નરેન્દ્ર મોદી ૨૬ મેએ ભુજથી માતાના મઢ માસ્ટર પ્લાન હેઠળ થયેલાં વિકાસકાર્યોનું કરશે ઈ-લોકાર્પણ
આશાપુરા માનું મંદિર
કચ્છમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ જવાનું હવે વધુ સરળ બનશે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લખપત તાલુકામાં આવેલા આશાપુરા ધામ પરિસરનું ૩૨.૭૧ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ અને પુનર્વિકાસ કરવામાં આવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૬ મેએ ભુજથી માતાના મઢ માસ્ટર પ્લાન હેઠળ થયેલાં વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ કરશે.
ADVERTISEMENT
ખાટલા ભવાની મંદિર
આશાપુરા માતાના મંદિરે લાખ્ખો શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે આ મંદિર તેમ જ આસપાસનાં સ્થળોનો વિકાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આશાપુરા માતા મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે સુવિધા ઊભી કરવામાં આવી છે. એ ઉપરાંત ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને નવું સ્વરૂપ અપાયું છે. રૂપરાય તળાવનું સૌંદર્યકરણ, એન્ટ્રન્સ પ્લાઝા અને પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર આવેલું છે ત્યાં જવા માટે પગથિયાંનું રિનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ તેમ જ પર્વત પર યાત્રીઓ માટે પરિસરનો વિકાસ થયો છે જેમાં વૉકવે, બાળકો માટે ક્રીડાંગણ, રૅમ્પ અપ્રોચ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. માતાના મઢ ગામમાં પૌરાણિક ચાચરા કુંડ આવેલો છે એનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. અહીં દર્શનાર્થીઓ અને સહેલાણીઓ જાતે ભોજન બનાવીને જમી શકે એવી કિચન ડાઇનિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉપરાંત ઍમ્ફી થિયેટર પ્રકારની બેઠક-વ્યવસ્થા પણ છે.

