૧૪ દેશો પર ૧ ઑગસ્ટથી નવી ટૅરિફ લાગુ કરવાની જાહેરાત તો કરી, પણ પછી કહ્યું કે પ્રભાવિત દેશો ફોન કરશે તો વાતચીતના દરવાજા ખુલ્લા છે
૧૪ દેશો પર ૧ ઑગસ્ટથી નવી ટૅરિફ લાદવાની જાહેરાત તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર કરી હતી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સોમવારે ૧૪ દેશો પર ૧ ઑગસ્ટથી નવી ટૅરિફ લાદવાની જાહેરાત તેમના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર કરી હતી. જોકે તેમણે આ દેશો સાથે વાતચીત કરવા માટે દરવાજા ખુલ્લા હોવાના સંકેત પણ આપ્યા હતા. ટ્રમ્પે ૧૪ દેશોને મોકલેલા પત્રો શૅર કર્યા હતા જેમાં થાઇલૅન્ડ, મ્યાનમાર, બંગલાદેશ, સાઉથ કોરિયા, જપાન, મલેશિયા, કઝાખસ્તાન, સાઉથ આફ્રિકા, લાઓસ, ઇન્ડોનેશિયા, ટ્યુનિશિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા તથા કમ્બોડિયાનો સમાવેશ છે.
ટ્રમ્પને જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ વખતે પહેલી ઑગસ્ટની સમયમર્યાદા ફાઇનલ છે ત્યારે ટ્રમ્પે કહ્યું હતું કે હું કહીશ કે અમે મક્કમ છીએ, પણ ૧૦૦ ટકા નહીં. જો તેઓ ફોન કરે અને કહે કે અમે કંઈક અલગ કરવા માગીએ છીએ તો તેમને માટે અમારા દરવાજા ખુલ્લા છે.
ADVERTISEMENT
એશિયામાં અમેરિકાના બે મહત્ત્વપૂર્ણ સાથી-દેશો જપાન અને સાઉથ કોરિયાથી આયાત થતી વસ્તુઓ પર ટ્રમ્પે સોમવારે ૨૫ ટકા ટૅરિફ લગાવી હતી અને એ માટે સતત વેપાર-અસંતુલનનો ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે પહેલી ઑગસ્ટથી શરૂ થનારી ટૅરિફની સૂચના બન્ને દેશોના નેતાઓને સોશ્યલ મીડિયા પોસ્ટમાં આપી હતી. બન્ને દેશોને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ પોતાના આયાતવેરા વધારીને બદલો ન લે, અન્યથા ટ્રમ્પ પ્રશાસન ટૅરિફમાં હજી વધારો કરશે.
અમેરિકાએ બીજા દેશોમાં મલેશિયા અને કઝાખસ્તાન પર ૨૫ ટકા, સાઉથ આફ્રિકા પર ૩૦ ટકા, લાઓસ અને મ્યાનમાર પર ૪૦ ટકા ટૅરિફ લગાવી હતી.

