સુરેન્દ્ર કોલીને પહેલાં ફાંસીની અને પછી આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી, પણ પછી તેને નિર્દોષ છોડવામાં આવ્યો હતો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દિલ્હી પાસે આવેલા નિઠારી ગામમાં ૨૦૦૬માં બહાર આવેલા નિઠારીકાંડના આરોપી અને પછી સુપ્રીમ કોર્ટે નિર્દોષ છોડી મૂકેલા ૫૩ વર્ષના સુરેન્દ્ર કોલીએ ઉત્તરાખંડના હરિદ્વારમાં આત્મહત્યા કરીને પોતાના જીવનનો અંત આણ્યો હતો. ૨૦૦૬ના નિઠારીકાંડે દેશને હચમચાવી દીધો હતો જેમાં અનેક બાળકોનાં હાડપિંજરો નોએડાના નિઠારી ગામમાંથી મળી આવ્યાં હતાં. આ કેસમાં સુરેન્દ્ર કોલી અને બિઝનેસમૅન મોહિન્દર સિંહ પાંઢેરની ધરપકડ કરવામાં આવી હતી.
સુરેન્દ્ર કોલીને પહેલાં ફાંસીની અને પછી આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી, પણ પછી તેને નિર્દોષ છોડવામાં આવ્યો હતો. થોડા સમયથી તે સદારામ નામ ધારણ કરીને હરિદ્વારમાં રહેતો હતો. ૪ દિવસ પહેલાં ચાનો ધંધો કરવા માટે તેણે ભૂપતવાલા પરિસરમાં એક દુકાન ભાડે લીધી હતી અને રાત્રે એમાં જ સૂઈ જતો હતો. જોકે ગઈ કાલે સવારે દુકાનમાંથી તેનો ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. તેના ખિસ્સામાંથી મળેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ થઈ હતી.
