અમેરિકાએ રાત્રે બે વાગ્યે વેનેઝુએલાનાં ૪ શહેરો પર એકસાથે અટૅક કરીને એના પ્રેસિડન્ટને સજોડે બંદી બનાવી લીધા, બેડરૂમમાંથી ખેંચીને કસ્ટડીમાં લીધા
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાએ એનાથી આશરે ૨૫૦૦ કિલોમીટર દૂર આવેલા તેલથી સમૃદ્ધ વેનેઝુએલા પર રાતે બે વાગ્યે (ભારતીય સમય મુજબ શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે) હવાઈ હુમલો કર્યો હતો. ૪ શહેરો પર એકસાથે હુમલો કરવામાં આવ્યો હતો અને અમેરિકન સૈનિકોએ લશ્કરી પોસ્ટ અને મુખ્ય સ્થળોને નિશાન બનાવ્યાં હતાં. ત્યાર બાદ વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિયા એડેલાને પકડવાનો દાવો કર્યો હતો. અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર પોસ્ટ કર્યું હતું કે નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિયા એડેલા હવે અમેરિકન સૈનિકોની કસ્ટડીમાં છે અને તેમને વેનેઝુએલાથી બહાર કાઢવામાં આવ્યાં છે.
અમેરિકાના હુમલા બાદ વેનેઝુએલાના પ્રેસિડન્ટ માદુરોએ બદલો લેવાનું વચન આપતું નિવેદન બહાર પાડ્યું હતું અને દેશવ્યાપી કટોકટીની જાહેરાત કરી હતી. જોકે તેમના નિવેદનના એક કલાક પછી ટ્રમ્પે તેમની ધરપકડ કરી લેવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
અમેરિકન અધિકારીઓને ટાંકીને આપવામાં અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે નિકોલસ માદુરો અને તેમનાં પત્ની સિલિયાને અમેરિકન દળો દ્વારા તેમના બેડરૂમમાંથી ખેંચીને કસ્ટડીમાં લેવામાં આવ્યાં હતાં. અમેરિકન આર્મીની સ્પેશ્યલ ડેલ્ટા ફોર્સે આ મિશન પાર પાડ્યું હતું. કોઈ પણ અમેરિકન સૈનિકોને ઈજા થઈ નથી.
આ ઘટનાક્રમ પછી અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે વેનેઝુએલામાં હવે શું થાય છે એ અમે નક્કી કરીશું, અમે નક્કી કરીશું કે કોણ દેશ ચલાવશે.
અમેરિકામાં કેસ ચાલશે
ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે માદુરો સામે અમેરિકન કોર્ટમાં અમેરિકાના કાયદા હેઠળ ખટલો ચલાવવામાં આવશે. માદુરો સામે ફોજદારી આરોપો પર કેસ ચલાવાશે અને વેનેઝુએલામાં કોઈ કાર્યવાહીની અપેક્ષા નથી. ૨૦૨૦માં માદુરો પર અમેરિકાની ફેડરલ કોર્ટમાં નાર્કો-ટેરરિઝમનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવે છે કે તેમણે કાર્ટેલ ડી લૉસ સોલ્સ દ્વારા અમેરિકામાં ટનબંધ કોકેન મોકલ્યું હતું
ઇનસાઇડ જૉબ
વેનેઝુએલાના વિપક્ષના એક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે માદુરોને હટાવવાનું કામ વેનેઝુએલાના સૈન્ય દ્વારા સહાયિત ‘ઇનસાઇડ જૉબ’ હતું. હાલ માટે હવે કોઈ લશ્કરી કાર્યવાહી નહીં થાય, પરંતુ વેનેઝુએલાની સરકારના બાકીના સભ્યો માટે આ એક સંદેશ છે કે અમેરિકા શું કરી શકવા સક્ષમ છે એ જુઓ અને હમણાં જ બહાર નીકળો તથા અમેરિકા સાથે વાટાઘાટો કરો.
