Israel-Gaza Ceasefire: ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝામાં કાયમી યુદ્ધવિરામ અંગે સકારાત્મક સંકેત આપ્યો; પરંતુ તે જ સમયે કહ્યું છે કે, આ ફક્ત ઇઝરાયલની શરતો પર જ થશે; જોકે આ માટે તેમણે હમાસ સમક્ષ એક શરત મૂકી છે
બેન્જામિન નેતન્યાહૂની ફાઇલ તસવીર
ઇઝરાયલ (Israel)ના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)એ કહ્યું છે કે એકવાર કામચલાઉ શાંતિ કરાર થઈ જાય, પછી તેમની સરકાર હમાસ (Hamas) સાથે કાયમી યુદ્ધવિરામ માટે વાટાઘાટો (Israel-Gaza Ceasefire) કરવા તૈયાર છે. પરંતુ ઇઝરાયલી વડા પ્રધાને આ માટે એક શરત મૂકી છે. નેતન્યાહૂએ કહ્યું કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે હમાસ તેના શસ્ત્રો છોડી દેવા તૈયાર હોય. તેમણે કહ્યું કે, હમાસે પહેલા તેના શસ્ત્રો અને ગાઝા (Gaza) પરનું નિયંત્રણ છોડવું પડશે. વોશિંગ્ટન (Washington)થી મોકલવામાં આવેલા એક વીડિયો સંદેશમાં તેમણે ચેતવણી આપી હતી કે જો ઇઝરાયલની શરતો પર કોઈ કરાર નહીં થાય, તો લડાઈ ચાલુ રહેશે.
બેન્જામિન નેતન્યાહૂએ વીડિયો સંદેશમાં કહ્યું કે, ‘યુદ્ધવિરામની શરૂઆતમાં, અમે યુદ્ધના કાયમી અંત માટે, એટલે કે કાયમી યુદ્ધવિરામ માટે વાટાઘાટો શરૂ કરીશું.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ઇઝરાયલ દ્વારા નિર્ધારિત મૂળભૂત શરતો હેઠળ થવું જોઈએ. હમાસે તેના શસ્ત્રો છોડી દેવા જોઈએ. ગાઝાને બિનલશ્કરીકરણ કરવું જોઈએ અને હમાસ પાસે હવે કોઈ શાસન કે લશ્કરી ક્ષમતાઓ હોવી જોઈએ નહીં.’
ADVERTISEMENT
દરમિયાન, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આશા વ્યક્ત કરી છે કે, બંધકોની મુક્તિ માટે હમાસ સાથે ટૂંક સમયમાં કરાર થઈ શકે છે. ઇઝરાયલ પરત ફરતા પહેલા ન્યૂઝમેક્સની ગ્રેટા વાન સસ્ટેરેન સાથેની મુલાકાતમાં, નેતન્યાહૂએ કહ્યું, ‘મને આશા છે કે અમે તેને થોડા દિવસોમાં પૂર્ણ કરીશું.’ તેમણે કહ્યું, ‘અમે કદાચ ૬૦ દિવસનો યુદ્ધવિરામ કરીશું. (બંધકોના) પહેલા બેચને બહાર કાઢો અને પછી આ સમસ્યાનો અંત લાવવા માટે વાટાઘાટો કરવા માટે ૬૦ દિવસનો ઉપયોગ કરો.’
બેન્જામિન નેતન્યાહૂએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘જો હમાસ પોતાના હથિયારો નીચે મૂકે તો કાલે કે આજે તે સમાપ્ત થઈ શકે છે.’ નેતન્યાહૂએ વધુમાં કહ્યું, ‘અમને લાગે છે કે અમે આ હાંસલ કરી શકીશું. તેથી હું તમને એમ નહીં કહું કે અમારી પાસે કોઈ યુદ્ધ લક્ષ્ય છે જે પ્રાપ્ત ન થઈ શકે. અમે આ રાક્ષસોને હરાવીશું અને અમારા બંધકોને પાછા લાવીશું. ઇઝરાયલી વડા પ્રધાને કહ્યું કે હમાસ ગાઝાના નાગરિકોને યુદ્ધ ક્ષેત્રોમાંથી ભાગી જતા અટકાવવા માટે હિંસાનો ઉપયોગ કરી રહ્યું છે.’
નોંધનીય છે કે, બેન્જામિન નેતન્યાહૂની આ કમેન્ટ્ એવા સમયે આવી જ્યારે ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું કે ગુરુવારે ઇઝરાયલી હુમલામાં ૬૬ લોકો માર્યા ગયા હતા જ્યારે તેઓ એક આરોગ્ય ક્લિનિકની બહાર ખોરાકની રાહ જોઈ રહ્યા હતા અને તેમાં આઠ બાળકોનો પણ સમાવેશ થાય છે.
સાથે જ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે તેઓ યુએસ (US) સમર્થિત ૬૦ દિવસના યુદ્ધવિરામ કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છે.

