ઈરાનની માગણીઓમાં હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ રાખવાનો, એમના વિસ્તારમાંથી અમેરિકન દળોને પાછાં ખેંચવાનો, ઈરાન પરના પ્રતિબંધોને દૂર કરવાનો તથા ઈરાનની ફ્રીઝ કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવાનો સમાવેશ
યુદ્ધવિરામ ઘોષિત થતાં તેહરાનમાં ઈરાનીઓએ જશન મનાવ્યો હતો અને રાહતનો દમ લીધો હતો.
આશરે ૪૦ દિવસથી ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકાએ ઈરાન પર મોટો પ્રહાર કરવાની આપેલી ચેતવણી બાદ અમેરિકા અને ઈરાન બે અઠવાડિયાં યુદ્ધ રોકવા સંમત થયાં હતાં. યુદ્ધવિરામ માટે ઈરાને માગણી કરી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ પર એનું નિયંત્રણ રહેશે, આ પ્રદેશમાંથી અમેરિકન દળોને પાછાં ખેંચવામાં આવશે, ઈરાન પરના પ્રતિબંધોને દૂર કરવામાં આવશે તથા ઈરાનની ફ્રીઝ કરાયેલી સંપત્તિઓને મુક્ત કરવામાં આવશે.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તેહરાનને શરણાગતિ સ્વીકારવા માટે આપેલી નિર્ધારિત સમયમર્યાદાના બે કલાક કરતાં પણ ઓછા સમય પહેલાં મંગળવારે મોડી રાત્રે ઈરાન પર વિનાશક હુમલા કરવાની પોતાની ધમકી પાછી ખેંચી લીધી હતી. યુદ્ધ શરૂ થયું ત્યારથી ટ્રમ્પ વારંવાર અલ્ટિમેટમ સમાપ્ત થાય એ પહેલાં જ પીછેહઠ કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
ટ્રમ્પે કહ્યું હતું કે જો તેહરાન બે અઠવાડિયાંના યુદ્ધવિરામ માટે સંમત થાય અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલે તો યુદ્ધવિરામ કરવામાં આવશે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાનના સેનાપ્રમુખ જનરલ આસિમ મુનીર સાથે વાતચીતના આધારે યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈરાનનો ૧૦ મુદ્દાનો પ્રસ્તાવ
ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાને કાર્યક્ષમ ૧૦ મુદ્દાની શાંતિયોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે જે ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા શરૂ કરાયેલા યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ કરી શકે છે.
શુક્રવારથી ઇસ્લામાબાદમાં વાટાઘાટો
ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલે કહ્યું હતું કે એણે બે અઠવાડિયાંના યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો છે અને એ શુક્રવારથી ઇસ્લામાબાદમાં અમેરિકા સાથે વાટાઘાટો કરશે. ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે આગામી બે અઠવાડિયાં માટે ઈરાનના મિલિટરી મૅનેજમેન્ટ હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને પસાર થવાની મંજૂરી આપવામાં આવશે.
જોકે ઈરાન સ્ટ્રેટ પરનો પોતાનો અવરોધ ઢીલો કરશે કે કેમ એ તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. ટ્રમ્પે કહ્યું હતું કે જો તેહરાન સ્ટ્રેટને સંપૂર્ણ, તાત્કાલિક અને સલામત ખુલ્લી મૂકે તો તેઓ ઈરાન પરના હુમલાઓને બે અઠવાડિયાં માટે સ્થગિત કરશે.
ગલ્ફ દેશોમાં અલર્ટની ચેતવણી
યુદ્ધવિરામની જાહેરાત થઈ એ છતાં ગઈ કાલે વહેલી સવારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ, ઇઝરાયલ, સાઉદી અરેબિયા, બાહરિન અને કુવૈતમાં મિસાઇલ ચેતવણીઓ ચાલુ રહી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકન સૈન્યએ ઈરાન સામેની તમામ આક્રમક કાર્યવાહી બંધ કરી દીધી છે, પરંતુ રક્ષણાત્મક કાર્યવાહી ચાલુ રાખી છે.
યુદ્ધવિરામ માટે ઈરાનની માગણીઓ
૧. ઈરાન પર હુમલા કરવામાં આવશે નહીં.
૨. હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો અધિકાર અબાધિત રહેશે.
૩. ઈરાનના ઊર્જા માટેના યુરેનિયમ પ્રોગ્રામને માન્યતા અપાશે.
૪. ઈરાન પરના તમામ પ્રાથમિક પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવશે.
૫. ઈરાન પરના તમામ સેકન્ડરી પ્રતિબંધો હટાવવામાં આવશે.
૬. યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલના ઈરાનવિરોધી ઠરાવ રદ કરવામાં આવશે.
૭. ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી બોર્ડના ગવર્નરોના તમામ ઠરાવો રદ કરવામાં આવશે.
૮. યુદ્ધમાં થયેલા નુકસાન માટે ઈરાનને વળતર આપવામાં આવશે.