બસ-ડ્રાઇવરમાંથી પ્રેસિડન્ટ
૬૩ વર્ષના બસ-ડ્રાઇવર માદુરોને ૨૦૧૩માં મૃત્યુ પામેલા હ્યુગો ચાવેઝે તેમના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા હતા. ચૂંટણીમાં છેડછાડ અને નાર્કો આતંકવાદના અમેરિકાએ લગાવેલા આરોપોને તેમણે નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે વૉશિંગ્ટન તેમના દેશના વિશ્વના સૌથી મોટા તેલ ભંડાર પર નિયંત્રણ મેળવવાનો ઇરાદો ધરાવે છે.
વહેલી સવારે હુમલા
શનિવારે રાતે બે વાગ્યે કારાકસમાં વિસ્ફોટ થયા હતા, લગભગ ૯૦ મિનિટ સુધી વિમાનો અને કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. વેનેઝુએલાની સરકારે જણાવ્યું હતું કે મિરાન્ડા, અરાગુઆ અને લા ગુએરા રાજ્યોમાં પણ હુમલા થયા હતા. સ્થાનિક લોકોએ આકાશમાં ધુમાડાના ગોટા અને તેજસ્વી ચમકારાનો
વિડિયો બનાવીને આઘાત અને ભય વ્યક્ત કર્યો હતો.
વેનેઝુએલાના શાસક ચાવિસ્મો મૂવમેન્ટે જણાવ્યું હતું કે શનિવારના હુમલામાં નાગરિકો અને લશ્કરી કર્મચારીઓનાં મૃત્યુ થયાં હતાં, પરંતુ તેમણે આંકડા આપ્યા નથી.
નવા શાસક કોણ?
વેનેઝુએલાના પ્રેસિડન્ટને અમેરિકા લઈ જવામાં આવ્યા હોવાથી હવે શાસક પક્ષના અન્ય વરિષ્ઠ નેતા વાઇસ પ્રેસિડન્ટ ડેલ્સી રૉડ્રિગ્ઝ આ ખાલી જગ્યા ભરશે કે પછી તેમની હકાલપટ્ટી માટે દબાણ આવશે એ સ્પષ્ટ નથી. તેમણે કહ્યું હતું કે માદુરો કે તેમનાં પત્ની ક્યાં છે એની મને ખબર નથી. તેઓ જીવિત છે એવા પુરાવા આપવા જોઈએ.
વેનેઝુએલાના વિપક્ષનું કહેવું છે કે માદુરોએ વારંવાર મતોમાં સત્તાનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી છે તેમ જ વિરોધ-પ્રદર્શનોને કચડી નાખ્યાં છે અને વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દીધા છે.
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે શું વિવાદ છે?
અમેરિકા વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને કાયદેસર નેતા તરીકે માન્યતા આપતું નથી અને તેમને સરમુખત્યાર કહે છે. માદુરો સરકાર પર ચૂંટણીમાં ગોટાળા કરવાનો અને માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. બન્ને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધો લગભગ સંપૂર્ણપણે તૂટી ગયા છે.
૨૦૧૯માં અમેરિકાએ વેનેઝુએલાના વિપક્ષી નેતા જુઆન ગુએડોને વેનેઝુએલાના વચગાળાના પ્રેસિડન્ટ તરીકે માન્યતા આપી હતી.
અમેરિકાએ વેનેઝુએલા પર અને એમાં પણ ખાસ કરીને એના તેલ-ઉદ્યોગ પર ગંભીર આર્થિક પ્રતિબંધો લાદી દીધા હતા. આ પ્રતિબંધોએ વેનેઝુએલાના અર્થતંત્ર અને ચલણને ગંભીર રીતે ખોરવી નાખ્યાં છે. વેનેઝુએલાએ અમેરિકા પર શાસન-પરિવર્તનનું આયોજન કરવાનો અને દખલ કરવાનો આરોપ મૂક્યો છે.
