Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મણિપુર તો મા ભારતીના મુકટ પરનું રત્ન છે

મણિપુર તો મા ભારતીના મુકટ પરનું રત્ન છે

Published : 14 September, 2025 01:50 PM | IST | Manipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકાર, હું પોતે અને આખો દેશ તમારી સાથે છે એવું આશ્વાસન બે વર્ષની હિંસાની પીડામાંથી બહાર આવી રહેલા મણિપુરના લોકોને આપીને નરેન્દ્ર મોદીએ કહ્યું...

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી


વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલથી સોમવાર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે છે. આ દરમ્યાન તેઓ ૭૧,૮૫૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ગઈ કાલે વડા પ્રધાને મિઝોરમથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો, જ્યાં તેમણે બૈરાબી-સૈરાંગ નવી રેલવેલાઇનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે મણિપુરમાં ૭૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનાં શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યાં હતાં.




વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મણિપુરની મુલાકાત દરમ્યાન હિંસામાં વિસ્થાપિત થયેલા પરિવારો સાથે સંવાદ કર્યો હતો. ત્યારે બાળકીઓએ તેમની સામે પ્રસ્તુતિઓ રજૂ કરી હતી. એક બાળકી વડા પ્રધાન સામે વાત કરતાં-કરતાં રડી પડી હતી.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચુરાચંદપુરમાં ૭૩૦૦ કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો જેમાં ૩૬૦૦ કરોડ રૂપિયાથી વધુના મણિપુર શહેરી રસ્તાઓ, ડ્રેનેજ અને સંપત્તિ વ્યવસ્થાપન સુધારણા પ્રોજેક્ટ્સ; ૨૫૦૦ કરોડ રૂપિયાથી વધુના પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ; મણિપુર ઇન્ફોટેક ડેવલપમેન્ટ (MIND) પ્રોજેક્ટ અને ૯ સ્થળોએ કામ કરતી મહિલાઓ માટે છાત્રાલયોનો સમાવેશ થાય છે. આ સાથે નરેન્દ્ર મોદીએ ઇમ્ફાલમાં ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આમાં મંત્રીપુખરી ખાતે સિવિલ સચિવાલય, નવું પોલીસ મુખ્યાલય, દિલ્હી અને કલકત્તામાં મણિપુર ભવન અને ૪ જિલ્લાઓમાં મહિલાઓ માટે ખાસ ઇમા માર્કેટનો સમાવેશ થાય છે.

૬૫ કિલોમીટરનો રોડ-પ્રવાસ કર્યો


નરેન્દ્ર મોદી ઇમ્ફાલ ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. હવામાન હેલિકૉપ્ટરની મુસાફરી માટે અનુકૂળ નહોતું. આથી વડા પ્રધાને ૬૫ કિલોમીટર રોડમાર્ગે મુસાફરી કરવાનું નક્કી કર્યું હતું. તેઓ ભારે વરસાદમાં ચુરાચંદપુર પહોંચ્યા હતા અને તેમના નિર્ધારિત કાર્યક્રમ આગળ વધાર્યા હતા.

હિંસામાં ૬૦,૦૦૦થી વધુ લોકો વિસ્થાપિત 
મણિપુરમાં વંશીય હિંસાએ ૬૦,૦૦૦થી વધુ લોકોને વિસ્થાપિત કર્યા છે. એમાંથી લગભગ ૪૦,૦૦૦ કુકી-જો સમુદાયના છે, જ્યારે લગભગ ૨૦,૦૦૦ મેઇતેઈ સમુદાયના છે. મે ૨૦૨૩માં રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળી ત્યારથી ૨૬૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો બેઘર બન્યા છે.

વિસ્થાપિત લોકો સાથે સંવાદ કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે મણિપુરના ચુરાચંદપુરમાં શાંતિ ગ્રાઉન્ડ ખાતે વંશીય હિંસાને કારણે વિસ્થાપિત થયેલા અનેક લોકો સાથે વાતચીત કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ (IDPs)ના પરિવારોની ચિંતાઓ સાંભળી હતી અને તેમને રાજ્યમાં શાંતિ અને સામાન્ય પરિસ્થિતિ પુનઃ સ્થાપિત કરવા માટે કેન્દ્રની મદદની ખાતરી આપી હતી.

