રાજ્ય સરકારને બૉમ્બે હાઈ કોર્ટે કરી મહત્ત્વની ટકોર
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
નવી મુંબઈમાં ગેરકાયદે બાંધકામોની વધતી સંખ્યા ગંભીર ચિંતાનો વિષય છે એમ જણાવીને બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી હતી કે ‘ગેરકાયદે બંધકામોને લીધે મધ્યમ વર્ગના લોકો ભોગ બને છે. આ બાબતે મહારાષ્ટ્ર સરકારે મૂક પ્રેક્ષક બનીને બેસી ન રહેવું જોઈએ.’
ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની બેન્ચે જાહેર હિતની એક અરજીની સુનાવણી દરમ્યાન નોંધ્યું હતું કે જરૂરી પરવાનગીઓ વિના અથવા મંજૂર પ્લાનમાં ફેરફાર કરીને બાંધવામાં આવેલાં બિલ્ડિંગોની સંખ્યા અધિકારીઓ અને ડેવલપર્સ વચ્ચેની સાઠગાંઠ છતી કરે છે.
ADVERTISEMENT
અરજદારે જણાવ્યું હતું કે બિલ્ડિંગોમાં ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) ન હોવા છતાં ખરીદદારોને રહેવા માટે ફ્લૅટ આપી દેવાયા છે. ઉપરાંત હાઈ કોર્ટને જાણ કરવામાં આવી હતી કે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)એ જરૂરી પરવાનગીઓ વિના અથવા નિયમોનું ઉલ્લંઘન કરીને બાંધવામાં આવેલાં ૨૧૦૦ બિલ્ડિંગની યાદી તૈયાર કરી છે.
આ વર્ષે માર્ચ મહિનામાં હાઈ કોર્ટની બીજી બેન્ચે NMMCને ગેરકાયદે બાંધકામો શોધીને કાર્યવાહી કરતાં પહેલાં માલિકો અથવા કબજેદારોને નોટિસ આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ ચુકાદાને ટાંકીને હાઈ કોર્ટે તાજેતરની જાહેર હિતની અરજી ફગાવી હતી.


