બિનઉપયોગી ફૂલોની પાંખડીઓ છૂટી પાડીને ઇકો-ફ્રેન્ડ્લી રંગોત્સવ મનાવ્યો : કપૂર, ગૌમૂત્ર, છાણાં, નાગરમોથ જેવી વસ્તુઓના ઉપયોગથી પ્રગટાવી આયુર્વેદિક હોળી અને વાતાવરણ કર્યું
વડોદરાની શાળામાં નાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ફૂલોની છોળો ઉડાડીને ઇકો-ફ્રેન્ડ્લી રંગોત્સવ ઊજવ્યો હતો.
વડોદરામાં આવેલી પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ સ્કૂલ અને દેવયાની રાજે ગાયકવાડ સ્કૂલમાં ગઈ કાલે બિનઉપયોગી ૫૦૦ કિલો ફૂલોની પાંખડીઓ છૂટી પાડીને એની છોળો ઉડાડીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઇકો-ફ્રેન્ડ્લી રંગોત્સવ ઊજવ્યો હતો. એટલું જ નહીં; કપૂર, ગૌમૂત્ર, છાણાં, નાગરમોથ જેવી વસ્તુઓના ઉપયોગથી આયુર્વેદિક હોળી પ્રગટાવીને વાતાવરણ શુદ્ધ કરીને વિદ્યાર્થીઓમાં ઇકો-ફ્રેન્ડ્લી હોળી રમવાનો મેસેજ આપ્યો હતો.
ADVERTISEMENT
શાળામાં આયુર્વેદિક હોલિકાદહન કરાયું હતું.
શાળા-સંકુલમાં આવેલા શ્રી મંદિરના પરિસરમાં ઇકો-ફ્રેન્ડ્લી રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના ૪૦૦ વિદ્યાર્થીઓ અને ૧૦૦ શિક્ષકો દ્વારા હોળીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ફૂલબજારમાંથી બિનઉપયોગી ૫૦૦ કિલો ફૂલ લાવીને એની પાંખડીઓ છૂટી પાડીને ઇકો-ફ્રેન્ડ્લી રંગોત્સવ ઊજવવામાં આવ્યો હતો. હોળીની સાત્ત્વિક અને પરંપરાગત રીતભાતનો પ્રત્યક્ષ અનુભવ વિદ્યાર્થીઓને કરાવવા માટે ખજૂર, ધાણી, ઘેવર તેમ જ ઇકો-ફ્રેન્ડલી રંગો દ્વારા ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. કપૂર, ગૌમૂત્ર, છાણાં, નાગરમોથ, જટામાસી સહિતનાં ૪૦ જેટલાં આયુર્વેદિક દ્રવ્યોનો હોલિકાદહનમાં ઉપયોગ કરીને વાતાવરણના શુદ્ધીકરણ માટે આયુર્વેદિક હોલિકાદહન કરવામાં આવ્યું હતું. ઇકો-ફ્રેન્ડ્લી હોળી, પાણીનો બચાવ તેમ જ વાતાવરણની શુદ્ધિ માટે પરંપરાગત હોલિકાદહન સાથે હોળીની ઉજવણી વિદ્યાર્થીઓને સમજવા અને શીખવા મળે એ ઉદ્દેશ હતો.

