બિગ બ્યુટિફુલ બિલ મંજૂર થતાં ટેસ્લાના માલિક અને દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઈલૉન મસ્કે બનાવી નવી રાજકીય પાર્ટી
ઈલૉન મસ્ક
ઈલૉન મસ્ક કદી પણ અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી નહીં લડી શકે, કારણ કે તેમનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો છે અને ૨૦૦૨માં તેમને અમેરિકાની નાગરિકતા મળી છે
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા અને ટ્રમ્પના બિગ બ્યુટિફુલ બિલને મંજૂરી મળ્યા બાદ દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિ ઈલૉન મસ્કે અમેરિકા પાર્ટી નામનો એક નવો રાજકીય પક્ષ શરૂ કર્યો છે. આ બિલ અમેરિકાની સરકારને ખર્ચમાં કાપ મૂકવામાં મદદગાર સાબિત થશે, પણ મસ્કે આ બિલનો વિરોધ કર્યો છે.
ADVERTISEMENT
નવી પાર્ટી બનાવવા પાછળનું કારણ
થોડા મહિના પહેલાં સુધી ડોનલ્ડ ટ્રમ્પને પ્રેસિડન્ટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરનારા મસ્કે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કેમ કરી છે એ સવાલ લોકોને સતાવી રહ્યો છે. આ પાછળનું સૌથી મોટું કારણ ટ્રમ્પનું મહત્ત્વાકાંક્ષી ‘વન બિગ બ્યુટિફુલ બિલ’ છે જેને અમેરિકન સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે. આ બિલમાં ટેસ્લા જેવી કંપનીઓને આપવામાં આવતી ઇલેક્ટ્રિક વાહન અને ગ્રીન એનર્જી સબસિડી નાબૂદ કરવામાં આવી છે જેને કારણે મસ્કની કંપનીઓને ભારે નુકસાન થશે.
મસ્કનું માનવું છે કે આ બિલ પ્રદૂષિત ફોસિલ ફ્યુઅલ અને મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને ફાયદો પહોંચાડી રહ્યું છે, જ્યારે ટેક્નૉલૉજી અને નવીનતા ક્ષેત્રને નુકસાન પહોંચાડી રહ્યું છે.
મસ્કની પાર્ટીનો એજન્ડા શું છે?
મસ્કે ભલે પોતાની નવી પાર્ટીનો એજન્ડા દુનિયા સાથે શૅર કર્યો નથી, પરંતુ તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ‘અમારી પાર્ટી રાજકીય સ્વતંત્રતા અને સિસ્ટમની સ્વતંત્રતા વિશે વાત કરશે. પાર્ટી કરદાતાઓના પૈસાના ઉપયોગ, શાસન કાર્યક્ષમતા અને ટેક્નૉલૉજી આધારિત શાસન પર ધ્યાન કેન્દ્રિત કરશે.’
મિડ-ટર્મ ચૂંટણીમાં ભૂમિકા
સોશ્યલ મીડિયા પર યુઝર્સે મસ્કને પૂછ્યું હતું કે શું તેમનો પક્ષ મિડ-ટર્મ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવશે? મસ્કે હકારમાં જવાબ આપીને કહ્યું હતું કે ‘અમેરિકા પાર્ટી આ ચૂંટણીમાં સક્રિય ભાગ લેશે. હાલમાં આ પક્ષ ચૂંટાયેલા કૉન્ગ્રેસ અને સૅનેટ બેઠકો માટેના ઉમેદવારોને ટેકો આપશે.’
મસ્ક રાષ્ટ્રપતિ કેમ ન બની શકે?
અમેરિકાના બંધારણ મુજબ જે વ્યક્તિ અમેરિકામાં જન્મે છે તે પ્રેસિડન્ટપદ માટે ચૂંટણી લડી શકે છે. ઈલૉન મસ્કનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હોવાથી તે કદી પણ પ્રેસિડન્ટની ચૂંટણી લડી શકે એવી સ્થિતિમાં નથી. મસ્ક પહેલેથી જ સ્વીકારી ચૂક્યા છે કે તેમની દાદી અમેરિકન નાગરિક હતી, પરંતુ તેમનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો હતો. તેથી તેઓ અમેરિકાના પ્રેસિડન્ટ બની શકતા નથી.
અમેરિકામાં પણ અનેક પાર્ટીઓ
ભલે અમેરિકામાં ટૂ-પાર્ટી વ્યવસ્થા છે, પણ ત્યાં ઘણી રાજકીય પાર્ટીઓ છે. એમાં રિફૉર્મ પાર્ટી, લિબર્ટેરિયન પાર્ટી, સોશ્યલિસ્ટ પાર્ટી, નૅચરલ લૉ પાર્ટી, કૉન્સ્ટિટ્યુશન પાર્ટી, ગ્રીન પાર્ટી વગેરેનો સમાવેશ છે. જોકે અમેરિકાની સ્વતંત્રતા પછી ફક્ત બે પક્ષો રિપબ્લિકન અને ડેમોક્રૅટિકે દેશમાં પ્રભુત્વ મેળવ્યું છે. બન્ને પક્ષો વચ્ચે સત્તા-પરિવર્તન થતું રહ્યું છે.

