Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > કોલ્હાપુરની ‘માધુરી’ હાથીને પરત મોકલવા વનતારા તૈયાર, પણ જૈન મઠને કરશે આ વિનંતી

કોલ્હાપુરની ‘માધુરી’ હાથીને પરત મોકલવા વનતારા તૈયાર, પણ જૈન મઠને કરશે આ વિનંતી

Published : 06 August, 2025 04:33 PM | Modified : 06 August, 2025 04:35 PM | IST | Jamnagar
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

માધુરીને સ્થળાંતરિત કરવાનો નિર્ણય ન્યાયિક પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યો હતો અને વનતારાની ભૂમિકા એક ઇન્ડિપેન્ડેન્ટ રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર તરીકે સંભાળ, પશુચિકિત્સા સહાય અને ઘર પૂરી પાડવાની હતી. કોઈપણ તબક્કે વનતારાએ સ્થળાંતરણની પહેલ કરી ન હતી.

માધુરી હાથી

માધુરી હાથી


મહારાષ્ટ્રના કોલ્હાપુરના એક જૈન મઠથી ‘માધુરી’ હાથીને ગુજરાતના જામનગરના વનતારા લઈ જતાં વિવાદ શરૂ થયો હતો. જોકે હવે આ વિવાદને લઈને વનતારા દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. વનતારાએ નિવેદનમાં જણાવ્યું કે “તેઓ જૈન મઠ અને કોલ્હાપુરના લોકોના મનમાં માધુરી માટેના ગહન ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વનો સ્વીકાર કરે છે. દાયકાઓથી તે (માધુરી) ઊંડા આધ્યાત્મિક રીતિ-રિવાજો અને સમુદાયના જીવનનું અભિન્ન અંગ રહી છે. અમે ભક્તો, જૈન મઠના નેતૃત્વ અને વ્યાપક સમુદાયની લાગણીઓનું સન્માન કરીએ છીએ અને તેમનો આદર કરીએ છીએ, જેમણે કોલ્હાપુરમાં માધુરીની હાજરી પ્રત્યે તેમની ચિંતાઓ અને લાગણી વ્યક્ત કરી છે.”


“આ મામલામાં વનતારાની ભૂમિકા માત્ર માનનીય સુપ્રીમ કોર્ટ અને માનનીય બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા બંધનકર્તા નિર્દેશો અનુસાર કાર્ય કરવા પૂરતી મર્યાદિત રહી છે. માધુરીને સ્થળાંતરિત કરવાનો નિર્ણય ન્યાયિક પ્રક્રિયા હેઠળ લેવામાં આવ્યો હતો અને વનતારાની ભૂમિકા એક ઇન્ડિપેન્ડેન્ટ રેસ્ક્યૂ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર તરીકે સંભાળ, પશુચિકિત્સા સહાય અને ઘર પૂરી પાડવાની હતી. કોઈપણ તબક્કે વનતારાએ સ્થળાંતરણની પહેલ કરી ન હતી કે ભલામણ કરી ન હતી, તેમજ ધાર્મિક પ્રથા અથવા ભાવનાઓમાં દખલ કરવાનો તેનો કોઈ ઈરાદો નહોતો,” વનતારાએ જણાવ્યું.



વનતારાએ આગળ જણાવ્યું “કાયદેસરના વ્યવહાર, જવાબદાર પશુ સંભાળ અને સામુદાયિક સહકાર પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા સાથે સુસંગત રહીને વનતારા માધુરીને કોલ્હાપુર પરત લાવવાની વિનંતી સાથે જૈન મઠ અને મહારાષ્ટ્ર સરકાર દ્વારા માનનીય કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવેલી બધી અરજીને સંપૂર્ણ સમર્થન આપશે. કોર્ટની મંજૂરીને આધીન વનતારા સુરક્ષિત અને ગૌરવપૂર્ણ રીતે તેને પરત કરવા માટે સંપૂર્ણ તકનીકી અને પશુચિકિત્સા સંબંધિત સહાય પૂરી પાડશે.” આ ઉપરાંત, વનતારા જૈન મઠ અને રાજ્ય સરકાર સાથે સંપર્કમાં રહીને કોલ્હાપુરના નંદની વિસ્તારમાં માધુરી માટે સેટેલાઇટ રેહેબિલિટેશન સેન્ટર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકશે. પ્રસ્તાવિત સુવિધા હાઇ પાવર્ડ કમિટીના નિષ્ણાતો સાથે પરામર્શ અને મઠની સર્વસંમતિ બાદ એસ્ટાબ્લિશ્ડ ઍનિમલ વેલફેર ગાઇડલાઇન્સ અનુસાર વિકસાવવામાં આવશે, એ સાથે તે હાથીની સંભાળ માટેની આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે પણ સુસંગત હશે.


