સ્કૂટી સ્કિડ થઈ એ પછી બન્ને રસ્તા પર પડ્યા અને પાછળ બેઠેલા દેવાંશ પટેલ પર બસનું પૈડું ફરી ગયું
લાલબાગચા રાજાનાં દર્શન કરીને પાછા ફરી રહેલા દેવાંશ પટેલ પરથી બસનું ટાયર ફરી ગયું હતું.
લાલબાગચા રાજાનાં દર્શન કરીને મિત્ર સાથે પાછા ફરી રહેલા બાવીસ વર્ષના દેવાંશ પટેલનું ગઈ કાલે પવઈમાં IITના મેઇન ગેટ સામે બસની નીચે આવી જવાથી કરુણ મૃત્યુ થયું હતું, જ્યારે સ્કૂટી ચલાવી રહેલો તેનો મિત્ર સ્વપ્નિલ વિશ્વકર્મા ગંભીર રીતે ઘવાયો હતો. અકસ્માત બદલ બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા માહિતી આપતાં કહેવાયું હતું કે ખાડો બચાવવાના ચક્કરમાં સ્કૂટી ચલાવી રહેલો યુવાન બાજુમાં બહુ જ નજીકથી પસાર થઈ રહેલી કાર સાથે અથડાતાં બચ્યો હતો અને એ પછી સંતુલન ગુમાવીને બન્ને રસ્તા પર પડ્યા હતા, જેમાં પાછળ બેસેલા યુવાન દેવાંશ પટેલ પર પાછળથી આવી રહેલી બસનું પૈડું ફરી જતાં તેનું મોત થયું હતું. પવઈ પોલીસે આ સંદર્ભે ૫૭ વર્ષના બસ-ડ્રાઇવર ઉત્તમ જીજાબા કુમકર સામે ગુનો નોંધીને કેસની વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
અકસ્માત થયા બાદ બસને સાઇડ પર લેવામાં આવી હતી અને પવઈ પોલીસે તપાસ શરૂ કરી હતી.
આ અકસ્માત વિશે માહિતી આપતાં BEST દ્વારા પ્રેસ-રિલીઝ બહાર પાડીને કહેવામાં આવ્યું હતું કે ‘રૂટ-નંબર A-422ની બસ વિક્રોલી ડેપોથી બાંદરા બસ-સ્ટેશન જઈ રહી હતી. સવારના ૬.૫૫ વાગ્યે પવઈમાં IITના મેઇન ગેટના બસ-સ્ટૉપ સામે સ્કૂટી પર જઈ રહેલા યુવાને ખાડાથી બચવાના ચક્કરમાં સ્કૂટી સહેજ વાળી હતી. એ વખતે જમણી બાજુએથી જઈ રહેલી કાર એકદમ નજીક આવી જતાં તે ગભરાયો હતો અને સ્કૂટી સ્કિડ થવાથી બન્ને રસ્તા પર પટકાયા હતા. સ્કૂટી ચલાવનાર લેફ્ટ સાઇડમાં પટકાયો હતો, જ્યારે પિલ્યન રાઇડર યુવાન જમણી તરફ પટકાયો હતો. તેના માથા પરથી બસનું પાછળનું પૈડું ફરી ગયું હતું. તેને તરત જ રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેના સાથીદારને બન્ને પગમાં વાગ્યું હતું, પણ તે બચી ગયો હતો. તેને નજીકની પવઈની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે.’
પવઈ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર સોનાવણેએ કહ્યું હતું કે દેવાંશ જોગેશ્વરી-ઈસ્ટમાં રહેતો હતો અને પાર્ટ-ટાઇમ જૉબ કરતો હતો.

