બૅન્ક-અકાઉન્ટ ખોલાવવા ૫૦૦૦ રૂપિયાની લાલચ આપ્યા પછી ઠગે એમાં કરોડોના મની-લૉન્ડરિંગના વ્યવહાર કર્યા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
થાણેના વાગળે એસ્ટેટ પોલીસ-સ્ટેશનમાં ૨૫ વર્ષના ફરિયાદીએ કરેલી છેતરપિંડીની ફરિયાદની તપાસ કરતાં મની-લૉન્ડરિંગના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે.
વાગળે એસ્ટેટ પોલીસે કહ્યું હતું કે અમને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયું છે કે આરોપીએ ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે મારે ધંધો કરવો છે અને એ માટે કરન્ટ અકાઉન્ટ ખોલાવવું છે પણ મારી પાસે દસ્તાવેજ નથી, જો તમે દસ્તાવેજ સાથે અકાઉન્ટ ખોલાવી આપો તો હું તમને ૫૦૦૦ રૂપિયા આપીશ. એ લાલચમાં આવીને ફરિયાદીએ તેને અકાઉન્ટ ખોલાવી આપ્યું હતું. એ અકાઉન્ટ ફન્ડ ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાશે એવું આરોપીએ તેને જણાવ્યું હતું. જોકે ફરિયાદીને પછીથી જાણ થઈ હતી કે આરોપીએ બનાવટી કંપનીઓ ઊભી કરીને એનાં ગેરકાયદે ફન્ડ ટ્રાન્સફર કરવા માટે એ અકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં, તેણે આ રીતે અન્યોને પણ છેતરીને ૭૫ જેટલાં અકાઉન્ટ ખોલાવ્યાં હતાં અને એમાં ઑક્ટોબર ૨૦૨૩થી લઈને મે ૨૦૨૫ દરમ્યાન ૭.૬૪ કરોડનાં મની-લૉન્ડરિંગનાં ટ્રાન્ઝૅક્શન્સ કર્યાં હતાં. વાગળે એસ્ટેટ પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

