Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > જૈન મુનિ શ્રમણચંદ્રસાગરજીએ જામનગરમાં કર્યું અનોખું પરાક્રમ

જૈન મુનિ શ્રમણચંદ્રસાગરજીએ જામનગરમાં કર્યું અનોખું પરાક્રમ

Published : 13 October, 2025 07:17 AM | Modified : 13 October, 2025 11:11 AM | IST | Jamnagar
Alpa Nirmal

હોઠ બીડીને બોલવા પડે એવાં પ, ફ, બ, ભ, મ જેવાં વ્યંજનો વાપર્યા વિના ૧૦૦ મિનિટ સુધી પ્રવચન

ગઈ કાલે જામનગરના કાર્યક્રમમાં શ્રુતચંદ્રસાગર મ.સા., જિનધર્મવિજય મ.સા., મતિચંદ્રસાગર સૂરીશ્વરજી મ.સા., પંન્યાસ તારકચંદ્રસાગર મ.સા.ની ઉપસ્થિતિમાં અનુષ્ઠાન રજૂ કરતા મુનિ શ્રમણચંદ્રસાગરજી.

ગઈ કાલે જામનગરના કાર્યક્રમમાં શ્રુતચંદ્રસાગર મ.સા., જિનધર્મવિજય મ.સા., મતિચંદ્રસાગર સૂરીશ્વરજી મ.સા., પંન્યાસ તારકચંદ્રસાગર મ.સા.ની ઉપસ્થિતિમાં અનુષ્ઠાન રજૂ કરતા મુનિ શ્રમણચંદ્રસાગરજી.


આઠમી સદીમાં સંસ્કૃત ભાષાના વિશારદ દંડીસ્વામી દ્વારા આવિષ્કાર કરાયેલા આ વ્યાકરણવૈભવનો પ્રયોગ જૈન ઉપાધ્યાય ભગવંતે ૩૫૦ વર્ષ પૂર્વે ખંભાતમાં કર્યો હતો. એ પછી આટલાં વર્ષે પાંચ વર્ગ ઓષ્ઠાન કહેવાતું આ અનુષ્ઠાન કરવામાં આવ્યું: જ્યારે ઓષ્ઠ વ્યંજનો વિના ૩૦૦ શબ્દોનો લેખ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું તો AIએ પણ હાર માની લીધેલી

તમે પ, ફ, બ, ભ, મ અક્ષરનો ઉપયોગ કર્યા વિના કેટલાં વાક્યો બોલી શકો? અચ્છા, વાક્યો છોડો, આ અક્ષર વગરના કેટલા શબ્દો બોલી શકો? અઘરું લાગે છેને? જોકે ગઈ કાલે ગુજરાતના જામનગરમાં ૧૯ વર્ષના એક જૈન મુનિએ આ ઓષ્ઠ વ્યંજનોના વપરાશ વગર રાષ્ટ્રભાષામાં ૧૦૦ મિનિટ સુધી પ્રવચન આપ્યું. ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓ વિશે બોલવા ઉપરાંત હાજર રહેલા શ્રોતાઓના પ્રશ્નોના જવાબ પણ વર્ણમાળાના પ, ફ, બ, ભ, મ અક્ષરનો ઉપયોગ કર્યા વિના હિન્દી ભાષામાં જ આપ્યા. લગભગ સાડાત્રણ સદી બાદ થયેલો આ સફળ પ્રયોગ જોઈને પધારેલા હજાર શ્રોતાઓ તો અચંબિત હતા, સાથે ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સના એજ્યુડિકેટર (નિર્ણાયક) પણ ભારે આશ્ચર્યચકિત હતા. તેમણે મુનિશ્રી શ્રમણચંદ્રસાગરજી મહારાજસાહેબના નામે ‘લૉન્ગેસ્ટ હિન્દી લેક્ચર ડિલિવર્ડ વિધાઉટ યુઝિંગ લેબિઅલ કોન્સોનન્ટ્સ’નો રેકૉર્ડ અંકે કર્યો.



જામનગરના ટાઉન હૉલમાં શ્રી જૈન દર્શક ઉપાસક સંઘ પૅલેસના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમ વિશે સંઘના ટ્રસ્ટી ડૉ. અમિત મહેતા ‘મિડ-ડે’ને કહે છે, ‘આપણા દેશની મૂળ ભાષા સંસ્કૃત અત્યંત વૈભવશાળી છે. પૂર્વકાળમાં આ ભાષાના અનેક વિદ્વાનો થઈ ગયા છે. તેમણે નવા શબ્દોની રચના કરવા સાથે અટપટા વ્યાકરણનો આવિષ્કાર કરીને સંસ્કૃત સાહિત્યને વધુ ને વધુ સમૃદ્ધ બનાવ્યું છે. સંસ્કૃત ભાષાના જ્ઞાની અને મહાન રચનાકાર દંડીસ્વામીએ ‘દશકુમાર ચરિત્ર’ નામનું નાટક લખ્યું હતું. આઠમી સદીમાં લખાયેલી આ રચનાના એક ભાગમાં બાણ વાગવાથી મુખ્ય નાયકનો નીચલો હોઠ ફાટી જાય છે એવી વાત કરવામાં આવી છે. હવે વર્ણમાળાનાં અમુક વ્યંજનો એવાં હોય જેનો ઉચ્ચાર બે હોઠ એકબીજાને સ્પર્શે તો જ થાય - જેમ કે પ, ફ, બ, ભ, મ. જોકે નાયકનો નીચલો હોઠ જ ન હોય તો તે આ શબ્દો બોલી કેવી રીતે શકે? એવી કલ્પનાને શબ્દાર્થ કરતાં સ્વામીજીએ નાટકના બાકીના ખંડમાં એવા શબ્દોનો પ્રયોગ કર્યો જેમાં એકેય શબ્દોમાં આવાં ઓષ્ઠ વ્યંજનો જ ન હોય. આ રીતે દેખાતું પ્રકારનું ભાષાલાલિત્ય શરૂ થયું.’