પ્રસ્તાવિત સેન્ટરમાં શું હશે?

સાંધા અને સ્નાયુઓને આરામ આપવા માટે વિશિષ્ટ હાઇડ્રોથેરાપી પોન્ડ, તરવા અને કુદરતી હલનચલન માટે વધુ એક મોટું જળાશય, શારીરિક પુનર્વસન માટે લેસર થેરેપી અને ટ્રીટમેન્ટ રૂમ, આરામ અને સુરક્ષા માટે છત સાથેનું નાઇટ શેલ્ટર, સાંકળો વિના મુક્ત રીતે હલનચલન કરવા માટે લીલું ખુલ્લું રહેઠાણ, હાથીની પર્યાવરણીય સંવર્ધન અને કુદરતી વર્તણૂકો માટે રેતીનો ખાડો, 24x7 તબીબી સંભાળ માટે સંપૂર્ણ સુસજ્જ ઓન-સાઇટ વેટરનરી ક્લિનિક. સલામત અને આરામ માટે રબરવાળા ફ્લોરિંગ પ્લેટફોર્મ, સ્લોપ્ડ રેસ્ટિંગ પોઝીશન માટે નરમ રેતીના કાળજીપૂર્વક બનાવેલા ઢગલા, જે પગના સડાની રિકવરીમાં મદદ કરશે અને સંધિવાનું દબાણ ઘટાડે અને સાંધાના તણાવને ઓછો કરે છે. પ્રસ્તાવિત સુવિધા માટેની જમીન જૈન મઠ અને મહારાષ્ટ્ર સરકારના પરામર્શથી નક્કી કરવામાં આવશે. જરૂરી અનુદાન અને પરવાનગીઓ મળ્યા બાદ વનતારાની નિષ્ણાત ટીમ સંબંધિત અધિકારીઓ સાથે ગાઢ સંકલનમાં રહીને અમલીકરણ શરૂ કરવા માટે તૈયાર છે.


“વનતારા સ્પષ્ટતા કરવા માગે છે કે આ પ્રસ્તાવ ફક્ત આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર માધુરીની ભાવિ સંભાળ અંગે માનનીય કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવનાર દરેક નિર્દેશનું પાલન કરવા અને તેને સરળ બનાવવા માટે રજૂ કરવામાં આવ્યો છે. તેનો હેતુ વનતારા માટે કોઈ શ્રેય કે માન્યતા મેળવવાનો નથી. તદુપરાંત આ માત્ર એક ભલામણ છે, કોઈ બંધનકર્તા કે લાદવામાં આવેલી શરત નથી. માનનીય કોર્ટના અંતિમ નિર્દેશો અનુસાર જૈન મઠ કોઈપણ વૈકલ્પિક પ્રસ્તાવ રજૂ કરવા ઈચ્છે તો અમે તેને સંપૂર્ણ રીતે આવકારીએ છીએ અને તેનું સન્માન કરીએ છીએ,” અહેવાલમાં જણાવ્યું.

“અમારી ભૂમિકા, ભલે તે માત્ર કોર્ટના નિર્દેશો હેઠળ હાથ ધરવામાં આવી હોય, છતાં જો તેનાથી જૈન સમુદાય કે કોલ્હાપુરના લોકોને કોઈ દુઃખ થયું હોય તો અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. મિચ્છામિ દુક્કડમ્—જો જાણ્યે-અજાણ્યે, વિચાર, શબ્દ કે કર્મ દ્વારા કોઈ ઠેસ પહોંચી હોય તો અમે તમારી માફી માગીએ છીએ. વનતારા ભારતમાં પશુ કલ્યાણ, સંસ્થાકીય અખંડિતતા અને સમુદાયો સાથે આદરપૂર્ણ બંધનના ઉચ્ચતમ ધોરણો પ્રત્યે પ્રતિબદ્ધ છે. અમારા પ્રયાસો થકી કાયદેસરના વ્યવહાર, પારદર્શિતા અને અમારી સંભાળ હેઠળના પ્રાણીઓની સુખાકારીને પ્રાધાન્ય આપવાનું ચાલુ રાખવામાં આવશે. ચાલો આપણે વિરોધમાં નહીં પરંતુ એકતામાં આગળ વધીએ, જેમાં માધુરી માટેનો પ્રેમ કેન્દ્ર સ્થાને હોય,” નિવેદનમાં કહ્યું.

Whatsapp-channel Whatsapp-channel

06 August, 2025 04:35 PM IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK