ગુજરાત પોલીસે કર્યો દાવો : કચ્છમાં અંજાર પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકી સામે કાર્યવાહી હાથ ધરીને વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલાં અને અંજારમાં રહેતાં ત્રણ ભાઈ-બહેન સામે કરી કાર્યવાહી
આરોપીની જપ્ત કરાયેલી મિલકત.
દેશમાં સંભવિત રીતે પહેલી વાર ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરોની મિલકત જપ્ત કરી લઈને દાખલો બેસે એવી કાર્યવાહી કરાઈ હોવાનો દાવો ગુજરાત પોલીસે કર્યો છે. કચ્છમાં અંજાર પોલીસે સંગઠિત ગુનાહિત ટોળકી સામે કાર્યવાહી હાથ ધરીને વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલાં અને અંજારમાં રહેતાં ત્રણ ભાઈ-બહેન સામે કાર્યવાહી કરીને તેમની મિલકતો જપ્ત કરી ગુજરાત કન્ટ્રોલ ઑફ ટેરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ કાયદા હેઠળ પગલાં ભરવામાં આવ્યાં છે.
ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના દિશાનિર્દેશથી ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાજ્યભરનાં પોલીસ-સ્ટેશનોને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા અને તેમની ગેરકાયદે મિલકતો જપ્ત કરવા સૂચના આપવામાં આવી હતી જેના પગલે અંજાર પોલીસે કાર્યવાહી હાથ ધરીને વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલાં અને મંકલેશ્વર, અંજારમાં રહેતાં ત્રણ આરોપીઓ રિયા ઈશ્વરગર ગૌસ્વામી, આરતી ઈશ્વરગર ગૌસ્વામી અને તેજસ ઈશ્વરગર ગૌસ્વામી સામે કાર્યવાહી કરી હતી. આ આરોપીઓએ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સિન્ડિકેટ બનાવી આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાઓ આચર્યા હતા. આરોપીઓએ વ્યાજખોરીથી મેળવેલી અંદાજે ૬૩.૪૬ લાખ રૂપિયાની મિલકત કે જેમાં ચાર મકાન, બે પ્લૉટ અને એક સ્કૉર્પિયો ગાડી સહિતની મિલકત જપ્ત કરવામાં આવી છે.

