ભવિષ્યમાં થનારા યુદ્ધ વિશે પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફની ધમકી
ખ્વાજા આસિફ
બે દિવસ પહેલાં ભારતીય સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે પાડોશી દેશ સીમા પર કોઈ પણ દુઃસાહસ કરશે તો ભારત તરફથી જોરદાર અને નિર્ણાયક જવાબ આપવામાં આવશે. આના જવાબમાં પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે વળતી ધમકી આપી હતી કે ભવિષ્યમાં ભારત સાથેના સંઘર્ષમાં કલકત્તા પર હુમલો કરવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં આસિફે કહ્યું હતું કે જો ભારત આ વખતે કોઈ ખોટા ફ્લૅગ-ઑપરેશન કરવાનો પ્રયાસ કરશે તો અમે લડાઈને કલકત્તા લઈ જઈશું.
ખ્વાજા આસિફે કોઈ પુરાવા વિના દાવો કર્યો હતો કે ભારત ફૉલ્સ ફ્લૅગ-ઑપરેશનની યોજના બનાવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ‘ભારત કોઈ પ્રકારના ફૉલ્સ ફ્લૅગ-ઑપરેશનની યોજના બનાવી રહ્યું છે જે તેમના પોતાના માણસો દ્વારા અથવા તેમની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાનીઓ દ્વારા હાથ ધરી શકે છે. તેઓ મૃતદેહો મૂકીને દાવો કરશે કે આ આતંકવાદી છે જેમણે ચોક્કસ આતંકવાદી કૃત્યો કર્યાં છે. જો તેઓ આ વખતે આવું નાટક કરવાનો પ્રયાસ કરશે તો અલ્લાહની ઇચ્છા, અમે (લડાઈ) કલકત્તા લઈ જઈશું.’
ADVERTISEMENT
એક દિવસ પહેલાં એક જોરદાર ભાષણમાં ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે ‘ભવિષ્યમાં થનારા કોઈ પણ સંઘર્ષમાં પાકિસ્તાની દળો ઘરોમાં ઘૂસીને અને RSSના કૅમ્પો પર હુમલો કરશે. આ વખતે સંઘર્ષ ૨૦૦થી ૨૫૦ કિલોમીટર સુધી મર્યાદિત રહેશે નહીં. અમે તેમના ક્ષેત્રમાં પ્રવેશ કરીશું અને તેમનાં પોતાનાં ઘરોમાં જ હુમલો કરીશું. જો તેઓ ફરીથી પ્રયાસ કરશે તો તેમને ગયા વર્ષ કરતાં પણ વધુ અપમાનનો સામનો કરવો પડશે.’
