ઇન્ડિયને બાંધેલા આ બિલ્ડિંગમાં ૧૬૦થી વધારે મજૂરો રહેતા હતા, મોટા ભાગના કેરલા અને તામિલનાડુના હતા ઃ નરેન્દ્ર મોદીએ રાજ્યકક્ષાના વિદેશપ્રધાનને મદદ માટે મોકલી દીધા
કુવૈતના બિલ્ડિંગમાં આગ
કુવૈતના મંગાફ વિસ્તારમાં ગઈ કાલે સવારે સાડાચાર વાગ્યે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૪૯ લોકો મૃત્યુ પામ્યા હોવાની શંકા સેવાઈ રહી છે જેમાંથી ૪૦ ભારતીયો છે. આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કિચનમાં આગ લાગી હતી જે ઉપરના માળ સુધી ફેલાઈ હતી. એને કારણે ઉપરના માળે રહેતા લોકો ફસાઈ ગયા હતા અને નીચે ઊતરી શક્યા નહોતા. ભારતીય મૂળના બિઝમેસમૅન કે. જી. અબ્રાહમે બાંધેલા આ બિલ્ડિંગમાં ૧૬૦થી વધારે ભારતીયો રહેતા હતા. મોટા ભાગના લોકો કેરલા અને તામિલનાડુના છે. આગ એટલી ભયંકર હતી કે ઘણાં લોકો કેબલના વાયરની મદદથી નીચે ઊતર્યા હતા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડા પ્રધાને ગઈ કાલે હાઈ લેવલની એક મીટિંગ રાખી હતી જેમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓ હાજર હતા. આ મીટિંગ બાદ વડા પ્રધાને રાજ્યકક્ષાના વિદેશપ્રધાન કીર્તિ વર્ધન સિંહને કુવૈતમાં ભારતીયોની મદદ કરવા મોકલ્યા હતા. આ દુર્ઘટનામાં ૯૦ લોકો ઘાયલ છે.
ADVERTISEMENT
કુવૈતના હોમ મિનિસ્ટર શેખ ફહદ અલ યુસુફે જણાવ્યું હતું કે ‘આ બિલ્ડિંગમાં ઘણા લોકો ગેરકાયદે રહેતા હતા એટલે જીવ ગુમાવનારા લોકોની સાચી જાણકારી મળી રહી નથી. અમે બિલ્ડિંગના માલિકની ધરપકડનો આદેશ આપ્યો છે. દુર્ભાગ્યથી રિયલ એસ્ટેટના માલિકો લાલચમાં આવીને વધારે ભાડું મેળવવા ઘણા લોકોને એક જ રૂમમાં રહેવા દે છે અને બિલ્ડિંગની સુરક્ષા-વ્યવસ્થા પર આંખ આડા કાન કરે છે.’
આ બિલ્ડિંગના માલિક મલયાલી બિઝનેસમૅન કે. જી. અબ્રાહમ છે અને તેમનું NBTC ગ્રુપ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં કામ કરે છે. તેમની આ કંપની ૧૯૭૭થી કુવૈતમાં ઑઇલ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો છે.
વિદેશપ્રધાને શું કહ્યું?
વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતીય રાજદૂત આદર્શ સ્વાઇકા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે ઘાયલો સાથે વાતચીત કરી છે. જયશંકરે સોશ્યલ મીડિયામાં લખેલી પોસ્ટમાં લખ્યું હતું કે ‘કુવૈતની ઘટનાથી સ્તબ્ધ છું. ત્યાં આશરે ૪૦ લોકોનાં મૃત્યુના અહેવાલ છે. અમે વિગતોની જાણકારી એકઠી કરી રહ્યા છીએ. જે લોકોએ પરિવારજનો ગુમાવ્યા છે એમના પ્રતિ મારી સંવેદના છે.’
વડા પ્રધાને સંવેદના વ્યક્ત કરી
આ ઘટના વિશે પોતાની સંવેદના જાહેર કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કુવૈતમાં આગની ઘટના દુખદાયી છે. જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલ લોકો જલદી સાજા થઈ જશે. કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર બારીકીથી નજર રાખી રહ્યું છે અને પ્રભાવિતોની સહાયતા માટે તેઓ અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છે.’