પ્રાથમિક રીતે ગરમીને કારણે ઝાડનાં સૂકાં પાંદડાં વચ્ચે ઘર્ષણ થવાથી આગ લાગી હોવાનું અધિકારીઓએ ઉમેર્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
નાશિકના પેઠ રોડ પર આવેલી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ની વર્કશૉપમાં ગઈ કાલે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. એમાં રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)એ જપ્ત કરેલાં ૧૧ વાહનો સળગી ગયાં હતાં. બપોરે આશરે એક વાગ્યાના સુમારે MSRTCના અધિકારીઓએ અમુક વાહનોમાંથી ધુમાડો નીકળતો જોયો હતો. તેમણે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વાહનોની સીટના રેક્ઝિન અને રિક્ષાના કાપડમાંથી બનેલા હુડને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. ત્યાર બાદ બે ફાયર-ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. નવ રિક્ષા, એક કાર અને એક ટેમ્પો ટ્રાવેલર આગમાં બળીને ખાખ થઈ ગયાં હતાં. જોકે કોઈ જાનહાનિ નોંધાઈ ન હોવાનું ફાયર-બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું હતું. પ્રાથમિક રીતે ગરમીને કારણે ઝાડનાં સૂકાં પાંદડાં વચ્ચે ઘર્ષણ થવાથી આગ લાગી હોવાનું અધિકારીઓએ ઉમેર્યું હતું.

