Mumbai Rains Updates: મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા તળાવોમાં પાણીનું સ્તર વધ્યું; પાલિકાના ડેટા મુજબ સાત જળાશયોમાં સંયુક્ત સ્ટોક ૯૨.૪૨ ટકા થયો
ભારે વરસાદ બાદ સોમવારે બપોરે ૨.૪૫ વાગ્યે વિહાર તળાવ છલકાઈ ગયું હતું
છેલ્લા ચાર-પાંચ દિવસથી મુંબઈ (Mumbai)માં વરસાદ ચાલુ જ છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી મુંબઈમાં મુશળધાર વરસાદ (Mumbai Rains Updates) છે. આ મુશળધાર વરસાદને લીધે શહેર અને ઉપનગરમાં અનેક ઠેકાણે પાણી ભરાયાં છે અને વાહનવ્યવહાર પણ ઠપ થયો છે. શહેરમાં અરાજકતા સર્જાઈ છે. જોકે, આ દરમિયાન આ મુશળધાર વરસાદનો એક ફાયદો મુંબઈકર્સને થયો છે, આ ફાયદો એ છે કે મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા તળાવોમાં પાણીનું સ્તર (Lake levels in Mumbai) વધ્યું છે.
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા તળાવોમાં પાણીનું સ્તર તેમના કેચમેન્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વધ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation)ના ડેટા અનુસાર, શહેરને પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સંયુક્ત પાણીનો જથ્થો હવે ૯૨.૪૨ ટકા છે.
ADVERTISEMENT
મંગળવાર ૧૯ ઓગસ્ટના રોજ BMC ડેટા મુજબ, આ જળાશયોમાં સંયુક્ત પાણીનો જથ્થો ૧૩,૩૭,૬૩૩ મિલિયન લિટર છે, જે તેમની કુલ ક્ષમતાના ૯૨.૪૨ ટકા છે.
મુંબઈ અને ઉપનગરને BMC દરરોજ અપર વૈતરણા (Upper Vaitarna), મોડક સાગર (Modak Sagar), તાનસા (Tansa), મધ્ય વૈતરણા (Middle Vaitarna), ભાતસા (Bhatsa), વિહાર (Vihar) અને તુલસી (Tulsi) તળાવોમાંથી પીવાનું પાણી પૂરું પાડે છે.
આમાંથી, તાનસામાં ૯૯.૨૬ ટકા, મોડક સાગરમાં ૯૧.૭૪ ટકા, મધ્ય વૈતરણામાં ૯૭.૫૧ ટકા, અપર વૈતરણામાં ૮૮.૦૧ ટકા, ભાતસામાં ૯૦.૮૦ ટકા, વિહારમાં ૧૦૦ ટકા અને તુલસીમાં ૧૦૦ ટકા પાણીનો જથ્થો છે.
તાનસા સાથે નીચલા મોડક સાગર, મધ્ય અને ઉપલા વૈતરણા તળાવો, દહિસર ચેક નાકાથી બાંદ્રા સુધીના પશ્ચિમ ઉપનગરોને અને માહિમથી મલબાર હિલ સુધીના શહેરના પશ્ચિમ ભાગોને પાણી પૂરું પાડે છે.
ભાતસા, વિહાર અને તુલસી મળીને ભાતસા સિસ્ટમ બનાવે છે. આ સિસ્ટમમાંથી પાણીને પાંજરાપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ટ્રીટ કરવામાં આવે છે અને મુંબઈના પૂર્વીય ભાગોમાં વિતરણ કરવામાં આવે છે. જે મુલુંડ ચેક નાકાથી સાયન અને આગળ માઝગાંવ સુધીના પૂર્વીય ઉપનગરોને આવરી લે છે.
દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department - IMD)એ મુંબઈ માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં મંગળવારે શહેર અને ઉપનગરોમાં ખૂબ જ ભારેથી અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અધિકારીઓએ ૪૫થી ૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની પણ ચેતવણી આપી છે, જે પાણી ભરાવાની અને ટ્રાફિક વિક્ષેપની અસરને વધારી શકે છે. અનેક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યારે કેટલાક અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
IMD મુજબ, ભરતીનું સ્તર પણ શહેરની ચિંતાઓમાં વધારો કરે તેવી શક્યતા છે. જેમાં સવારે ૯.૧૬ વાગ્યે ૩.૭૫ મીટર અને રાત્રે ૮.૫૩ વાગ્યે ૩.૧૪ મીટરની ઉંચી ભરતી આવશે. જ્યારે બપોરે ૩.૧૬ વાગ્યે ૨.૨૨ મીટરની નીચી ભરતી આવશે. આગામી નીચી ભરતી બુધવારે વહેલી સવારે ૩.૧૧ વાગ્યે ૧.૦૫ મીટરની આગાહી કરવામાં આવી છે.