રશિયા, ચીન અને ઈરાન વેનેઝુએલાને ટેકો આપે છે જેને કારણે આ વિવાદ વૈશ્વિક બન્યો છે. તેલસમૃદ્ધ વેનેઝુએલામાં અમેરિકન કંપનીઓની ભૂમિકા પણ વિવાદનું કારણ બની છે.
રાજકીય કટોકટીને કારણે વેનેઝુએલાના લાખો લોકો દેશ છોડીને અમેરિકા સહિત અન્ય દેશોમાં ભાગી ગયા છે.
કૅલિફૉર્નિયાથી બમણો વિસ્તાર ધરાવતા વેનેઝુએલા પાસે છે તેલનો અખૂટ ભંડાર, જેને કારણે અમેરિકાએ હુમલો કર્યો
વેનેઝુએલાનું ક્ષેત્રફળ અમેરિકાના કૅલિફૉર્નિયાથી બમણું છે અને ૯૦ ટકા વસ્તી ગરીબ છે છતાં અમેરિકાએ એના પર હુમલો કર્યો છે કારણ કે આ દેશ પાસે તેલનો અખૂટ ભંડાર છે. અમેરિકા પાસે ૪૭,૭૩૦ મિલ્યન બૅરલ ઑઇલ રિઝર્વ છે, પણ વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી વધારે ૩,૦૩,૦૦૮ મિલ્યન બૅરલનું ઑઇલ રિઝર્વ છે. એ વેચીને દેશ કમાણી કરે છે અને ૯૦ ટકા આવક તેલ વેચીને થાય છે. આ સિવાય નૅચરલ ગૅસ, સોનું, બૉક્સાઇટ અને કોલસાની ખાણો છે. વેનેઝુએલા રોજનું ૧૦ લાખ બૅરલ તેલનું ઉત્પાદન કરે છે. ૨૦૧૩ પહેલાં વેનેઝુએલા રોજનું ૩૫ લાખ બૅરલ તેલ કાઢીને વેચતું હતું. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, આર્થિક સંકટ અને ભ્રષ્ટાચાર તથા રાજકીય અસ્થિરતાને કારણે તેલનું ઉત્પાદન ઘટી ગયું છે.
આમ અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કરીને તેલના આ ખજાના પર કબજો મેળવ્યો છે. અમેરિકાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર હવાઈ હુમલો કર્યો એમાં આખા શહેરમાં બ્લૅકઆઉટ થઈ ગયો હતો. અમેરિકાએ આ દેશનાં ચાર મોટાં શહેરો પર રૉકેટો છોડ્યાં હતાં. અમેરિકાએ તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓની ઐસીતૈસી કરીને આ હુમલો કર્યો હતો.
પનામાના શાસકને ૨૦ વર્ષની સજા
૩૭ વર્ષ પહેલાં અમેરિકાએ પનામા પર આક્રમણ કરીને લશ્કરી નેતા મૅન્યુઅલ નોરીએગાને પદભ્રષ્ટ કર્યા પછી અમેરિકાએ કોઈ દેશમાં આટલો સીધો હસ્તક્ષેપ કર્યો નથી. પનામાના કેસમાં નોરીએગાએ ૨૦ વર્ષ જેલમાં રહેવું પડ્યું હતું.
નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માગતા ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કેમ કરાવ્યો?
નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માગતા ડોનલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો. અમેરિકાએ વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો પર ૨૦૨૪ની ચૂંટણીમાં છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાએ માદુરોને વૉન્ટેડ જાહેર કરતાં કહ્યું હતું કે ‘તેમણે આતંકવાદી સંગઠન FARC સાથે હિંસક નાર્કો-આતંકવાદ કાવતરામાં ભાગ લીધો હતો. તેમણે મોટા પાયે ડ્રગ-હેરફેરને સરળ બનાવવા માટે નાર્કોટિક્સના તસ્કરો સાથે સંકલન કર્યું હતું એને કારણે અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો.
