અમેરિકાના ટેક્સસમાં આવેલા પૂરમાં નદીના પાણીમાં તણાઈ રહેલી ગાડીઓ, ફ્રિજ અને કાટમાળ સાથે ખેંચાતી રહી અને ચાર ડૅમ અને અનેક બ્રિજની નીચેથી પસાર થઈ, છેવટે વચ્ચે આવેલા ઝાડને પકડી લીધું
ગુઆડાલુપ નદીના પૂરમાં કાર, ટ્રક અને મોટાં વાહનો પણ પાણીમાં તણાઈ ગયાં હતાં. હવે રેસ્ક્યુ ટીમ આ કાટમાળની આસપાસ બચેલા માણસોની શોધમાં લાગી છે.
અમેરિકાના ટેક્સસ રાજ્યમાં ગુઆડાલુપ નદીમાં અચાનક પાણી વધવાને કારણે આવેલા પૂરમાં મરણાંક વધીને ૫૯ને પાર થયો છે અને સૌથી વધુ નુકસાન કૅર કાઉન્ટીમાં થયું છે જ્યાં ૧૫ બાળકો સહિત ૪૩ લોકોએ જીવ ગુમાવ્યા છે, પણ આવી આપદામાં બાવીસ વર્ષની એક મહિલા પૂરના પાણીમાં ૩૨ કિલોમીટર દૂર સુધી ખેંચાઈ જવા છતાં બચી જવા પામી હતી. આ મહિલાનું નામ જાહેર કરવામાં આવ્યું નથી. બીજી તરફ પૂરનું પાણી ખૂબ જ જાણીતા સમર-કૅમ્પ મિસ્ટિકમાં ઘૂસી જવાને લીધે ૨૭ છોકરીઓ ગુમ છે, બચાવ-ટીમો તેમને શોધી રહી છે.
પરિવાર સાથે રજાઓ મનાવતી હતી
ADVERTISEMENT
૨૨ વર્ષની આ મહિલા તેનાં માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો સાથે ચાર જુલાઈની રજાના દિવસે ઇન્ટાગ્રામના એક કૅમ્પ-ગ્રાઉન્ડમાં કૅમ્પ કરી રહી હતી ત્યારે નદીમાં એકાએક વધી ગયેલા પાણીના પ્રવાહમાં તેના તંબુમાંથી તણાવા લાગી હતી. તેના પરિવારે વાહનમાં ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ પૂરના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો, હજી સુધી એ સ્પષ્ટ નથી કે મહિલાનો પરિવાર પૂરમાંથી બચી ગયો કે નહીં.
ઝાડની ડાળીઓ પકડી લીધી
આ મહિલાએ ૩૨ કિલોમીટર દૂર સુધી તણાઈ ગયા બાદ એક સાયપ્રસ વૃક્ષની ડાળીઓ પકડી લીધી હતી. જોકે નીચે શક્તિશાળી પૂરનું પાણી વહેતું હતું. સેન્ટર પૉઇન્ટમાં એક ઘરમાલિકે મહિલાની મદદ માટેની બૂમો સાંભળી હતી અને તેમણે ફાયર-બ્રિગેડને જાણ કરી હતી.
બે બોટ પહોંચી
આ મહિલાને બચાવવા માટે પૂરના ધસમસતા પાણીના પ્રવાહમાં પણ બે રેસ્ક્યુ બોટ પહોંચી હતી. એ સમયે પાણી દસ ફુટ જેટલું નીચે ઊતરી જવાથી મહિલા પાસે લાઇફ જૅકેટ ફેંકવામાં આવ્યું હતું અને એ પહેરીને તેણે બોટમાં કૂદકો માર્યો હતો. આ મહિલા ચમત્કારિક રીતે માત્ર નાના ઉઝરડા સાથે બચી ગઈ છે. નોંધપાત્ર વાત એ છે કે ૩૨ કિલોમીટર તણાઈ એ ગાળામાં તે ચાર ડૅમમાંથી પસાર થઈ હતી અને અનેક બ્રિજની નીચેથી સલામત રીતે નીકળી ગઈ હતી.

