Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > પોર્ટુગીઝો સામેની લડાઈમાં વિજય અપાવ્યો હતો ભિવંડીના સિદ્ધિવિનાયક બાપ્પાએ

પોર્ટુગીઝો સામેની લડાઈમાં વિજય અપાવ્યો હતો ભિવંડીના સિદ્ધિવિનાયક બાપ્પાએ

Published : 06 September, 2025 02:03 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું આ મંદિર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં દરરોજ ભક્તો વિઘ્નહર્તા બાપ્પાનાં દર્શન માટે પહોંચે છે

ગર્ભગૃહ સીસમના લાકડાથી બનાવાયો છે

ગર્ભગૃહ સીસમના લાકડાથી બનાવાયો છે


મુંબઈના પ્રભાદેવીમાં સ્થિત પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિર વિશે આખી દુનિયા માહિતગાર છે પરંતુ ભિવંડી તાલુકાના અણજૂર ગામમાં આવેલા ૩૦૭ વર્ષ જૂના શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું આ મંદિર ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે જ્યાં દરરોજ ભક્તો વિઘ્નહર્તા બાપ્પાનાં દર્શન માટે પહોંચે છે


જીવનમાં કોઈ પણ શુભ કાર્ય કરવાનું હોય તો એ નિર્વિઘ્ને પાર પડે એ માટે સૌપ્રથમ આદિપૂજ્ય દેવ ગણપતિબાપ્પાને સ્મરવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં તેમનો વિશેષ મહિમા હોવાથી ઠેર-ઠેર આવેલાં તેમનાં મંદિરોમાં ભાવિકો શ્રદ્ધા અને આસ્થા સાથે નતમસ્તક થાય છે. મુંબઈના પ્રભાદેવી એરિયામાં સ્થિત સિદ્ધિવિનાયક મંદિર જગવિખ્યાત થયું છે પણ થાણેના ભિવંડી તાલુકામાં મુંબ્રા ખાડી સામે પ્રકૃતિના ખોળે વસેલા અણજૂર ગામમાં ત્રણ સદીથી સિદ્ધિવિનાયક બાપ્પા બિરાજમાન છે. ત્રણસો વર્ષ પહેલાં પોર્ટુગીઝોના વધી રહેલા પગપેસારાને લીધે હિન્દુઓ પર થતા ભયંકર ત્રાસથી છુટકારો મેળવવામાં અને પોર્ટુગીઝ સામેની લડતમાં વિજય મેળવવામાં  અહીંના ગણપતિબાપ્પાનું યોગદાન છે એવું માનવામાં આવે છે. આ મંદિર બનવા પાછળનો ઇતિહાસ પણ રોચક છે.



