યુક્રેનના પ્રેસિડન્ટ વૉલોદિમીર ઝેલેન્સ્કીનો સૌથી મોટો દાવો
યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન
યુક્રેનના રાષ્ટ્રપતિ વૉલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું ટૂંક સમયમાં મૃત્યુ થશે અને એનાથી બન્ને દેશ વચ્ચે યુદ્ધનો અંત આવશે. ઝેલેન્સ્કીની ટિપ્પણીને લઈને પુતિનના તબિયત અંગેની અટકળો ફરી શરૂ થઈ છે.
ઝેલેન્સ્કીએ બુધવારે પૅરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મૅક્રો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે ‘વ્લાદિમીર પુતિન યુરોપને પણ ટાર્ગેટ કરવા માગે છે. આ માટે અંદરથી જ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને હંગેરી તેમની સાથે છે. તે (પુતિન) જલદી જ મૃત્યુ પામશે અને આ હકીકત છે. પછી આ યુદ્ધ પણ સમાપ્ત થઈ જશે.’
ADVERTISEMENT
છેલ્લા ઘણા મહિનાઓથી રાષ્ટ્રપતિ પુતિનના સ્વાસ્થ્યને લઈને અટકળો અને અફવાઓ ચાલી રહી છે. રશિયન નેતાનો સતત ઉધરસ અને હાથ-પગમાં ધ્રુજારીનો વિડિયો સામે આવ્યા બાદ આ અફવાઓએ વધુ વેગ પકડ્યો છે. ઘણા અહેવાલો એમ પણ કહે છે કે પુતિન પાર્કિન્સન્સ રોગ અને કૅન્સરથી પીડિત છે.

