેરાવી હતી. ૧,૯૦,૪૬,૨૭૩ રૂપિયા માતાજીના ચરણે અર્પણ થયા છે. એ ઉપરાંત ૭.૩૬૦ ગ્રામ સોનું અને ૫૦૦ ગ્રામ ચાંદી માતાજીના મંદિરે અર્પણ થયાં છે.

