શી જિનપિંગે કહ્યું હતું કે ‘ચીન અને યુરોપે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવી જોઈએ અને સંયુક્ત રીતે એકપક્ષીય દાદાગીરી પ્રથાનો પ્રતિકાર કરવો જોઈએ.
ડોનલ્ડ ટ્રમ્પની ટૅરિફ-વૉરને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે ગણાવી એકપક્ષીય દાદાગીરી
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ચીન પર ટોટલ ૧૪૫ ટકા ટૅરિફ લાદી દીધા બાદ ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે પહેલી પ્રતિક્રિયા આપતાં એને એકપક્ષીય દાદાગીરી ગણાવી હતી અને યુરોપિયન યુનિયનને આ પગલાનો પ્રતિકાર કરવા માટે હાકલ કરી હતી. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ ચીનની મુલાકાતે આવ્યા હતા અને તેમની સાથેની બેઠકમાં જિનપિંગે આ પ્રતિક્રિયા આપી હતી. શી જિનપિંગે કહ્યું હતું કે ‘ચીન અને યુરોપે તેમની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ નિભાવવી જોઈએ અને સંયુક્ત રીતે એકપક્ષીય દાદાગીરી પ્રથાનો પ્રતિકાર કરવો જોઈએ. અમે અમારા પોતાના કાયદેસરના અધિકારો અને હિતોનું રક્ષણ કરીશું એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય ન્યાયનું પણ રક્ષણ કરીશું.’
ઈંટનો જવાબ પથ્થરથી : ચીને અમેરિકા પર લગાવી ૧૨૫ ટકા ટૅરિફ
અમેરિકા તરફથી ચીનની વસ્તુઓ પર ટોટલ ૧૪૫ ટકા ટૅરિફ લગાવ્યા બાદ ચીને પણ વળતો જવાબ આપ્યો હતો. ચીને શુક્રવારે અમેરિકાની આયાત પર ટૅરિફ વધારીને ૧૨૫ ટકા કરી દીધી છે. ચીનના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ચીને અમેરિકાથી આયાત થતાં ઉત્પાદનો પર ટૅરિફ ૮૪થી વધારીને ૧૨૫ ટકા કરી દીધી છે. અમેરિકા તરફથી ટૅરિફ વધાર્યા બાદ ચીને વિશ્વ વેપાર સંગઠનમાં કેસ પણ દાખલ કર્યો છે.

