Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ફરી થશે પાક.માં બળવો? ભાઈ નવાઝ શરીફની જેમ શાહબાઝ પણ આસીમ મુનીરની જાળમાં ફસાયા

ફરી થશે પાક.માં બળવો? ભાઈ નવાઝ શરીફની જેમ શાહબાઝ પણ આસીમ મુનીરની જાળમાં ફસાયા

Published : 21 May, 2025 02:32 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Is Pakistan heading towards another Military Coup: પાકિસ્તાનમાં ફરી એકવાર લશ્કરી બળવાના સંકેતો મળી રહ્યા છે. જે રીતે પાકિસ્તાની સેના બિનજરૂરી રીતે ઑપરેશન સિંદૂરમાં કૂદી પડી હતી જેના લીધે હારનો સામનો કરવો પડ્યો અને વિશ્વભરમાં અપમાનનો સામનો કરવો પડ્યો.

શાહબાઝ શરીફ અને આસીમ મુનીર (ફાઇલ તસવીર)

શાહબાઝ શરીફ અને આસીમ મુનીર (ફાઇલ તસવીર)


પાકિસ્તાનમાં ફરી એકવાર લશ્કરી બળવાના સંકેતો મળી રહ્યા છે. જે રીતે પાકિસ્તાની સેના બિનજરૂરી રીતે ઑપરેશન સિંદૂરમાં કૂદી પડી અને પછી હારનો સામનો કરવો પડ્યો અને વિશ્વભરમાં અપમાનનો સામનો કરવો પડ્યો, તે પછી પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરનું પ્રમોશન આ આશંકા તરફ ઈશારો કરે છે. પાકિસ્તાની સેનાએ પોતે સ્વીકાર્યું છે કે તેણે ભારત સાથે બળજબરીથી શરૂ કરેલા સંઘર્ષમાં તેનો પરાજય થયો છે. પાકિસ્તાનના શાસક નેતાઓના ઉદ્ધત નિવેદનોએ પણ સાબિત કર્યું છે કે ભારતીય સશસ્ત્ર દળોએ બદલો લેવા માટે ત્યાં વિનાશ મચાવ્યો છે, તેમ છતાં, પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફની સરકારે જે રીતે જનરલ મુનીરને ફિલ્ડ માર્શલના પદ પર બઢતી આપીને સન્માનિત કર્યા છે, એથી એવું સ્પષ્ટ થાય છે કે શાહબાઝ શરીફની સરકાર સંપૂર્ણપણે સેનાના નિયંત્રણમાં છે. જો આપણે અઢી દાયકા પહેલા પાછળ ફરીએ તો, આવી જ પરિસ્થિતિમાં, તેમના ભાઈ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની સરકાર પણ ઉથલાવી દેવામાં આવી હતી.


`ફિલ્ડ માર્શલની નિમણૂકનો હેતુ હાર છુપાવવાનો છે`
નિષ્ણાતોના મતે, જનરલ અસીમ મુનીરને પ્રમોટ કરવાની મજબૂરી પાકિસ્તાની સેના દ્વારા `પોતાની હાર છુપાવવા`નો પ્રયાસ હોય તેવું લાગે છે. કારણ કે, જે રીતે ભારતીય વાયુસેનાએ ઑપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 11 એરબેઝનો નાશ કર્યો, તેનાથી મુનીરની છબી ખૂબ જ ખરડાઈ છે. તેમની નેતૃત્વ ક્ષમતા અને યુદ્ધ કૌશલ્ય બધા જ પ્રશ્નાર્થમાં છે. એવું માનવામાં આવે છે કે મુનીરે પોતે પોતાનું સ્થાન મજબૂત કરવા માટે આ પ્રમોશન લીધું છે. પાકિસ્તાન વિષયક નિષ્ણાત તિલક દેવશરે જણાવ્યું હતું કે, `સામાન્ય રીતે લશ્કરી વિજય પછી ફિલ્ડ માર્શલનો દરજ્જો આપવામાં આવે છે.` પણ હાર પછી આ પદ પહેલી વાર કોઈને આપવામાં આવ્યું છે એટલે એવું લાગે છે કે તેનો હેતુ હાર છુપાવવાનો છે.