મરાઠા વૉરિયરે કરી સ્થાપના


સિદ્ધિવિનાયક બાપ્પાને અણજૂરમાં સ્થાપિત કરવામાં નિંબાજી નાઈકની બીજી પત્નીના પુત્ર ગંગાજી ના​ઈકનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે. એના ઇતિહાસ વિશે મંદિરના સેક્રેટરી અને ટ્રસ્ટી સંતોષ કૃષ્ણરાવ નાઈક જણાવે છે, ‘નાઈક પરિવારની પૂર્વ અટક રાણે હતી પણ ઈ. સ. ૧૧૬૩માં બિંબ રાજાના વંશજ એક રાજકુમાર અને તેની માતાને રાણે પરિવારના એક પુરુષે પ્રાણઘાતક સંકટમાંથી બચાવ્યા બાદ આ કુટુંબને નાયકની ઉપાધિ મળી. ત્યાર બાદથી તે નાઈકના નામેથી ઓળખાયા. છત્રપતિ શિવાજી મહારાજના શાસનકાળમાં મરાઠાઓના સરદાર નિંબાજી નાઈક ધર્મપ્રેમી હતા. ઈ. સ. ૧૫૮૦માં પોર્ટુગીઝોના હિન્દુઓ પ્રત્યે વધી રહેલા અત્યાચારનો વિરોધ કર્યો, પણ તેમનું કાર્ય અધૂરું રહી ગયું અને અઢારમી સદીની શરૂઆતના સમયમાં તેમનું અવસાન થયું. અધૂરો સંકલ્પ પૂરો કરવાનો નિર્ણય તેમની બીજી પત્નીના દીકરા ગંગાજી નાઈકે લીધો. તેમણે પોતાના પાંચ ભાઈઓને કાર્ય માટે પ્રેરિત કર્યા પણ એ સમયે સંત સમર્થ રામદાસે કહ્યું કે સમૂહશક્તિ સાથે દેવકૃપા હોવી જરૂરી છે ત્યારે ગંગાજી નાઈક અણજૂરથી ૨૩૦ કિલોમીટર દૂર આવેલા ગણપતિબાપ્પાના અવતાર મોરેશ્વરનાઆશીર્વાદ પામવા પગપાળા નીકળ્યા. અઢળક પડકારોનો સામનો કર્યા બાદ મોરગાંવ પહોંચ્યા. યાત્રા દરમિયાન તેમનો સાત દિવસ આકરો ઉપવાસ હતો અને ત્યાં પહોંચીને ૧૪ દિવસનો ઉપવાસ કરી ૨૧ દિવસ પૂરા કર્યા અને તેમની ભક્તિથી ગણપતિબાપ્પાએ પ્રસન્ન થઈને તેમને ચિંચવડ જવાનો આદેશ આપ્યો. ચિંચવડ પહોંચીને ગણપતિબાપ્પાના પરમભક્ત સંત શ્રી મોરયા ગોસાવીના પૌત્ર નારાયણ મહારાજે તેમના પુત્ર ચિંતામણિ મારફત ગંગાજી નાઈકને અનુગ્રહ આપ્યો. સંતો દ્વારા આપવામાં આવતો અનુગ્રહ એટલે તેમના તરફથી મળેલી આધ્યાત્મિક કૃપા. ચિંતામણિ મહારાજે તેમની પૂજામાં રહેલા જમણી સૂંઢવાળા સિદ્ધિવિનાયક બાપ્પાની મૂર્તિ ગંગાજીને અર્પણ કરી અને સાથે નારાયણ મહારાજે તેમને ભેટ સ્વરૂપે એક તલવાર આપી હતી. તલવાર ક્યાં ગઈ એ કોઈને ખબર નથી. બાપ્પાની મૂર્તિ સાથે ગંગાજી અણજૂર પાછા આવ્યા અને પોર્ટુગીઝો સામેની લડાઈમાં વિજય મળવા લાગ્યો. બાજીરાવ પ્રથમના ભાઈ ચિમાજી અપ્પાએ પોર્ટુગીઝોનો પરાભવ કરીને વસઈ કિલ્લો અને આજુબાજુના વિસ્તાર પર વિજય પ્રાપ્ત કર્યો અને હિન્દુઓને બળજબરીથી બૅપ્ટિઝમ એટલે ખ્રિસ્તી ધર્મને અપનાવતાં અટકાવ્યા હતા. વસઈ પર વિજય મેળવ્યો. ઈ. સ. ૧૭૧૮માં ગંગાજી નાઈકે ચંપાષષ્ઠીના દિવસે એટલે માગશર માસના શુક્લ પક્ષના દિવસે પોતાના નિવાસસ્થાનની એક માળની નાઈકવાડીમાં મૂર્તિની સ્થાપના કરી, જે આજે અણજૂરના શ્રી સિદ્ધિવિનાયક તરીકે ઓળખાય છે.’


મુખ્ય પ્રવેશદ્વાર અને આર્કિટેક્ચર પ્રાચીન ઈતિહાસની સાક્ષી પૂરે છે

મૂર્તિની ખાસિયત

થાણે-નાશિક હાઇવેથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા અણજૂર ગામમાં બાપ્પાની મૂર્તિની વિશેષતા જણાવતાં સંતોષભાઈ કહે છે, ‘સિદ્ધિવિનાયકની પ્રતિમા કાળા પથ્થરની અતિ પ્રાચીન મૂર્તિ છે, જેની ઊંચાઈ આશરે આઠ ઇંચ છે. આ મૂર્તિની સૌથી વિશિષ્ટતા એ છે કે એની સૂંઢ જમણી બાજુએ વળી છે. સામાન્ય રીતે ગણપતિજીની સૂંઢ ડાબી બાજુ હોય છે પરંતુ જમણી સૂંઢવાળા વિઘ્નહર્તા અત્યંત દુર્લભ અને શક્તિશાળી માનવામાં આવે છે. આ પ્રતિમા ચતુર્ભુજ સ્વરૂપ ધરાવે છે. ઉપરના બે હાથમાં કમળ અને પરશુ છે, જ્યારે નીચેના બે હાથમાં જપમાળા અને મોદકની થાળી છે. આ સૌંદર્યસભર મૂર્તિ ભક્તિ, સમૃદ્ધિ અને સિદ્ધિનું પ્રતીક માનીને પુજાય છે. કપાળનો ભાગ થોડો આગળ છે અને મસ્તક પર સોનાનું પાણી ચડાવીને તિલક કરાયું છે. પથ્થરની આ મૂર્તિને ત્રણ સદીથી વારંવાર સિંદૂર ચડાવવામાં આવતો હોવાથી મૂર્તિનો આકાર વધેલો લાગતો હતો તેથી લોકો એવું માનવા લાગ્યા કે ગણપતિબાપ્પાની મૂર્તિની લંબાઈ સતત વધી રહી છે પણ ૧૯૭૭માં સિંદૂરનું બનેલું જાડું લેયર દૂર થતાં મૂળ મૂર્તિ દેખાઈ. ત્યાર બાદ ધાર્મિક વિધિ કરીને સિંદૂરનું પાતળું આવરણ ચડાવીને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મૂર્તિની આજુબાજુ ગણપતિનાં બન્ને પત્ની રિદ્ધિ-સિદ્ધિ અને નીચે નાઈક પરિવારનાં કુળદેવી હરબાઈ દેવી અને ભગવાન શ્રી કૃષ્ણની નાની મૂર્તિ રાખવામાં આવી છે.’

