Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અભૂતપૂર્વ જળપ્રલયે નેપાલને ધમરોળ્યું

અભૂતપૂર્વ જળપ્રલયે નેપાલને ધમરોળ્યું

Published : 27 August, 2026 11:46 AM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નેપાલમાં વિનાશક પૂરથી ભારે તારાજી સર્જાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થયું બરબાદ હાઇડ્રોપાવર પ્લાન્ટ તૂટી પડ્યા અને પુલ ધોવાઈ ગયા

નેપાલમાં હાઇડ્રોપાવર પ્લાન્ટ પાસેનો લોખંડનો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં વહી ગયો હતો.

નેપાલમાં હાઇડ્રોપાવર પ્લાન્ટ પાસેનો લોખંડનો પુલ પાણીના ધસમસતા પ્રવાહમાં વહી ગયો હતો.


નેપાલમાં આવેલા ભયંકર પૂરે માળખાગત સુવિધાઓને વેરવિખેર કરી નાખી છે. આ કુદરતી આફતમાં રસ્તા, પુલ, વીજળી, બૅન્ક અને સંચાર-વ્યવસ્થાને અભૂતપૂર્વ નુકસાન થયું છે. 
વીજળી સંકટ : ૧૧ હાઇડ્રોપાવર પ્લાન્ટને ભારે નુકસાન પહોંચ્યું છે. પરિણામે ૪૩૧ મેગાવૉટ વીજ-ઉત્પાદન કરતા પ્લાન્ટ્સ સંપૂર્ણ ઠપ થઈ ગયા છે. 
માર્ગવ્યવસ્થા બરબાદ : ૪૦ કિલોમીટર લાંબા રસ્તા અને ૧૯ પુલ ક્ષતિગ્રસ્ત થયા છે. રસુવાથી માલ્ખુ વચ્ચેના પુલ સહિત ૨૦થી વધુ સસ્પેન્શન અને મોટરેબલ પુલ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે.
બૅન્કો ધોવાઈ ગઈ : અડધો ડઝનથી વધુ બૅન્ક અને નાણાકીય સંસ્થાઓની ઑફિસો સંપૂર્ણપણે ધોવાઈ ગઈ છે, જ્યારે અન્ય એક ડઝન બૅન્કોને અસર પહોંચી છે.
સંચારસેવા ખોરવાઈ : પચીસથી વધુ ટેલિકૉમ સાઇટ પ્રભાવિત થઈ છે. NTC અને નસેલ (Ncell)ના ટાવર તેમ જ ઑપ્ટિકલ ફાઇબરને ભારે નુકસાન થયું છે. ચીન સાથે જોડાતી NTCની ફાઇબર લાઇન પણ ખોરવાઈ છે.
વૉર્નિંગ સિસ્ટમ નાશ પામી : રસુવા, ધાદિંગ અને નુવાકોટમાં ૬ સ્થળોએ લગાવેલી ફ્લડ અર્લી વૉર્નિંગ સિસ્ટમ પૂરમાં નાશ પામી છે.
જેલ અને અન્ય નુકસાન : નુવાકોટમાં સેન્ટ્રલ જેલની વહીવટી ઇમારત, પોલીસ સુરક્ષા એકમની ઇમારત, બાહ્ય દીવાલો અને વાહનોને નુકસાન પહોંચ્યું છે. જોકે જેલના તમામ ૮૦૦ કેદીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

જ્વાળામુખી ફાટ્યો હોય એવા ધમાકેદાર અવાજ સાથે ધસમસતો પ્રવાહ આવ્યો અને ૧ મિનિટથી ઓછા સમયમાં પાણી, કાટમાળમાં ધરબાઈ ગઈ અનેક જિંદગી  



નેપાલ-તિબેટ સરહદે આવેલી કૈલાસ-માનસરોવર યાત્રાની ઇમિગ્રેશન ઑફિસ પળવારમાં થઈ તબાહ


ગ્યિરૉન્ગ વિસ્તારમાં ધરતીકંપ પછી કાદવ અને પાણીના પ્રવાહથી રસ્તા, સંચાર અને વીજળીની સુવિધાઓ ખોરવાઈ

હિમાલયન દેશ નેપાલમાં તિબેટ સરહદ નજીકના વિસ્તારોમાં ગઈ કાલે આવેલા ભયંકર ફ્લૅશ ફ્લડમાં અનેક ગામ અને 
પ્રોજેક્ટ-સાઇટ ધોવાઈ ગયાં હતાં. આ દુર્ઘટનામાં ભારે જાનહાનિ થઈ હોવાની શંકા છે. ઉત્તર નેપાલના નકશા મુજબ સ્યાપ્રુબેસી અને તિમુરે વિસ્તારમાં પૂરથી સૌથી વધુ નુકસાન થયું છે. દૂરના ઊંચા મકાનોમાંથી ભોટેકાશી નદીમાં આવેલા પૂરનાં પાણીને ગામોમાં ફરી વળતાં નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે ‘જાણે જ્વાળામુખી ફાટ્યો હોય એવા ધમાકો સંભળાયો અને લોકો ચીસો પાડીને ભાગ્યા. જળપ્રલયમાં એક મિનિટની અંદર બધું જ તબાહ થઈ ગયું.’


તિબેટના ગ્યિરૉન્ગ કાઉન્ટી અને પોર્ટ વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તારાજી સર્જી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાયન્સિસ (GFZ)ના જણાવ્યા મુજબ પૂર આવવાની બરાબર ૭ મિનિટ પહેલાં જ ૪.૪ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. આ ધરતીકંપ બાદ કાદવ અને પાણીનો ભયંકર પ્રવાહ ધસી આવતાં કૈલાસ-માનસરોવર યાત્રા માટેની અત્યંત મહત્ત્વની ઇમિગ્રેશન ઑફિસ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી. ભારતથી ચીન જતા યાત્રાળુઓ માટે આ ઑફિસ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.

આ ગોઝારી ઘટનાનાં ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ સામે આવ્યાં હતાં. વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કાદવનો વિશાળ પ્રવાહ ઇમારતો પર ખાબકતાં લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગી રહ્યા હતા. ચીનની સરકારે પૂરને કારણે અનેક લોકોનાં મોત થવાની અને ગુમ થયાની પુષ્ટિ કરી છે. ​ગ્યિરૉન્ગ વિસ્તારમાં પૂરને કારણે રસ્તાઓ મોટા પાયે ધોવાઈ ગયા છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારની સંચારસેવા અને પાવર-લાઇન્સ સદંતર ડૂલ થઈ ગઈ છે.

સોશ્યલ મીડિયા પર સ્થાનિક લોકોએ શૅર કરેલા ફુટેજમાં નુકસાનીની ભયાનકતા જોવા મળે છે. ચીની પ્રશાસન દ્વારા હાલમાં યુદ્ધના ધોરણે બચાવ-કામગીરી શરૂ કરીને ગુમ થયેલા લોકોની શોધખોળ માટે ઑપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. સુનામીની જેમ ધસી આવેલા કાદવના વિશાળ પ્રવાહમાં લોકો કીડા-મંકોડાની જેમ દટાઈ ગયા હતા. આખું બિલ્ડિંગ કાદવના પ્રવાહમાં ધ્વસ્ત થઈ ગયું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2026 11:46 AM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK