ડોનલ્ડ ટ્રમ્પની ધમકી પર ધમકી : CNBCને આપેલા ઇન્ટરવ્યુમાં અમેરિકન પ્રેસિડન્ટે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ૨૫૦ ટકા સુધીની ટૅરિફ લગાડવાની ધમકી આપી
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ભારત પર વધુ ને વધુ ટૅરિફ લાદવાની ધમકીઓ આપી રહ્યા છે. ભારત રશિયા પાસેથી તેલ ખરીદીને એને યુદ્ધ-મશીનરીમાં સહાયતા કરે છે એટલે ટ્રમ્પે ભારત સામે વેપાર-યુદ્ધને વધુ તેજ કરવાની ધમકી આપતાં બિઝનેસ મીડિયા CNBCને કહ્યું હતું કે તેઓ ભારત પર આગામી ૨૪ કલાકમાં જ બહુ મોટા સ્તરે નવી ટૅરિફ લગાવશે.
ગઈ કાલે CNBC સાથેની વાતચીતમાં ટ્રમ્પે ટૅરિફમાં હજી વધારો કરવાની ચીમકી દોહરાવતાં કહ્યું હતું કે ‘ભારત દુનિયામાં સૌથી વધારે ટૅરિફ લગાવે છે. અમે એના પર પચીસ ટકા ટૅરિફ લગાવેલી, પણ હવે એમાં હું બહુ જ મોટો વધારો કરવાનો છું, કેમ કે એ રશિયાના વૉર-મશીનને ફ્યુઅલ આપે છે. અમે ભારત સાથે થોડો જ વેપાર કરીએ છીએ, પણ એ અમારી પાસેથી બહુ વધારે કમાય છે. ભારત સારો ટ્રેડિંગ-પાર્ટનર નથી રહ્યું, કેમ કે એ અમારી સાથે બહુ મોટો વેપાર કરે છે, પણ અમે એની સાથે વેપાર નથી કરતા. એટલે જ અમે પચીસ ટકા પર સહમત થયા હતા, પણ મને લાગે છે કે આગામી ૨૪ કલાકમાં હું એમાં કાફી વધારો કરી દઈશ, કેમ કે એ રશિયન તેલ ખરીદી રહ્યું છે.’
ADVERTISEMENT
ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર નજર
કયાં ક્ષેત્રો પર અમેરિકાની નજર છે એ વિશે અછડતો અંદાજ આપતાં ટ્રમ્પે CNBCના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અમે ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ૨૫૦ ટકા સુધીની ટૅરિક લગાવી શકીએ છીએ. શરૂઆતમાં આ ક્ષેત્રે નાની ટૅરિફ હશે, પણ એક-દોઢ વર્ષમાં એને વધારીને ૧૫૦ ટકા અને પછી ૨૫૦ ટકા કરી દઈશું. હું ઇચ્છું છું કે દવાઓ અમારા દેશમાં જ બનાવવામાં આવે.’
અમેરિકા ફાર્મા પ્રોડક્ટ્સ પર વિદેશો પર બહુ નિર્ભર છે, ખાસ કરીને ભારત અને ચીન પર. અમેરિકા ભારતથી જેનરિક દવાઓ, વૅક્સિન અને ઍક્ટિવ ઘટકોની ખરીદી કરે છે. ૨૦૨૫માં અમેરિકાએ ભારત પાસેથી ૬૫,૦૦૦ કરોડ રૂપિયાની આયાત કરી છે. અમેરિકાની ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન સંસ્થા મુજબ અમેરિકામાં વપરાતી તમામ જેનરિક દવાઓમાંથી લગભગ ૪૦ ટકા દવાઓ ભારતથી આવે છે.
અમેરિકાને પણ નુકસાન
દવાઓ પર ટૅરિફ લગાડવાથી અમેરિકામાં દવાઓ મોંઘી થશે જેનું નુકસાન દરદીઓએ જ ઉઠાવવું પડશે અને અમેરિકનોની જ મુશ્કેલી વધશે.

