ડોનલ્ડ ટ્રમ્પે કરી અણધારી જાહેરાત, ભારતમાં ખળભળાટ : ભારત પર પચીસ ટકા ટૅરિફ, રશિયા સાથેના વેપાર પર પેનલ્ટી લાદી : ભારત સરકારે પ્રતિક્રિયામાં કહ્યું કે અમે દેશનાં હિતોનું રક્ષણ કરીશું, અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ છીએ
ડોનલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)
અમેરિકા અને ભારત મહિનાઓથી વેપાર કરાર પર ચર્ચા કરી રહ્યાં છે, પરંતુ હજી સુધી કોઈ અંતિમ ટ્રેડ ડીલ થઈ નથી. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ભારતીય બજારમાં અમેરિકન માલને વેચવા માટે દબાણ કરી રહ્યા છે. તેમણે ઘણી વાર અન્ય વેપાર વાટાઘાટોમાં સમાન માગણીઓ કરી છે.
ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા એના વેપાર ભાગીદારો સાથે કરાર પૂરો કરવા માટે પહેલી ઑગસ્ટની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. એને માટે ફક્ત એક દિવસ બાકી છે ત્યારે અમેરિકન પ્રેસિડન્ટ ટ્રમ્પે ગઈ કાલે ભારત માટે ૨૫ ટકા ટૅરિફ અને રશિયા પાસેથી ક્રૂડની ખરીદી માટે પેનલ્ટી લાદવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
ટ્રમ્પે તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘વર્ષોથી ભારતની પોતાની સંરક્ષણવાદી નીતિઓના કારણે અમેરિકાએ એમની સાથે પ્રમાણમાં ઓછો વ્યવસાય કર્યો છે. ઉપરાંત તેઓ હંમેશાં રશિયા પાસેથી લશ્કરી સાધનોનો મોટો ભાગ ખરીદે છે અને ચીન સાથે રશિયાના ઊર્જાના સૌથી મોટા ખરીદદાર છે એવા સમયે જ્યારે દરેક ઇચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યાકાંડ બંધ કરે. બધી વસ્તુઓ સારી નથી!’
જોકે ડોનલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે નવી જાહેર કરાયેલી ૨૫ ટકા ટૅરિફ ઉપરાંત પેનલ્ટી શું હશે.
ડોનલ્ડ ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે ‘ભારત અમેરિકાનું મિત્ર છે, પણ પાછલાં અનેક વરસોથી ભારતના ટૅરિફ દરો વિશ્વમાં સૌથી વધારે છે એના પરિણામે અમેરિકાએ ભારત સાથે અપેક્ષા કરતાં ઘણો ઓછો વેપાર કર્યો છે અને આ ટરિૅફ દરોને જ અમેરિકાને ભારત સાથે વેપાર વધારતાં રોકે છે.’
આ સામે ભારતના વાણિજ્ય મંત્રાલય તરફથી પ્રતિક્રિયા આવી હતી અને મંત્રાલયે જાહેર કરેલા નિવેદનમાં કહેવાયું છે કે અમેરિકાએ કરેલી જાહેરાતની અમે નોંધ લીધી છે અને આ જાહેરાતની ભારત પર કેવી અસર થઈ શકે છે એનો અભ્યાસ ચાલી રહ્યો છે.
મંત્રાલયે ભારપૂર્વક કહ્યું હતું કે અમેરિકા સાથે વાજબી અને યોગ્ય દ્વિપક્ષીય વેપાર-કરાર કરવા માટેની વાટાઘાટો મહિનાઓથી ચાલી રહી છે અને ભારત આ દ્વિપક્ષીય કરારના પ્રયાસોને સફળ કરવા માટે પ્રતિબદ્ધ છે.
મંત્રાલયે એવું પણ ઉમેર્યું હતું કે ભારતના ખેડૂતો, ઉદ્યોગ-સાહસિકો અને લઘુ તથા મધ્યમ ઉદ્યોગોનાં હિતોની જાળવણીને ભારત સરકારે સર્વોચ્ચ મહત્ત્વ આપ્યું છે. આ નિવેદનમાં તાજેતરમાં જાહેર થયેલા ભારત-યુકે વચ્ચેના દ્વિપક્ષીય વેપાર-કરારનું ઉદાહરણ આપીને કહેવાયું છે કે દેશહિતની રક્ષા કરવા માટે જરૂરી તમામ પગલાં ભારત સરકાર ભરશે.

