પાકિસ્તાન પછી હવે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કહ્યું...
ડોનલ્ડ ટ્રમ્પ, બેન્જામિન નેતન્યાહુ
પાકિસ્તાન પછી હવે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વિશ્વમાં શાંતિ સ્થાપવાની ભૂમિકા માટે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નૉમિનેટ કર્યા છે. સોમવારે વાઇટ હાઉસ ખાતે રાત્રિભોજન વખતે નેતન્યાહુએ નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિને મોકલેલા નામાંકન પત્રની નકલ પણ આપી હતી.
આ મુદ્દે નેતન્યાહુએ જણાવ્યું હતું કે ‘ટ્રમ્પ એક પછી એક દેશમાં, ક્ષેત્રમાં શાંતિ સ્થાપી રહ્યા છે એટલે હું તેમને શાંતિ પુરસ્કાર માટે નૉમિનેટ કરી રહ્યો છું. આ સન્માન તેમના માટે યોગ્ય છે અને તેમને મળવું જોઈએ.’
ADVERTISEMENT
નેતન્યાહુનો આભાર માનતાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘આની મને ખબર નહોતી. વાહ, ખૂબ-ખૂબ આભાર. ખાસ કરીને તમારા તરફથી આ ખૂબ જ અર્થપૂર્ણ છે.’
ડોનલ્ડ ટ્રમ્પને વર્ષોથી અનેક વાર નોબેલ શાંતિ પુરસ્કારનાં નામાંકન મળ્યાં છે અને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ન મળવા બદલ ટ્રમ્પે પોતાની નારાજગી છુપાવી પણ નથી. તેમના પક્ષ રિપબ્લિકન પાર્ટીએ ફરિયાદ કરી હતી કે નૉર્વેજિયન નોબેલ સમિતિએ ભારત અને પાકિસ્તાન તેમ જ સર્બિયા અને કોસોવો વચ્ચેના સંઘર્ષોમાં ટ્રમ્પની મધ્યસ્થી ભૂમિકા માટે તેમની અવગણના કરી હતી.
આજ સુધી ત્રણ અમેરિકન પ્રેસિડન્ટને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે જેમાં ૧૯૦૬માં થિયોડોર રુઝવેલ્ટ, ૧૯૧૯માં વુડ્રો વિલ્સન અને ૨૦૦૯માં બરાક ઓબામાનો સમાવેશ છે.