મુનીરનું ફિલ્ડ માર્શલ બનવું તેમના માટે કેમ મહત્વપૂર્ણ છે?
જ્યારથી આસીમ મુનીરે પાકિસ્તાની સેનાની કમાન સંભાળી છે, ત્યારથી તેમની મુસ્લિમ કટ્ટરતા અને હિન્દુ વિરોધી માનસિકતાને કારણે એવું માનવામાં આવે છે કે તેઓ દેશના સૌથી શક્તિશાળી નેતાઓમાં પોતાનું નામ સામેલ કરવા માગે છે. આમાં મોહમ્મદ અલી જિન્નાહ, જનરલ ઝિયા-ઉલ-હક અને જનરલ પરવેઝ મુશર્રફ જેવા કુખ્યાત પાકિસ્તાની વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જેઓ ભારતના ભાગલા અને લાખો લોકોના નરસંહાર માટે જવાબદાર હતા. પાકિસ્તાનમાં ફિલ્ડ માર્શલ બન્યા પછી જનરલ મુનીરને વધી પાવર મળ્યો છે. આનાથી સેનામાં તેમનું વર્ચસ્વ વધુ વધી શકે છે. સેનામાં તેમના વિરોધીઓને છેલ્લા કેટલાક સમયથી મોટો આંચકો લાગ્યો છે અને હાલ પૂરતો તેમને પીછેહઠ કરવાની ફરજ પડી છે. એવા સમયે જ્યારે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જો લોન ન મળે તો ખાવાના પણ ફા-ફા પડશે, છતાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનું જોખમ લઈ રહ્યા છે. તેમણે કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય બનાવવા માટે તુર્કી, અમેરિકા અને ચીન પાસેથી પણ સમર્થન માગ્યું છે.


જનરલ મુનીર પહેલા પાકિસ્તાનમાં કોણ ફિલ્ડ માર્શલ બન્યું હતું?
મંગળવારે અચાનક મુનીરના પ્રમોશનના મોટા સમાચાર આવ્યા, પાકિસ્તાની મીડિયાને ટાંકીને, કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે ફિલ્ડ માર્શલ બનવાનો અર્થ એ છે કે તેમને સંભવિત કોર્ટ માર્શલ સ્થિતિથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. કારણ કે, ભારત સાથેના તાજેતરના સંઘર્ષમાં, સેનામાં ક્યાંકને ક્યાંક એવો ડર હતો કે તેમની સ્થિતિ અસ્થિર થઈ શકે છે. મુનીર પહેલા, ફક્ત એક પાકિસ્તાની જનરલ, અયુબ ખાનને ફિલ્ડ માર્શલનો હોદ્દો આપવામાં આવ્યો હતો અને તે પણ પાછળથી બળવા દ્વારા પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ બન્યા.

શું પાકિસ્તાન બીજા બળવા તરફ આગળ વધી રહ્યું છે?
થોડા સમય પહેલા, ભૂતપૂર્વ પાકિસ્તાની વડા પ્રધાન નવાઝ શરીફે પણ સ્વીકાર્યું હતું કે ૧૯૯૯નું કારગિલ યુદ્ધ તત્કાલીન પાકિસ્તાની જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા તેમની સરકારના તખ્તાપલટનું કારણ હતું. કારગિલ યુદ્ધનું કાવતરું જનરલ પરવેઝ મુશર્રફે લગભગ એ જ રીતે ઘડ્યું હતું જે રીતે જનરલ અસીમ મુનીર પર પહલગામ આતંકવાદી હુમલાનું આયોજન કરવાની શંકા છે. મુનીર અને પાકિસ્તાની સરકાર સતત આ આરોપોને નકારી રહ્યા છે. કારગિલ યુદ્ધ દરમિયાન પરવેઝ મુશર્રફે પણ આવું જ કર્યું હતું. પરંતુ, 2006 માં પ્રકાશિત તેમના પુસ્તક `ઇન ધ લાઇન ઓફ ફાયર` માં તેમણે પોતે સ્વીકાર્યું હતું કે કારગિલ યુદ્ધ પાછળ પાકિસ્તાની સેનાનો હાથ હતો. તે સમયે પાકિસ્તાને ભારતીય ચોકીઓ પર કબજો કરવાની તેની ગુપ્ત કાર્યવાહીથી ઇન્કાર કર્યો હતો. પરંતુ જ્યારે ભારતીય સેનાએ આ યુદ્ધમાં પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું અને જનરલ મુશર્રફ પાકિસ્તાનમાં સત્તા ગુમાવવાના હતા, ત્યારે થોડા મહિનાઓ પછી ઓક્ટોબર 1999 માં, તેમણે નવાઝ શરીફ સરકારને ઉથલાવી દીધી અને પાકિસ્તાનમાં માર્શલ લો લાદ્યો. આસીમ મુનીરના કાર્યો દર્શાવે છે કે તે પોતાના માર્ગદર્શકના પગલે ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ વખતે નવાઝનો ભાઈ શાહબાઝ તેનો બલિનો બકરો બની શકે છે.


પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરના નાપાક ઇરાદા
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, જનરલ મુનીરે પણ જાહેરમાં સ્વીકાર્યું હતું કે કારગિલ યુદ્ધમાં પાકિસ્તાની સેના સામેલ હતી. જ્યારે મુશર્રફે આ વાત સ્વીકારી, ત્યારે તેમની પાસે કંઈ જ બચ્યું નહોતું. પરંતુ મુનીરે જનરલ હોવા છતાં આ વાત સ્વીકારી છે. આ કબૂલાત પાકિસ્તાન સંરક્ષણ અને શહીદ દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં કરાઈ હતી. કારગિલ યુદ્ધ દરમિયાન, ઑપરેશન સિંદૂર જેવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી. પોતાની સેનાને બચાવવા માટે, પાકિસ્તાને પોતે સ્વીકાર્યું છે કે અમેરિકાએ તેના પર કારગિલમાંથી પીછેહઠ કરવા દબાણ કર્યું હતું. જ્યારે, શરૂઆતમાં પાકિસ્તાની સેનાએ કારગિલમાં લડનારાઓને `સ્વતંત્રતા સેનાનીઓ` તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુનીરે જે કહ્યું તે પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી તાનાશાહોના ભાષણોમાં પણ જોવા મળતું હતું. આમાં તેમણે કહ્યું, `પાકિસ્તાન એક બહાદુર દેશ છે. અહીંના લોકો સ્વતંત્રતાનું મહત્વ સમજે છે. તેઓ કોઈપણ કિંમતે તેનું રક્ષણ કરવા તૈયાર છે. 1948, 1965 અને 1971 ના ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયા. કારગિલ અને સિયાચીનમાં પણ લડાઈ થઈ. દેશની સુરક્ષા અને સન્માન માટે હજારો શહીદોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું.

પાકિસ્તાની સેનાએ દેશમાં ક્યારે બળવો કર્યો?
શું પાકિસ્તાનમાં બધું બરાબર છે? આ પ્રશ્ન એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે પાકિસ્તાનમાં તેની સેનાએ અગાઉ ત્રણ વખત બળવો કર્યો છે. 1958માં જનરલ અયુબ ખાને, 1977માં જનરલ ઝિયા-ઉલ-હકે અને 1999માં જનરલ પરવેઝ મુશર્રફે સત્તા સંભાળી. હવે, શું જનરલ મુનીર પણ એ જ માર્ગે ચાલી રહ્યા છે? જનરલ અયુબ ખાને શસ્ત્રોના બળથી રાષ્ટ્રપતિ ઇસ્કંદર અલી મિર્ઝા પાસેથી સત્તા આંચકી લીધી હતી. આ પછી, જનરલ ઝિયા-ઉલ-હકે 1977 માં પણ આવું જ કર્યું. પછી 1999 માં, નવાઝ શરીફ જ્યારે શ્રીલંકાના વિદેશ પ્રવાસ પર હતા ત્યારે જનરલ પરવેઝ મુશર્રફે સરકારને સત્તા પરથી ઉથલાવી દીધી હતી. આ બળવાઓને કારણે, પાકિસ્તાન વર્ષો સુધી લશ્કરી શાસન હેઠળ રહ્યું. યોગાનુયોગ, પાકિસ્તાન હમણાં જ ઑપરેશન સિંદૂર હારી ગયું છે અને પાકિસ્તાન સરકારની કમાન નવાઝના ભાઈ શાહબાઝ શરીફના હાથમાં છે!

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2025 02:32 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK