નાગપુરમાં અલીબાબા અને ૪૦ ચોર જેવી કહાની
પ્રતીકાત્મક તસવીર
નાગપુરમાં કુખ્યાત ઇપ્પા ગૅન્ગના ૪૦ મેમ્બરો નાગપુર શહેર અને કામટી ઉપનગરમાં તેમના જ એક સાથી અર્શદ ટોપીને શોધી કાઢવા અને મારી નાખવા માટે તૈયાર છે. આ ૪૦ મેમ્બરો અર્શદ ટોપીના લોહીના પ્યાસા એટલા માટે છે કારણ કે તેમનું માનવું છે કે ગૅન્ગના લીડરની પત્નીની હત્યા ટોપીએ કરી છે.
ડૉનની પત્ની સાથે પ્રેમ
ADVERTISEMENT
આ કુખ્યાત ઇપ્પા ગૅન્ગનો મેમ્બર અર્શદ ટોપી તેના ચીફની પત્ની સાથે પ્રેમમાં પડ્યો હતો. બન્ને જણ ગુરુવારે ગુપ્ત રીતે રોમૅન્ટિક ડેટ માટે બહાર નીકળ્યાં હતાં. જોકે તેઓ જે બાઇક પર બેસીને જતાં હતાં એની JCB સાથે ટક્કર થઈ હતી અને એમાં ડૉનની પત્નીને વધારે માર લાગ્યો હતો. અર્શદને ઓછું વાગ્યું હતું.
બે હૉસ્પિટલોએ દાખલ કરવાનો ઇનકાર કર્યો
એ સમયે કોરાડી થર્મલ પ્લાન્ટનું પૅટ્રોલિંગ વાહન ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને મહિલાને ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયું હતું. જોકે આ હૉસ્પિટલે તેની સારવાર કરવાનો ઇનકાર કર્યો હતો. તેને કામટીની બીજી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ તેને દાખલ કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. એ પછી અર્શદ ટોપીએ ઍમ્બ્યુલન્સ ડ્રાઇવરને પૈસા ચૂકવતાં મહિલાને નાગપુરની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલ (GMCH)માં દાખલ કરવામાં આવી હતી, જ્યાં શુક્રવારે સવારે તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. મહિલાના મૃત્યુના સમાચાર ફેલાતાં ઇપ્પા ગૅન્ગે ટોપીને વિશ્વાસઘાતી અને દગાબાજ જાહેર કર્યો હતો અને તેને નાબૂદ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગૅન્ગના મેમ્બરોનું માનવું છે કે ચીફની પત્નીની હત્યા ટોપીએ કરી હશે.
CCTV કૅમેરાનાં ફુટેજે ભાંડો ફોડ્યો
GMCHના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજમાં ટોપી હૉસ્પિટલમાં ઘાયલ મહિલા સાથે જોવા મળ્યો હતો. આના પગલે ઇપ્પા ગૅન્ગના મેમ્બરોનું માનવું છે કે ટોપીએ જ આ મહિલાની હત્યા કરી છે અને તેથી તેને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. નાગપુરમાં ઇપ્પા ગૅન્ગના ૪૦ મેમ્બરો શહેર અને કામટી ઉપનગરમાં ટોપીને શોધતા ફરી રહ્યા છે.
ટોપી પોલીસને શરણે
પોતાના જીવને જોખમ હોવાનું જાણીને અર્શદ ટોપી શુક્રવારે પારડીસ્થિત ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP)ની ઑફિસમાં સુરક્ષા માટે પહોંચી ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને DCPએ તેને કોરાડી પોલીસ-સ્ટેશન મોકલી દઈને તેનું નિવેદન નોંધ્યું હતું. એ પછી ટોપી ફરાર છે.
પોલીસે કહ્યું ઍક્સિડન્ટ
આ અકસ્માત વિશે પોલીસે જણાવ્યું હતું કે ‘અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાનું મૃત્યુ અકસ્માતમાં થયું હતું અને તેની હત્યા થઈ હોવાનો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. ટોપી અને મહિલા બાઇક પર જઈ રહ્યાં હતાં ત્યારે ટૂ-વ્હીલરને JCB મશીને અકસ્માતે ટક્કર મારી હતી. એમાં ટોપીનો વાંક નથી અને આ માત્ર એક ઍક્સિડન્ટ છે.’