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચે શું વિવાદ છે?
અમેરિકા વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરોને કાયદેસર નેતા તરીકે માન્યતા આપતું નથી અને તેમને સરમુખત્યાર કહે છે. માદુરો સરકાર પર ચૂંટણીમાં ગોટાળા કરવાનો અને માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. બન્ને દેશ વચ્ચે રાજદ્વારી સંબંધો લગભગ સંપૂર્ણપણે તૂટી ગયા છે.
૨૦૧૯માં અમેરિકાએ વેનેઝુએલાના વિપક્ષી નેતા જુઆન ગુએડોને વેનેઝુએલાના વચગાળાના પ્રેસિડન્ટ તરીકે માન્યતા આપી હતી.
અમેરિકાએ વેનેઝુએલા પર અને એમાં પણ ખાસ કરીને એના તેલ-ઉદ્યોગ પર ગંભીર આર્થિક પ્રતિબંધો લાદી દીધા હતા. આ પ્રતિબંધોએ વેનેઝુએલાના અર્થતંત્ર અને ચલણને ગંભીર રીતે ખોરવી નાખ્યાં છે. વેનેઝુએલાએ અમેરિકા પર શાસન-પરિવર્તનનું આયોજન કરવાનો અને દખલ કરવાનો આરોપ મૂક્યો છે.
રશિયા, ચીન અને ઈરાન વેનેઝુએલાને ટેકો આપે છે જેને કારણે આ વિવાદ વૈશ્વિક બન્યો છે. તેલસમૃદ્ધ વેનેઝુએલામાં અમેરિકન કંપનીઓની ભૂમિકા પણ વિવાદનું કારણ બની છે.
રાજકીય કટોકટીને કારણે વેનેઝુએલાના લાખો લોકો દેશ છોડીને અમેરિકા સહિત અન્ય દેશોમાં ભાગી ગયા છે.
હુમલા પહેલાં માદુરો ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગના ખાસ દૂતને મળ્યા હતા
ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગના ખાસ દૂતે શુક્રવારે કારાકાસમાં વેનેઝુએલાના પ્રેસિડન્ટ નિકોલસ માદુરો સાથે મુલાકાત કરી હતી અને બન્ને દેશો વચ્ચેના મજબૂત આર્થિક સંબંધોની પુષ્ટિ કરી હતી. લૅટિન અમેરિકન અને કૅરિબિયન બાબતોના ખાસ પ્રતિનિધિ કિયુ ઝિયાઓકીએ ચીની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જેમાં વેનેઝુએલાના રાજદૂત લાન હુ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ થતો હતો. શુક્રવારે મીરાફ્લોરેસ પૅલેસ ખાતેની આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે વેનેઝુએલા અમેરિકા સાથે વધતા તનાવનો સામનો કરી રહ્યું હતું. કિયુ ઝિયાઓકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચીન અને વેનેઝુએલા વ્યૂહાત્મક ભાગીદારો છે અને તેમના સંબંધો પીપલ્સ રિપબ્લિક માટે એક મૂલ્યવાન તકનું પ્રતિનિધિત્વ કરે છે. વેનેઝુએલાને ચીન તરફથી સમર્થન છે અને બીજી તરફ રશિયાએ પણ કૅરિબિયનમાં અમેરિકન નૌકાદળની નાકાબંધીનો વિરોધ કરીને વેનેઝુએલા સાથે મિત્રતા હોવાનો સંદેશ આપ્યો છે.
નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડો ક્યાં છે?
તાજેતરમાં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોના નેતૃત્વ હેઠળના વિપક્ષે તાત્કાલિક કોઈ ટિપ્પણી નહોતી કરી. તાજેતરમાં નોબેલ પુરસ્કાર લેવા માટે વેનેઝુએલાથી છુપાઈને ભાગી ગયા બાદ મચાડો ક્યાં છે એ જાણી શકાયું નથી.