૯. આ પ્રદેશમાંથી અમેરિકાનાં સૈન્ય દળોને પાછાં ખેંચી લેવામાં આવશે.
૧૦. ઈરાનના લેબૅનન સહિતનાં સાથી દળો પર હુમલા રોકવામાં આવશે.
૪૦ દિવસના યુદ્ધમાં કુલ ૩૬૪૦ લોકોએ જીવ ગુમાવ્યો
ઈરાનમાં ૯૦,૦૦૦થી વધારે ઘર પડી ગયાં, ૭૬૦ સ્કૂલો અને ૩૦૭ હૉસ્પિટલો જમીનદોસ્ત, ૨૬,૫૦૦ લોકો ઘાયલ
અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થયેલા યુદ્ધના ૪૦ દિવસ બાદ યુદ્ધવિરામ થયો છે, પણ આટલા દિવસના યુદ્ધમાં ૩૬૪૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. એમાં ઈરાનમાં ૨૦૭૬, લેબૅનનમાં ૧૪૯૭, ઇઝરાયલમાં ૨૬ અને અમેરિકાના ૧૩ જણનો સમાવેશ છે. ૯૦,૦૦૦થી વધારે ઘર, ૭૬૦ સ્કૂલો અને ૩૦૭ હૉસ્પિટલો જમીનદોસ્ત થઈ ચૂક્યાં છે. આ યુદ્ધમાં ગલ્ફના દેશોમાં પણ ઘણું નુકસાન થયું છે. ઇરાક, જૉર્ડન, કુવૈત, બાહરિન, કતર, સાઉદી અરેબિયા, ઓમાન અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં પણ ઘણું નુકસાન થયું છે.
યુદ્ધમાં સૌથી વધારે નુકસાન ઈરાનને થયું છે. એના ઘણા પાવરપ્લાન્ટ અને તેલની રિફાઇનરીઓ નાશ પામ્યાં છે. સ્કૂલો અને હૉસ્પિટલો તૂટી પડી છે. ઈરાનમાં ૨૬,૫૦૦ લોકો ઘાયલ થયા છે.
ઇઝરાયલમાં ૭૧૮૩ લોકો ઘાયલ થયા છે. ૨૦૦થી વધારે અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે. ગલ્ફ દેશોમાં ૨૮ લોકોએ જીવ ગુમાવ્યા છે જેમાં કુવૈતમાં ૭, બાહરિનમાં ૩, સાઉદી અરેબિયામાં બે, UAEમાં ૧૨, ઓમાનમાં ૩ લોકોનો સમાવેશ છે. ઈરાકમાં ૧૦૯ લોકોએ જીવ ગુમાવ્યો છે.
યુદ્ધવિરામની જાહેરાત કરતી પોસ્ટમાં ટ્રમ્પે ખાસ ક્રેડિટ આપી પાકિસ્તાનને
અમેરિકન પ્રેસિડન્ટે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ આસિમ મુનીરની મધ્યસ્થીથી ઈરાન પર તરખાટ મચાવવાનો પ્લાન પડતો મૂકીને સીઝફાયર માટે સહમતી આપી હતી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર પ્રલય લાવવાની ડેડલાઇન જાહેર કરી એના થોડા જ કલાકો પહેલાં યુદ્ધવિરામનો નિર્ણય લીધો એ માટે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ આસિમ મુનીરને ક્રેડિટ આપી હતી. તેમણે પોતે શરૂ કરેલા સોશ્યલ મીડિયા ટ્રુથ સોશ્યલ પર આ લખ્યું હતું, ‘પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને ફીલ્ડ માર્શલ આસિમ મુનીર સાથેની વાતચીતમાં તેમણે રિક્વેસ્ટ કરી કે હું આજે રાતે ઈરાન પર મોકલેલી ખતરનાક આફતને રોકી દઉં. બદલામાં રિપબ્લિક ઑફ ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને પૂરી રીતે ખોલશે અને તરત સેફ પૅસેજ આપશે. એને કારણે હું અઠવાડિયા માટે ઈરાન પરનો હુમલો સસ્પેન્ડ કરવા સહમત થઈ ગયો. આ બન્ને તરફનો યુદ્ધવિરામ હશે. એમ કરવાનું કારણ એ છે કે અમે મિલિટરી લક્ષ્યો પૂરાં કરી ચૂક્યાં છીએ અને એનાથીયે આગળ વધી ગયા છીએ. ઈરાન સાથે લાંબા સમયની શાંતિ અને મિડલ ઈસ્ટમાં શાંતિ લાવવા માટે એક પાકું ઍગ્રીમેન્ટ કરવા આગળ સાથે છીએ.’
ચીને ઈરાનને વાટાઘાટો માટે સમજાવ્યું : ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ચીને ઈરાનને બે અઠવાડિયાંના યુદ્ધવિરામ કરાર પર સંમત થવા માટે વાટાઘાટોના ટેબલ પર લાવવામાં મદદ કરી છે એવું મને સાંભળવા મળ્યું છે. ટ્રમ્પ આવતા મહિને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગને મળવા માટે બીજિંગ જવાના છે.
