મેંદરડા, ધારી, તલાલા, ડાંગ સહિતના પંથકમાં કમોસમી વરસાદ પડ્યો : માવઠાથી માઠી દશા બેઠી ખેડૂતોની ઃ વરસાદથી ચેક ડૅમ ભરાઈને છલકાતાં નાવલી નદીમાં આવ્યાં પાણી
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં ભરઉનાળે માવઠું યથાવત્ રહ્યું છે અને ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ગુજરાતના ૧૪ તાલુકાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં સૌરાષ્ટ્રાના સાવરકુંડલામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ માવઠાના પગલે ખેડૂતોની માઠી દશા બેઠી છે. હજી પણ બે દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાવરકુંડલામાં બપોરે બેથી ચાર વાગ્યા દરમ્યાન ૩૬ મિલીમીટર વરસાદ પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઘણી જગ્યાએ ચેક ડૅમ છલકાયા છે અને એને કારણે સાવરકુંડલામાંથી પસાર થતી નાવલી નદીમાં પાણી આવ્યાં છે. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં ૨૧ મિલીમીટર એટલે કે પોણો ઇંચ, તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ૧૯ મિલીમીટર તેમ જ મેંદરડા, ધારી, જામજોધપુર, નિઝર, ચોટીલા, લીમડી, લાલપુર, તલાલા, વઢવાણ, સુબીર, લોધિકા તાલુકામાં વરસાદ પડ્યો હતો. ડાંગના સાપુતારામાં પણ વરસાદ પડતાં વાતાવણ આહ્લાદક બન્યું હતું. જોકે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા પેઠી છે. ખેતરોમાં કઠોળ, તલ, કેરી સહિતના પાકોને નુકસાન થયું છે. ભાવનગર જિલ્લામાં તળાજા, પાલિતાણા, ગારિયાધાર, મહુવા સહિતના પથંકમાં પડેલા વરસાદને કારણે આ વિસ્તારમાં ડુંગળીનો પાક નાશ પામ્યો છે.

