ટ્રમ્પે વાઇટ હાઉસમાં દિવાળી ઊજવી, પણ સીએટલમાં દિવાળીના કાર્યક્રમમાં હિન્દુઓને કાઢી મૂકોના નારા લાગ્યા
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
એક તરફ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે વાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી હતી અને બીજી તરફ સીએટલ શહેરમાં દિવાળીની ઉજવણી દરમ્યાન ભારે હોબાળો થયો હતો. `વાઇટ રિપ્લેસમેન્ટ` નામના સંગઠનના કટ્ટરવાદીઓએ કાર્યક્રમમાં ઘૂસીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. તેમણે `ખ્રિસ્તીઓની જગ્યાએ હિન્દુઓને લાવવાનું બંધ કરો` અને `બધા ડૉટ હેડ્સ (હિન્દુઓ)ને દેશમાંથી કાઢી મૂકો` જેવાં લખાણોવાળાં પ્લૅકાર્ડ દર્શાવીને હિન્દુવિરોધી નારા લગાવ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ તરત જ આ કટ્ટરવાદીઓનો વિરોધ કરીને તેમને બહાર ધકેલી દીધા હતા. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અમેરિકાનાં ભારતીય મૂળનાં સંસદસભ્ય પ્રમિલા જયપાલે આ ઘટનાની આકરી નિંદા કરી હતી. તેમણે સોશ્યલ મીડિયા પર જણાવ્યું હતું કે `આ અત્યંત ખરાબ અને વંશીય પ્રદર્શન હતું. ભારતીય-અમેરિકન સમુદાયને કોઈ પણ ડર વિના પોતાના તહેવાર ઊજવવાનો પૂરો અધિકાર છે. સીએટલ કે અમેરિકામાં ક્યાંય પણ આવા નફરતભર્યા પ્રદર્શનને કોઈ જ સ્થાન નથી.`
આ ઉપરાંત કૉએલિશન ઑફ હિન્દુઝ ઑફ નૉર્થ અમેરિકા (CoHNA)એ પણ આ `હિન્દુફોબિક` હુમલાની નિંદા કરી હતી અને દિવાળીના આગામી કાર્યક્રમોમાં પણ આવાં પ્રદર્શનો થવાની શક્યતા હોવાથી ભારતીય સમુદાયને સાવચેત રહેવા ચેતવણી આપી હતી. નોધનીય છે કે એક પ્રદર્શનકારી જૅક લૅન્ગ ૨૦૨૧માં અમેરિકાની સંસદ પર થયેલા હુમલામાં જેલની સજા કાપી ચૂક્યો છે, જેને તાજેતરમાં જ ડોનલ્ડ ટ્રમ્પે માફી આપી હતી.
