CREDAI-MCHIના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતા કહે છે કે દિલ્હી હાઈ કોર્ટના નિર્ણયથી છેલ્લા પંદર મહિનાથી અટકી પડેલા પ્રોજેક્ટ્સ હવે આગળ ધપી શકશે
જિતેન્દ્ર મહેતા
નૅશનલ પાર્કની હદથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં આવતા અંદાજે ૪૦૦ જેટલા પ્રોજેક્ટ્સ કેન્દ્રની પર્યાવરણને લગતી મંજૂરી મળવાની રાહમાં છેલ્લા ૧૫ મહિનાથી અટકી પડ્યા હતા. જોકે હવે દિલ્હી હાઈ કોર્ટે આ બાબતે મહત્ત્વનો નિર્ણય આપતાં એ પ્રોજેક્ટ્સ આગળ વધી શકશે.
આ સંદર્ભે માહિતી આપતાં અગ્રણી બિલ્ડર અને CREDAI-MCHIના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જિતેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે ‘નૅશનલ પાર્ક અને જંગલ વિસ્તારના પાંચ કિલોમીટરની અંદર આ પ્રોજેક્ટ્સ આવેલા હોવાથી તેમને પર્યાવરણને લગતી ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી દિલ્હીથી મેળવવી પડતી હતી. જોકે દિલ્હીની ઑથોરિટી પાસે એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું કે તેઓ અહીંના પ્રોજેક્ટ્સ ચેક કરીને મંજૂર કરી શકે. એથી તે લોકો એ નહોતા કરી રહ્યા. એના કારણે અહીં છેલ્લા ૧૫ મહિનાથી ૪૦૦ જેટલા પ્રોજેક્ટ્સ અટકી ગયા હતા. દિલ્હી હાઈ કોર્ટે આ બાબતે નિર્ણય આપતાં કહ્યું કે સ્ટેટ લેવલ પર જ એ મંજૂરી આપવામાં આવે એ યોગ્ય છે. એથી પહેલાં જે રીતે ગોઠવણ હતી એ જ રીતે ૨૦,૦૦૦ સ્ક્વેર મીટરથી લઈને ૧,૫૦,૦૦૦ સ્ક્વેર મીટર સુધીના બાંધકામની મંજૂરી સ્ટેટ લેવલ પર જ મળશે. જો ૧,૫૦,૦૦૦ સ્ક્વેર મીટરથી વધુ હોય તો એના માટે જ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડશે. એ ઉપરાંત પહેલાં એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને એમાંથી બાકાત રાખવામાં આવતી હતી, હવે તેમને પણ અન્ય બાંધકામની જેમ જ મંજૂરી લેવી પડશે. બધાને સરખા જ નિયમો લાગુ પડશે.’
ADVERTISEMENT
દિલ્હી કોર્ટના આ નિર્ણયથી લાખો ફ્લૅટ-ઓનર્સ જેમણે ફ્લૅટ બુક કરાવ્યા હતા અને કામ અટકી પડ્યાં હતાં તેમને પણ ધરપત થશે અને બિલ્ડરોને પણ હાશકારો થશે એમ જણાવતાં જિતેન્દ્ર મહેતાએ વધુમાં કહ્યું હતું કે ‘બિલ્ડરો પણ મોટી લોન લઈને વ્યાજ ભરતા હોય છે, હવે તેમનાં પણ અટકી પડેલાં કામ આગળ ધપી શકશે. એ ખરું કે સ્ટેટ લેવલ પરની ઑથોરિટી પાસેથી પણ અત્યાર સુધીના સ્ટક થઈ ગયેલા પ્રોજક્ટ ક્લિયર કરાવવામાં ૬ મહિના નીકળી જશે, પણ ઍટ લીસ્ટ આગળ તો ધપી શકશે, એ જ મોટી રાહતના સમાચાર છે.’