નરેન્દ્ર મોદીએ કેમ કર્યો નેપાલના જેન-ઝીનો ઉલ્લેખ?
ગઈ કાલે નરેન્દ્ર મોદીએ મણિપુરના તેમના ભાષણમાં નેપાલના ઘટનાક્રમની પણ વાત કરી હતી. એમાં તેમણે જેન-ઝીનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘નેપાલની ઘટનાઓમાં એક વાત પર લોકોનું ખાસ ધ્યાન નથી ગયું. પાછલા બે-ત્રણ દિવસથી યુવકો-યુવતીઓ નેપાલના રસ્તાઓ પર સફાઈ અને રંગરોગાનનું કાર્ય ખૂબ મહેનત અને પવિત્રતાના ભાવ સાથે કરતાં જોવા મળ્યાં છે. તેમની આ સકારાત્મક વિચારધારા અને સકારાત્મક કાર્ય પ્રેરણાદાયી છે અને નેપાલના નવોદયનો સ્પષ્ટ સંકેત છે. હું નેપાલને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું.’

નરેન્દ્ર મોદીએ નેપાલના વડાં પ્રધાન સુશીલા કાર્કી વિશે શું કહ્યું?
 મને વિશ્વાસ છે કે સુશીલા કાર્કી નેપાલમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરશે.
 નેપાલનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીકે સુશીલાજીનું આવવું એ મહિલા સશક્તીકરણનું બહુ ઉત્તમ ઉદાહરણ છે.
 હું આજે નેપાલની એ દરેક વ્યક્તિની સરાહના કરું છું જેણે અસ્થિરતાના વાતાવરણમાં પણ લોકતાંત્રિક મૂલ્યોને સર્વોપરી રાખ્યાં.

નરેન્દ્ર મોદીએ નેપાલનાં નવાં વડાં પ્રધાનને શુભેચ્છા આપી
નેપાલમાં બે દિવસની ભારે હિંસા પછી સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. શુક્રવારે સુશીલા કાર્કીએ વચગાળાની સરકારનાં વડાં પ્રધાન તરીકે કાર્યભાર સંભાળી લીધો હતો. ત્યાર બાદ ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે ‘નેપાલમાં વચગાળાની સરકારનાં વડાં પ્રધાન તરીકે પદ ગ્રહણ કરવા માટે સુશીલા કાર્કીજીને હાર્દિક શુભેચ્છાઓ. નેપાલનાં ભાઈ-બહેનોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારત સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.’

મણિપુરમાં નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

મણિપુર પાસે તો હજારો વરસોની સમૃદ્ધ વિરાસત છે. મણિપુર તો મા ભારતીના મુકટ પરનું રત્ન છે. મણિપુરમાં કોઈ પણ પ્રકારની હિંસા દુર્ભાગ્યપૂર્ણ છે. આપણે સાથે મળીને મણિપુરને શાંતિ અને વિકાસના માર્ગે આગળ લઈ જવાનું છે.

મણિપુરની ધરતી પર જ ઇન્ડિયન નૅશનલ આર્મીએ પહેલી વાર ભારતનો ધ્વજ લહેરાવ્યો હતો. નેપાજી સુભાષચંદ્ર બોઝે મણિપુરને ભારતની આઝાદીનું દ્વાર કહ્યું હતું. મણિપુરની આ ભૂમિ હિંમત અને બહાદુરીની ભૂમિ છે. આ ટેકરીઓ કુદરતની અમૂલ્ય ભેટ છે અને આ ટેકરીઓ તમારા બધાની સતત મહેનતનું પ્રતીક પણ છે. હું મણિપુરના લોકોની ભાવનાને સલામ કરું છું.

આજે ભારત ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આપણે ખૂબ જ ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ અને મારો સંપૂર્ણ પ્રયાસ છે કે વિકાસના ફાયદા દેશના દરેક ખૂણા સુધી પહોંચે. એક સમય હતો જ્યારે દિલ્હીથી જાહેરાતો થતી હતી અને એ જાહેરાતો અહીં પહોંચવામાં દાયકાઓ લાગતી હતી. આજે આપણું ચુરાચંદપુર, આપણું મણિપુર પણ દેશના બાકીના ભાગો સાથે વિકાસ કરી રહ્યું છે.

મણિપુરની આ ભૂમિ, આ પ્રદેશ આશા અને અપેક્ષાની ભૂમિ છે, પરંતુ કમનસીબે હિંસાએ આ અદભુત પ્રદેશને ઘેરી લીધો હતો. થોડા સમય પહેલાં હું કૅમ્પમાં રહેતા અસરગ્રસ્ત લોકોને મળ્યો. તેમની સાથે વાત કર્યા પછી હું કહી શકું છું કે આશા અને આત્મવિશ્વાસની એક નવી સવાર મણિપુરના દરવાજા પર દસ્તક આપી રહી છે.

કોઈ પણ જગ્યાએ વિકાસ માટે શાંતિ સ્થાપિત કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. હું તમામ સંગઠનોને શાંતિના માર્ગ પર આગળ વધવા અને તેમનાં સપનાં પૂરાં કરવા, તેમનાં બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા અપીલ કરીશ. હું આજે તમને વચન આપું છું કે હું તમારી સાથે છું, ભારત સરકાર તમારી સાથે છે.

ભારત સરકાર મણિપુરમાં જીવન પાટા પર લાવવા માટે શક્ય એટલા બધા પ્રયાસો કરી રહી છે. અમારી સરકાર બેઘર બનેલા પરિવારો માટે ૭૦૦૦ નવાં ઘર બનાવવામાં મદદ કરી રહી છે. તાજેતરમાં લગભગ ૩૦૦૦ કરોડ રૂપિયાના ખાસ પૅકેજને પણ મંજૂરી આપવામાં આવી છે. વિસ્થાપિત લોકોને મદદ કરવા માટે ૫૦૦ કરોડ રૂપિયાની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
 હું મણિપુરના આદિવાસી યુવાનોનાં સપનાં અને સંઘર્ષોથી સારી રીતે પરિચિત છું. તમારી ચિંતાઓને દૂર કરવા માટે વિવિધ ઉકેલો પર કામ કરવામાં આવી રહ્યું છે.
 અમે મણિપુરને શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતીક બનાવવાના ઉદ્દેશ સાથે કામ કરી રહ્યા છીએ. હું તમને ખાતરી આપું છું કે મણિપુરના વિકાસ માટે વિસ્થાપિત લોકોને શક્ય એટલી વહેલી તકે યોગ્ય જગ્યાએ વસાવવા માટે અને શાંતિ સ્થાપિત કરવા માટે ભારત સરકાર અહીં મણિપુર સરકારને સમર્થન આપવાનું ચાલુ રાખશે.

એકને જુદો પ્રદેશ જોઈએ છે તો બીજાને ઘૂસણખોરોને કાઢવા માટે સિટિઝનશિપ સર્વે- કુકી અને મૈતી સંગઠનોએ વડા પ્રધાન સામે પોતપોતાની માગણીઓ મૂકી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બે વર્ષથી ભારે સંઘર્ષ અને હિંસાનો સામનો કરી રહેલા મણિપુરની મુલાકાત લીધી હતી. રાજ્યમાં દાયકાઓથી સંઘર્ષનો ઇતિહાસ ધરાવતાં મૈતી અને કુકી સંગઠનોએ ગઈ કાલે વડા પ્રધાનની મુલાકાતને આવકારી હતી અને પોતપોતાની માગણીઓ તેમની સમક્ષ મૂકી હતી. નરેન્દ્ર મોદીએ આ મુલાકાતમાં કુકીની બહુમતી ધરાવતા ચુરાચંદ્રપુર અને મૈતીની બહુમતી ધરાવતા ઇમ્ફાલ એ બન્ને સ્થળોએ સભાને સંબોધી હતી અને ભારત સરકાર માટે બન્ને સમાન હોવાનો સંદેશ આપ્યો હતો. એક અહેવાલ પ્રમાણે કુકી સંગઠને વડા પ્રધાન સામે એવી માગણી મૂકી હતી કે ભારત સરકાર સંવિધાનમાં ઉપલબ્ધ  પ્રાવધાનનો ઉપયોગ કરીને અમને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરે; જેમ ઝારખંડ, છત્તીસગઢને અલગ રાજ્ય મળ્યું અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યું. બીજી તરફ મૈતી સંગઠને માગણી કરી હતી કે અલગ પ્રદેશની માગણી અયોગ્ય છે, એ મણિપુરના ટુકડા કરવાની વાત છે. મણિપુરમાં ખરેખર જરૂર છે નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝનશિપ (NRC) જેવા નાગરિકતા માટેના સર્વેની, જેનાથી ગેરકાયદે આવીને વસેલા ઘૂસણખોરોને ઓળખીને કાઢી શકાય. મણિપુરની તમામ સમસ્યાના મૂળમાં ગેરકાયદે ઘૂસેલા લોકોએ બદલી નાખેલી ડેમોગ્રાફી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2025 01:50 PM IST | Manipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK