આખા દેશને હચમચાવી દેનારા સિરિયલ બ્લાસ્ટના તમામેતમામ ૧૨ આરોપીઓને બૉમ્બે હાઈ કોર્ટે નિર્દોષ છોડ્યા, કહ્યું કે...: સિરિયલ બૉમ્બ-બ્લાસ્ટમાં ૧૮૯ લોકોએ જીવ ગુમાવ્યા, પણ કાતિલ કોઈ નહીં; બારેબાર આરોપીઓ છૂટી ગયા
સ્પેશ્યલ કોર્ટે ૨૦૧૫માં પાંચને મોતની સજા અને ૭ જણને આજીવન કારાવાસની સજા ફરમાવી હતી
બૉમ્બે હાઈ કોર્ટે મુંબઈની વેસ્ટર્ન લાઇનની લોકલ ટ્રેનોમાં ૨૦૦૬માં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના ૧૨ આરોપીઓને છોડી મૂક્યા હતા. આ ચુકાદો આપતાં હાઈ કોર્ટે કહ્યું હતું કે ફરિયાદપક્ષ આરોપીઓએ જ એ બ્લાસ્ટ કર્યા હોવાનું સાબિત કરવામાં સદંતર ઊણો ઊતર્યો છે. ૨૦૦૬ની ૧૧ જુલાઈએ થયેલા એ સિરિયલ બ્લાસ્ટમાં ૧૮૯ જણનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ અનિલ કિલોર અને શ્યામ ચાંડકે ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘ફરિયાદપક્ષ દ્વારા જે પુરાવા રજૂ કરાયા છે એનાથી એવો નિર્ણય ન લઈ શકાય કે આરોપીઓ ગુનેગાર છે, એથી તેમને સજા ન સંભળાવી શકાય. ફરિયાદપક્ષ એ સાબિત જ નથી કરી શક્યો કે એ ગુનો આ આરોપીઓએ આચર્યો છે. એથી તેમની સજા રદ કરવામાં આવે છે. જે પાંચ આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી એ પણ રદ કરવામાં આવે છે અને બાકીના ૭ આરોપી જેમને આજીવન કારાવાસની સજા આપવામાં આવી હતી એ પણ પડતી મૂકવામાં આવે છે. એથી જો આ આરોપીઓ સામે બીજા કોઈ કેસ ન હોય તો તેમને જેલમાંથી છોડી દેવામાં આવે.’
ADVERTISEMENT
સ્પેશ્યલ કોર્ટે ૨૦૧૫માં આ કેસના પાંચ આરોપીઓને ફાંસીની સજા સંભળાવી હતી, જ્યારે ૭ આરોપીઓને આજીવન કારાવાસ આપ્યો હતો. હાઈ કોર્ટે તેમની સજા રદ કરી હોવાનો ચુકાદો આપતાં જે આરોપીઓને વિડિયો-કૉન્ફરન્સથી કોર્ટમાં હાજર કરાયા હતા તેમણે બધાએ તેમના વકીલોનો આભાર માન્યો હતો.
ફાંસીની સજા પામેલો એક આરોપી કોવિડકાળમાં મૃત્યુ પામ્યો હતો.

