વિનીત કુમાર સિંહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે જીવનમાં ક્યારેક માત્ર સર્વાઇવ કરવું પણ બહુ જરૂરી બની જાય છે
ઍક્ટર વિનીત કુમાર સિંહ
ઍક્ટર વિનીત કુમાર સિંહની કરીઅર માટે ૨૦૨૫નું વર્ષ ખાસ સાબિત થયું છે. ‘છાવા’ અને ‘સુપર બૉય્ઝ ઑફ માલેગાંવ’માં કરેલી શાનદાર ઍક્ટિંગને કારણે તેને માત્ર બૉક્સ-ઑફિસ પર જ નહીં, પરંતુ ક્રિટિક્સ તરફથી પણ ભારે પ્રશંસા મળી છે. હાલમાં તેણે પોતાના સંઘર્ષ અને આ સ્થાન સુધી પહોંચવાનો અનુભવ શૅર કર્યો છે.
વિનીત કુમાર સિંહે ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘૨૦૦૪માં મેં ફિલ્મ ‘વાહ! લાઇફ હો તો ઐસી’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. મારું સપનું ઍક્ટર બનવાનું હતું, પરંતુ પરિસ્થિતિ એવી નહોતી. જીવનમાં ક્યારેક માત્ર સર્વાઇવ કરવું બહુ જરૂરી બની જાય છે. જો તમે ટકી રહેશો તો તમારી વાર્તા આગળ વધશે, જો હારી જશો તો કોઈ તમને યાદ પણ નહીં કરે. સંઘર્ષના દિવસોમાં હું સુનીલ શેટ્ટીનો ડુપ્લિકેટ પણ બની ચૂક્યો છું અને સંજય દત્ત માટે ડેડ-બૉડીનો રોલ પણ કર્યો છે. બસ અંદરનો જુસ્સો જીવંત રાખવો અને આગળ વધતા રહેવું... આ જ સૌથી જરૂરી છે.’


