નવસારી, ડાંગ સહિતના જિલ્લાઓમાં પુલોનું કરવામાં આવ્યું ઇન્સ્પેક્શન, દાહોદ પાસે બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું
દાહોદ પાસે ખાન નદી પરના ક્ષતિગ્રસ્ત બ્રિજનું સમારકામ કામ હાથ ધરાયું હતું.
મધ્ય ગુજરાતમાં મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ગઈ કાલે ગુજરાતમાં તંત્ર ઍક્શનમાં આવ્યું હતું અને નવસારી, ડાંગ સહિતના જિલ્લાઓમાં પુલોનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તેમ જ દાહોદ પાસે બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું.
હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે ગઈ કાલે નવસારી જિલ્લાના વાડા ગામ નજીક સુરત-સચિન-નવસારી રોડ પરની મીંઢોળા નદીના બ્રિજનું તેમ જ નવસારી-ગણદેવી-બીલીમોરા સ્ટેટ હાઇવે પર અંબિકા નદી પર આવેલા જૂના બ્રિજનું સુરત માર્ગ અને મકાન વર્તુળના અધીક્ષક ઇજનેરની હાજરીમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
નવસારી જિલ્લામાં પુલોનું ઇન્સ્પેક્શન થયું હતું.
ડાંગ જિલ્લામાં પુલોનું નિરીક્ષણ થયું હતું.
ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં આવેલા લવચાલી બ્રિજનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ તેમ જ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કેતન કુંકણા અને તેમની ટીમે નિરીક્ષણ કર્યું હતું. આ બ્રિજ સહિત ડાંગ જિલ્લાના તમામ બ્રિજની દેખરેખ માટે સૂચના આપી હતી.
દાહોદ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને બ્રિજનું તાત્કાલિક ધોરણે સમારકામ થાય એ માટે દાહોદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે જેમાં ક્ષતિગ્રસ્ત થયેલા પુલની મરામત કરાઈ હતી. દાહોદથી ધામરડા જતા રોડ પર ખાન નદી પરના બ્રિજ પર ખાડા પડી ગયા હતા એના પર પેવર પટ્ટાનું કામ કરવામાં આવ્યું હતું. બીજી તરફ ક્ષતિગ્રસ્ત રોડ પર ડામર-પૅચ અને મેટલ-પૅચથી સમારકામ કરવામાં આવી રહ્યું છે.