પેશવાકાલીન આર્કિટેક્ચર

આ મંદિરનું નિર્માણ પેશ્વા કાળની શૈલીને પ્રતિબિંબિત કરે છે. લાકડાથી બનેલા ગર્ભગૃહમાં બાપ્પાને બિરાજમાન કરાયા છે. મખર સીસમના લાકડાનું છે અને એના ચાર સ્તંભ અને ગુંબજ પિત્તળના છે. સ્તંભ પર કરેલું શિલ્પ ઇતિહાસની સાક્ષી પૂરે છે. મખરની બહાર મોટો કાચ લગાવાયો છે જે ગર્ભગૃહની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. મંદિરમાં પ્રવેશતાંની સાથે એવું લાગશે જાણે ત્રણ સદી જૂના ઘરમાં આવી ગયા હોઈએ. નાયકવાડીના બાંધકામમાં લાકડાં અને પથ્થરનો ઉપયોગ કરીને બનાવાયું છે અને બારી-દરવાજા પર કરેલું નકશીકામ પેશ્વાકાળની સાક્ષી પૂરે છે. વાડીની લગોલગ આવેલું તળાવ મુલગયના નામે ઓળખાય છે.

જાણવા જેવું

મંદિરમાં અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ વિશે વાત કરતાં સંતોષભાઈ કહે છે, ‘અહીંનો ગણેશોત્સવ પારંપરિક રીતે ઊજવાય છે. અમે મંદિરમાં બાપ્પાની માટીથી બનેલી મૂર્તિ લાવીએ છીએ સાત દિવસ સુધી વિશેષ પૂજા-અર્ચના થાય અને પછી સાંજે પાંચ વાગ્યે આખા ગામના ગણપતિ મંદિર સુધી આવે પછી મંદિરના ગણપતિ બહાર નીકળે ત્યારે વિસર્જન યાત્રા શરૂ થાય અને સામૂહિક આરતી કરીને અમે બાપ્પાને વિદાય આપીએ. ગણેશોત્સવ ઉપરાંત માઘી ગણેશ જયંતીના દિવસે વિશેષ પૂજા થાય અને ભંડારાનું આયોજન થાય. સંકષ્ટીના દિવસે પણ અહીં વિશેષ પૂજાનું મહત્ત્વ છે.’

બાપ્પાએ આપેલા પરચા વિશે વાત કરતાં તેઓ જણાવે છે, ‘કહેવાય છે કે જમણી સૂંઢવાળા ગણપતિ દુર્લભ હોય છે અને તે તમારી મનોકામના પૂરી કરે છે. મારા કેસમાં પણ એવું જ થયું છે. ૧૭ વર્ષના લગ્નજીવન પછી મારા ઘરે જોડિયાં બાળકો તેમણે આપ્યાં છે. આજે મારો દીકરો અને દીકરી ૧૫ વર્ષનાં થઈ ગયાં છે અને બાપ્પાની કૃપાથી અમે સુખી છીએ. અહીં મંગળવારે ભક્તોની ભીડ જોવા મળે છે. સૌથી વધુ લોકો કલ્યાણ અને ડોમ્બિવલીથી આવે છે ત્યારે ગર્ભગૃહમાં જવાની પરવાનગી ભક્તોને આપવામાં આવતી નથી. ત્યાં ફક્ત પૂજારી જ રહે છે. મંદિરમાં શિસ્ત જળવાઈ રહે એ માટે અમે અમુક નિયમો બનાવ્યા છે. ફોટો વિડિયો માટે સખત મનાઈ હોવાથી મંદિરમાં પ્રવેશતાંની સાથે મોબાઇલ બંધ રાખવાનો આદેશ આપવામાં આવે છે. મંદિરનું સંચાલન પહેલેથી જ નાઈક ફૅમિલી જ કરતી હોવાથી હું ૧૪મી જનરેશન છું. મંદિરના ટ્રસ્ટી પણ બધા નાઈક જ છે.’

કેવી રીતે પહોંચશો?

થાણે રેલવે સ્ટેશનથી અંદાજે ૧૫ કિલોમીટર દૂર આવલા આ મંદિરમાં પહોંચવા માટે રેલવે- સ્ટેશનથી ભિવંડી રોડ જતી શૅરિંગ ઑટો કે પ્રાઇવેટ ઑટો મળી જાય. ગંતવ્યસ્થાને પહોંચવા માટે સરેરાશ પોણો કલાક લાગે. ભિવંડી થાણે બાયપાસ રોડ પર અણજૂર ફાટા ઊતરીને અંદાજે બે કિલોમીટર દૂર આવેલા અણજૂર ગામમાં સિદ્ધિવિનાયક બાપ્પાનાં દર્શન થશે.

Whatsapp-channel Whatsapp-channel

06 September, 2025 02:03 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK