ધરતીકંપમાં થયેલી જાનહાનિ પ્રત્યે ભારત વતી સંવેદના વ્યક્ત કરી
બૅન્ગકૉકની જે હોટેલમાં નરેન્દ્ર મોદી રોકાયા છે ત્યાં કેટલાક ભારતીયો સાથે મુલાકાત થઈ હતી. એ દરમ્યાન તેમને તેમનું જ પોર્ટ્રેટ પેઇન્ટિંગ ભેટ આપવામાં આવ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા BIMSTEC શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ગઈ કાલે બે-દિવસીય યાત્રા પર બૅન્ગકૉક પહોંચ્યા હતા જ્યાં તેમને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. BIMSTECનો મતલબ થાય છે બે ઑફ બેન્ગૉલ ઇનિશ્યેટીવ ફૉર મલ્ટિ-સેક્ટરલ ટેક્નિકલ ઍન્ડ ઇકૉનૉમિક કોઑપરેશન. આ સંગઠન બે ઑફ બેન્ગૉલ એટલે કે બંગાળના અખાતના કિનારે તથા એની નજીક આવેલા ૭ દેશોનું બનેલું છે જેમાં બંગલાદેશ, ભુતાન, ભારત, મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા અને થાઇલૅન્ડનો સમાવેશ છે.
જેમ આપણે ત્યાં ભગવાન રામને લઈને રામાયણ મહાકાવ્ય છે એમ થાઇલૅન્ડમાં પોતાની રામાયણની કથા પ્રચલિત છે. એને રામાકિએન કહેવાય છે. આ કથાની નૃત્યનાટિકામાં ભગવાન રામના જીવનની થાઇ સંસ્કૃતિમાં પ્રચલિત માન્યતાઓનું નિરૂપણ કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીએ એ દિલથી માણ્યું હતું અને પછી રામાકિએન ભજવનારી ટીમ સાથે ફોટો પડાવ્યો હતો.
ADVERTISEMENT
આ યાત્રામાં નરેન્દ્ર મોદીએ થાઇલૅન્ડનાં વડા પ્રધાન પેતોન્ગતાર્ન શિનાવાત્રા સાથે પ્રતિનિધિમંડળ સ્તરે વાતચીત કરી હતી. ત્યાર બાદ તેમણે શિનાવાત્રા સાથે પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. આ દરમ્યાન નરેન્દ્ર મોદીએ ભારતનાં પૂર્વોત્તર રાજ્યો અને થાઇલૅન્ડ વચ્ચે પર્યટન, સંસ્કૃતિ, શિક્ષાના સ્તરે સહયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ભારત અને થાઇલૅન્ડ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. આ સંબંધ આપણી પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક રૂપે જોડાયેલો છે. અમે ભારત-થાઇલૅન્ડ સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાનો નિર્ણય કર્યો છે. બન્ને દેશો ઇન્ડો-પૅસિફિકમાં એક સ્વતંત્ર, ખુલ્લી, સમાવેશી અને નિયમ-આધારિત વ્યવસ્થાનું સમર્થન કરે છે અને વિસ્તારવાદ નહીં પરંતુ વિકાસની નીતિમાં વિશ્વાસ રાખે છે.’
નરેન્દ્ર મોદીની યાત્રા દરમ્યાન થાઇ સરકારે ૧૮મી સદીની ‘રામાયણ’ આધારિત ભીંતચિત્રો પર પોસ્ટ-ટિકિટ બહાર પાડી છે જેના માટે નરેન્દ્ર મોદીએ થાઇ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ થાઇલૅન્ડમાં આવેલા ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે હું ભારતના લોકો તરફથી ભૂકંપમાં થયેલી જાનહાનિ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઈજાગ્રસ્તો જલદી સ્વસ્થ થઈ જાય એવી કામના કરું છું.
બૅન્ગકૉકના ગવર્નમેન્ટ હાઉસમાં થાઇ વડાં પ્રધાન પેતોન્ગતાર્ન શિનાવાત્રા સાથે નરેન્દ્ર મોદીએ થાઈ સંસ્કૃતિની વાતો ઊંડાણપૂર્વક સમજી હતી.
મોદી આજે શ્રીલંકા પહોંચશે ત્રણ દિવસની મુલાકાત માટે
થાઇલૅન્ડની મુલાકાત બાદ નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાની મુલાકાતે પહોંચશે જ્યાં તેઓ તાજેતરમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિને મળશે. આ મુલાકાત ત્રણ દિવસની છે.

