સુશિક્ષિત બેકાર યુવાને સુસાઇડ-નોટમાં દેવેન્દ્ર ફડણવીસને સંબોધીને લખ્યું...
પવન ગોપીચંદ ચવાણ
રાજ્યમાં હાલ મરાઠાઓને આપવામાં આવેલી અનામત અને એ સામે અધર બૅકવર્ડ ક્લાસ (OBC) સમાજ દ્વારા કરાયેલા વિરોધની ચર્ચા રોજેરોજ ચાલી રહી છે ત્યારે ધારાશિવ જિલ્લાના મુરુમ શહેર પાસે આવેલા નગર તાંડા ખાતે બંજારા સમાજના ૩૨ વર્ષના પવન ગોપીચંદ ચવાણે બંજારા સમાજને પણ અનામતનો લાભ આપવામાં આવે એવી માગણી સાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવીને આત્મહત્યા કરી હતી. શનિવારે સવારે આ ઘટના બહાર આવી હતી.
આ ઘટનાની જાણ થતાં જ સ્પૉટ પર પહોંચી ગયેલી પોલીસને પ્રાથમિક તપાસમાં તેની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. એમાં તેણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સંબોધીને લખ્યું હતું કે ‘મુખ્યમંત્રી સાહેબ, બંજારા સમાજને હૈદરાબાદ ગૅઝેટ પ્રમાણે અનુસૂચિત જનજાતિ હેઠળ અનામત આપો.’ તેના પરિવારમાં માતા-પિતા, પત્ની અને બે બાળકોનો સામવેશ થાય છે. પવન ચવાણ હાલ સુશિિક્ષત બેકાર હતો.
ADVERTISEMENT
પવને બંજારા સમાજને અનામત આપવાની માગણી સાથે જીવન ટૂંકાવી દીધાની જાણ થતાં મોટી સંખ્યામાં બંજારા સમાજના લોકો તેના ઘરે પહોંચી ગયા હતા અને બંજારા સમાજને અનામત આપવા માટે સરકારને રજૂઆત કરી હતી. બંજારા સમાજના નેતાએ કહ્યું હતું કે ‘અનામતના મુદ્દે રાજ્યભરમાં અવારનવાર આંદોલન થાય છે. વિશેષમાં હૈદરાબાદ ગૅઝેટ પ્રમાણે બંજારા સામાજને અનુસૂચિત જનજાતિ હેઠળ અનામતનો લાભ આપવામાં આવે એવી માગણી વર્ષોથી થઈ રહી છે. આ બાબતે રાજ્ય સરકારે સકારાત્મક નિર્ણય ન લીધો હોવાથી સમાજના યુવાનો નિરાશ થઈ જાય છે.’
પવન ચવાણે કરેલી હત્યાના પગલે હવે બંજારા સમાજને અનામત આપવાનું આંદોલન વધુ તીવ્ર બનવાની શક્યતા છે. પોલીસે આ સંદર્ભે હાલ ઍક્સિડેન્ટલ ડેથની નોંધ કરીને વધુ કાર્યવાહી કરી હતી.

