ડોનલ્ડ ટ્રમ્પ સરકારે સિખવિરોધી પોસ્ટર સોશ્યલ મીડિયા પર મૂક્યા બાદ આ હુમલો થયો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાના વ્યોમિંગ રાજ્યમાં ૨૮ વર્ષના પંજાબી સિખ ટ્રક-ડ્રાઇવર પર છરી વડે ૧૭ વાર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સિંહ અટક ધરાવતો આ ડ્રાઇવર રવિવારે સવારે ઇન્ટરસ્ટેટ ૮૦ પર આવેલા એક રેસ્ટ એરિયાના બાથરૂમમાં હતો ત્યારે અચાનક હુમલાખોરે પાછળથી આવીને ગરદન અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ડ્રાઇવર લોહીલુહાણ હાલતમાં બહાર આવતાં ત્યાં હાજર એક પરિવારે તેને મદદ કરી હતી. પોલીસે ગણતરીના સમયમાં જ હુમલાખોર અૅન્ડ્રયુ બઝડાકની ધરપકડ કરી લીધી હતી.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ડોનલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્ર હેઠળના ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (DHS) દ્વારા સોશ્યલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટર મૂકવામાં આવ્યું હતું. આ પોસ્ટરમાં ‘અમેરિકા અમેરિકનો માટે છે અને મિસ્ટર સિંહ અમારા રસ્તાઓ પરથી હટી જાઓ’ અેવો સંદેશ હતો. જોકે ભારે વિરોધ બાદ DHSએ આ પોસ્ટર હટાવી લીધું હતું.