વાતને વિસ્તૃત કરતાં જામનગરમાં બિરાજમાન પંન્યાસ તારકચંદ્રસાગર મહારાજસાહેબ ‘મિડ-ડે’ને કહે છે, ‘વિદ્વાનની કલ્પનાની પરાકાષ્ઠા કેવી ઉચ્ચ હશે અને તેમનો મતિવૈભવ પણ કેવો ઉત્કૃષ્ટ હશે.’ સાહિત્યની એ પરંપરા સંભાળી આજથી સાડાત્રણ સદી પહેલાં થઈ ગયેલા અત્યંત જ્ઞાની જૈન ઉપાધ્યાય યશોવિજયજી મહારાજસાહેબે. ઇતિહાસ નોંધે છે કે ‘ખંભાતના ચાર્તુમાસ દરમ્યાન તત્કાલીન રાજાના દરબારમાં આ જૈન મુનિ અને અન્ય પંડિતો વચ્ચે વિદ્વત્તાનો મહાકુંભ યોજાયો હતો. ત્યારે જૈન સંત અને અન્ય વિદ્વાનો સાથેના વિવાદમાં ઉપાધ્યાયશ્રી પ વર્ગ ઓષ્ઠાનનો ઉપયોગ કર્યા વગર બોલતા હતા અને બાકીના સંસ્કૃત ભાષામાં. પેલા નિયમથી શબ્દોમાં લિમિટેશન આવી જાય છતાંય વાદ-વિવાદને અંતે ઉપાધ્યાયશ્રીનો વિજય થયો હતો.’

ખેર એ સદીઓ પુરાણી વાતો છે, પરંતુ આજે પણ એવા જ્ઞાની સંતો, મહાત્માઓ, પંડિતો છે જે આ રીતે ઓષ્ઠ વ્યંજનનો પ્રયોગ કર્યા વિના બોલી શકે છે. તેમનો મતિવૈભવ પણ અનેરો છે એનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે સાધુ શ્રમણચંદ્રસાગરે.


મુનિશ્રીએ આર્યવર્તની ગરિમા વિશે પ્રવચન આપ્યું હતું. એમાં ભારતની સંસ્કૃતિ, શિક્ષણ, સંત, ભવ્યતા અને ભારતીય સેના વિશેની વાતો કરી હતી. ૧૨ વર્ષની ઉંમરે દીક્ષા લેનાર આ મુનિને સંસ્કૃત ભાષાનો સારો મહાવરો છે એમ કહેતાં સાધુ શ્રમણચંદ્રસાગરના જ્ઞાનદાતા ગુરુ, મુનિ અર્હમચંદ્રસાગર મ.સા. આગળ ઉમેરે છે, ‘સંસ્કૃતમાં આ પ્રકારનાં વાક્યોની રચના કરવી સરળ છે; પણ અમે વિચાર્યું કે આ પ્રયોગ લોકભોગ્ય ભાષામાં થાય, જેમાં અત્યંત સામાન્ય શબ્દોનો ઉપયોગ કરાય જેથી દરેક સ્તરની વ્યક્તિઓ સરળતાથી સમજી શકે. આ માટે મુનિશ્રીએ પાંચ મહિનાની કઠિન મહેનત કરી, વિષયને અનુરૂપ સજાગતા રાખીને નિબંધો લખ્યા, સુધાર્યા, ફરી લખ્યા. મૂળે ૬૦ મિનિટ ચાલનારા આ પ્રયોગમાં મુનિશ્રી અને જનમેદનીને એવો આનંદ આવવા લાગ્યો કે પ્રવચન કુલ ૧૦૦ મિનિટ ચાલ્યું. ભારતીય સૈન્ય, એની શૂરવીરતા, દેશભક્તિના વિષયમાં શ્રમણચંદ્રસાગર ખૂબ ખીલ્યા. ક્ષણભરમાં ઓષ્ઠ વ્યંજન વગરનાં નવાં વાક્યો બનાવતા જાય અને બોલતા જાય. વિષયથી હટે પણ નહીં અને કોઈ રુકાવટ પણ નહીં.’

મહારાજસાહેબ અને શ્રોતાઓ વચ્ચે પ્રશ્નોત્તરી સત્ર પણ બહુ સરસ રહ્યું હતું. કોઈ શ્રોતાએ મુનિશ્રીને પ્રશ્ન પૂછ્યો તો સાહેબે એ જ શૈલીમાં જવાબ આપ્યા તો કોઈનાં વાક્યોના પ્રશ્નોના ઉત્તરમાં સમાનાર્થી વાક્યો કહ્યાં. કાશીના પંડિતો, ગુજરાતની યુનિવર્સિટીના પ્રોફેસરો ઉપરાંત સમસ્ત ગુજરાત, મુંબઈ, મધ્ય પ્રદેશનાં અનેક શહેરોથી શ્રોતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મૂળે અમદાવાદના શ્રમણચંદ્રસાગર મહારાજે બે વર્ષ પૂર્વે શતાવધાનનો પણ સફળ પ્રયોગ કર્યો હતો. સ્થાનિક શાળા ઉપરાંત તપોવન (નવસારી), અયોધ્યાપુરમ તીર્થ ગુરુકુળમાં આઠમા ધોરણ સુધી અભ્યાસ કર્યો‌ છે .

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2025 11:11 AM IST | Jamnagar | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK