અત્યાર સુધી ૨૯ દેશોનાં સર્વોચ્ચ સન્માન વડા પ્રધાનને મળી ચૂક્યાં છે
નરેન્દ્ર મોદીને ઘાનાના રાષ્ટ્રપતિ જૉન મહામાના હસ્તે ‘ઑફિસર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઘાના’ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં પાંચ દેશોની મુલાકાતે નીકળ્યા છે. બુધવારે અને ગુરુવારે તેઓ ઘાનામાં હતા જ્યાં તેમનું હૂંફાળું અને શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદીને ઘાનાના રાષ્ટ્રપતિ જૉન મહામાના હસ્તે ‘ઑફિસર ઑફ ધ ઑર્ડર ઑફ ધ સ્ટાર ઑફ ઘાના’ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ઘાનાના પ્રેસિડન્ટને કર્ણાટકના બિદરના આર્ટવર્કવાળી ફૂલદાનીની જોડી અને તેમનાં પત્નીને સિલ્વરનું બારીક કારીગરી કરેલું ક્લચ ભેટ આપ્યું હતું.
ત્રણ દાયકામાં પહેલી વાર ભારતના વડા પ્રધાને ઘાનાની મુલાકાત લીધી હતી. ઘાના દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યા પછી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું ૧૪૦ કરોડ ભારતીયો તરફથી આ પુરસ્કાર વિનમ્રતાપૂર્વક સ્વીકારું છું.
ADVERTISEMENT
બારીક કારીગરી કરેલું સિલ્વરનું ક્લચ.
બિદરના આર્ટવર્કવાળી ફૂલદાનીની જોડી
નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઘાનાની સંસદને પણ સંબોધન કર્યું હતું. સંસદમાં બે સંસદસભ્યો ભારતીય પરિવેશમાં આવ્યા હતા અને એક સંસદસભ્ય શેરવાની-પાયજામો પહેરીને અને સેહરો બાંધીને દુલ્હાની જેમ આવ્યો હતો, તો એક મહિલા સંસદસભ્યએ લેહંગા-ચોલી જેવો ડ્રેસ પહેરીને ભારતીય સંસ્કૃતિનું સન્માન કર્યું હતું.
ગઈ કાલે સાંજે જ વડા પ્રધાન ઘાનાથી રવાના થઈને ટ્રિનિડૅડ અને ટબૅગો જવા નીકળી ગયા હતા.

