કાંદિવલીમાં બે જૂથ વચ્ચે અથડામણ : ૧૦ને ઈજા, ૩ વ્યક્તિની ધરપકડ
કાંદિવલીમાં થયેલી અથડામણનાં CCTV કૅમેરાનાં ફુટેજ
કાંદિવલી-વેસ્ટમાં લાલજીપાડા વિસ્તારમાં સંજયનગરમાં પ્રૉપર્ટીના મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ૧૫થી ૨૦ લોકો આ હિંસક બનાવમાં ભાગીદાર હતા. પોલીસે ૩ જણની ધરપકડ કરી છે. બન્ને પક્ષના અન્ય આરોપીઓને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજની મદદથી ઓળખીને પકડવાની કામગીરી પોલીસે હાથ ધરી છે.
કાંદિવલીના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર કરણ સોનકવડેએ જણાવ્યું હતું કે ‘ગુરુવારે બપોરે ૧.૩૦ વાગ્યે એક ટોળું લાકડીઓ, બૅટ અને પથરા લઈને દીપક યાદવ નામના એક પુરુષના ઘરમાં ઘૂસ્યા હતા. પ્રૉપર્ટીની માલિકીના મુદ્દે ચાલતા વિવાદને લીધે રામાયણ ચૌહાણ નામના આરોપીએ દીપકના માથા પર લાકડીના ફટકા માર્યા હતા. ત્યાર બાદ યાદવ અને ચૌહાણ જૂથ સામસામે આવી ગયાં હતાં અને બન્ને પક્ષના લોકોએ જોરદાર મારામારી કરી હતી જેમાં દીપકના ભાઈ અને પપ્પા સહિત ૯ લોકોને ઈજા થઈ હતી. બધા ઈજાગ્રસ્તો ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. ચાર યાદવ ભાઈઓના નામની પ્રૉપર્ટી એક ભાઈએ ચૌહાણ જૂથની વ્યક્તિને વેચી દીધી હતી એથી પ્રૉપર્ટીના માલિક હોવાનો દાવો કરીને તેમણે દીપક યાદવની મારઝૂડ કરી હોવાનું પોલીસે કહ્યું હતું.

