વરસાદે હવે બનાસકાંઠાનો વારો કાઢ્યો: અમીરગઢ તાલુકામાં સવા ઇંચ વરસાદ પડ્યો
પ્રતીકાત્મક તસવીર
કમોસમી વરસાદ ગુજરાતનો હજી પણ પીછો છોડવાનો નથી અને આજથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ ગઈ કાલે વરસાદે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનો વારો કાઢ્યો હતો. અમીરગઢ તાલુકામાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં માવઠું થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે અગામી બીજી નવેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર કચ્છ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, દ્વારકા અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૪ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સુઇગામ તાલુકામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. વલસાડ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના સુઇગામ, ધાનેરા, ડીસા, દિયોદર અને દાંતીવાડા તાલુકાઓમાં હળવો વરસાદ પડ્યો હતો.


